________________
ભીતરનો અવાજ
ગગનચુંબી ઇમારતની ઝાકઝમાળ જગત જુએ છે, પરંતુ એના પાયામાં રહેલી ઈંટ કે પથ્થરો તરફ કોઈ વિરલાની જ દૃષ્ટિ પડે છે. પ્રશંસા અને શણગાર ભલે ગગનચુંબી ઇમારતના થતા હોય, પરંતુ મજબૂત આધાર અને સમર્પણનો મહિમા તો એના પાયામાં પડેલી ઈંટોનો હોય છે.
જેમ નાનકડી ઈંટમાંથી વિશાળ ઇમારતનું સર્જન થાય છે, એ જ રીતે કોઈ એકાદ નાનકડા મૌલિક વિચારથી વ્યક્તિ જગતને અજાયબ લાગે એવી અભૂતપૂર્વ ઇમારતનું સર્જન કરે છે. એ વિજ્ઞાનની હેરતભરી દુનિયા હોય, સાહિત્યની સૌંદર્યમયી સૃષ્ટિ હોય, ટૅકનોલોજીનું કોઈ સંશોધન હોય કે પછી માનવકરુણાની કોઈ વાત હોય ! સઘળે મૌલિક વિચારનો મહિમા છે, જેના પર આચારની અપૂર્વ ઇમારત ચણાય છે.
એક મૌલિક વિચાર સમય જતાં જગતની દૃષ્ટિને પલટી નાખે છે. ચિત્તમાં એક ભાવ જાગે અને અદમ્ય પુરુષાર્થથી એ ભાવ સાકાર થાય, ત્યારે કલ્પના પણ કરી ન હોય તે રીતે જગતનો ચહેરો બદલાઈ જાય છે.
યુગાન્ડા દેશનો વતની ડેરેક કાયોન્ગો, એક નિર્વાસિત તરીકે અહીં-તહીં ભટકવામાં એનું બાળપણ પસાર થયું, પરંતુ એ પછી આ યુવાને પુરુષાર્થ કરીને જીવનમાં પ્રગતિ હાંસલ કરી. એક વાર પોતાના કોઈ કામ માટે એણે અમેરિકાના ફિલાડેલ્ફિયાની એક હોટલમાં રોકાણ કર્યું. એણે જોયું તો આ હોટલમાં રોજ નવી નવી સાબુની ગોટી બદલવામાં આવતી હતી. પહેલાં તો કાયોન્ગોએ એમ માન્યું કે આ નવા સાબુની કિંમત એની પાસેથી વસૂલ કરવામાં આવશે, એથી એણે કહ્યું કે જૂનો સાબુ ચાલશે, આજે નવા સાબુની મારે જરૂર નથી.
હોટલના કર્મચારીએ કહ્યું, ‘રોજ નવી સાબુની ગોટી પૂરી પાડવાની હોટલની પ્રથા છે, આથી તમે એની કિંમતની લેશમાત્ર ફિકર કરો નહીં. ગઈકાલની થોડી વપરાયેલી સાબુની ગોટી મને પાછી આપી દો. તમને રોજ નવો સાબુ વિનામૂલ્ય આપવામાં આવશે.'
ડેરેક કાયોન્ગોને હજી એ સમજાયું નહીં કે તેઓ શા માટે એણે વાપરેલી સાબુની ગોટી લઈ ગયા અને નવી ગોટી મૂકી ગયા ! ડેરેક યુગાન્ડા પાછો આવ્યો, ત્યારે એણે એના પિતાને કહ્યું, ‘આ અમેરિકામાં તો હોટલમાં રોજ નવી નવી સાબુની ગોટી આપવામાં આવે છે અને જૂની ગોટી ફેંકી દે છે.'
ડેરેકના અનુભવની વાત સાંભળીને એના પિતાએ વસવસો પ્રગટ કરતાં હોય તેમ કહ્યું, ‘અમેરિકા જેવા દેશને સાબુની ગોટી ફેંકી દેવી પોસાય.”
પિતાનાં આ વસવસાભર્યા વાક્યોએ ડેરેકને વિચારતો કરી મૂક્યો. એણે વિચાર્યું કે રોજ નવો સાબુ મૂકવાની પ્રથા ધરાવનારી હોટલો તો દુનિયાભરમાં ઘણા દેશોમાં હશે. આ દરેક હોટલમાં રોજ સવારે પ્રત્યેક રૂમમાંથી થોડી ઘણી વપરાયેલી સાબુની ગોટીઓ લઈ લેવાતી હશે અને નવી નક્કોર ગોટી મૂકવામાં આવતી હશે. આને પરિણામે થોડી વપરાયેલી કેટલી બધી સાબુની ગોટીઓ ફેંકી દેવાતી હશે ! વળી બીજી બાજુ આ દુનિયા પર એવાં હજારો લોકો છે કે જેમના નસીબમાં સાબુની ગોટી પણ નથી અને એને કારણે એમને અનેક રોગોનાં ભોગ બનવું પડે છે.
ભીતરનો અવાજ • 53
ડેરેક કાયોગો