________________
ઝાડી-ઝાંખરાં અને ગુલાબ જર્મનીમાં જન્મેલા બાળક વિલહેમને નિશાળે જવાની વાત આવે એટલે ટાઢ ચડવા માંડે. જાતજાતનાં બહાનાં કાઢીને નિશાળે જવાનું ટાળવાની કોશિશ કરે. આખો દિવસ ધિંગામસ્તી કરતાં રખડુ છોકરાંઓને જોઈને એ કહેતો કે -
મા, એ નિશાળે જતાં નથી, છતાં મોટાં થાય છે અને આનંદથી ખેલે છે.” ત્યારે એની માતાએ ઘરની બહાર આમતેમ ઊગેલાં ઝાડી-ઝાંખરાં બતાવીને પૂછયું, “બોલ બેટા, આવું ઘાસ અને આવાં ઝાડી-ઝાંખરાં કોણે ઉગાડ્યાં હશે ?
વિલહેમે કહ્યું, “મા, એને ઉગાડવાં પડતાં નથી. એ આપોઆપ જ વરસાદના પાણી કે ઝાકળથી ઊગી નીકળે છે.'
એ પછી માતાએ વિલહેમને ઘરમાં ઊગેલા ગુલાબના છોડને બતાવીને પૂછવું, “બેટા, આ ફૂલ તને કેવાં લાગે છે ? ઝાડી-ઝાંખરાં જેવાં જ લાગે છે ?”
વિલહેમે કહ્યું, “અરે મા, જ્યાં એ આડેધડ ઊગેલાં ધૂળિયાં, કશાય ઉપયોગ વિનાનાં અને જોવાંય ન ગમે એવાં ઝાડી-ઝાંખરાં અને ક્યાં મારા પિતા જેની રોજ સંભાળ લે છે, પાણી પાય છે અને ખાતર નાખે છે એવા આ ગુલાબના છોડ !'
માતાએ કહ્યું, “બેટા, ઝાડી-ઝાંખરાં કરતાં ગુલાબનાં ફૂલો સુંદર લાગે છે એનું કારણ એને માટે મહેનત અને પ્રયત્ન કરવામાં આવ્યો છે. જીવન પણ એવું જ છે. સારું જીવન મહેનતને પરિણામે પ્રાપ્ત થતું હોવાથી કેળવણી, તાલીમ, અભ્યાસ અને મહેનત કરવાની જરૂર પડે છે. તારામાં અને પેલા આખો દિવસ ધિંગામસ્તી કરતાં છોકરાંઓમાં શો તફાવત છે, એનો ખ્યાલ તો તને સમય જતાં સમજાઈ જશે.”
માતાની આ શિખામણ વિલહેમના મનમાં ઊતરી ગઈ અને એ મન દઈને અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં કુશળ સંશોધક બનેલા વિલહેમને એક્સ-રેની શોધ કરવા માટે નોબેલ પારિતોષિક એનાયત થયું.
મંત્ર માનવતાનો