________________
મૃત્યુ કે સંઘર્ષ ?
વિખ્યાત બ્રિટિશ લેખક વિલિયમ હેલ બાઇટની વિશેષતા એ બની કે તેઓ એમના ઉપનામ માર્ક રૂધરફોર્ડથી વધુ જાણીતા બન્યા. આ કુશળ સનદી અધિકારીના જીવન પર બાળપણનું એક સ્મરણ ઘેરો પ્રભાવ પાડી ગયું.
એક વાર તેઓ દરિયાના કિનારે બેઠા હતા અને જોયું તો દૂર એક વહાણ લંગર નાખીને ઊભું હતું. માર્ક રૂધરફોર્ડના બાળમનમાં એકાએક એવો ખ્યાલ જાગ્યો કે તરીને સામે લાંગરેલા જહાજ સુધી પહોંચી જાઉં ! એમને તરતાં આવડતું હતું, તેથી તરીને જહાજ સુધી પહોંચી ગયા. એના પર એક-બે લટાર પણ મારી. ઇચ્છાની પૂર્તિ અને મળેલી સફળતાથી આ બાળકનું મન અપાર ખુશી અનુભવવા લાગ્યું. એ પછી એમણે પાછા ફરવાના વિચારથી દરિયામાં ઝંપલાવ્યું અને સામેના કિનારા તરફ નજર કરી, તો મનમાં એમ લાગ્યું કે કઈ રીતે આટલું લાંબું અંતર કાપી શકાશે ? એમનું મન હતાશાથી ઘેરાઈ ગયું. સામેના દરિયાકિનારા સુધી એ તરીને પહોંચી નહીં શકે તેટલો દૂર લાગવા માંડ્યો.
આ વિચારથી શરીર શિથિલ થઈ ગયું અને થયું કે હવે સામા કિનારે પહોંચવું અશક્ય છે. એમના મન પર ડૂબી જવાની દહેશત સવાર થઈ ગઈ. એકાએક એમણે મન પર કાબૂ મેળવીને વિચારોની દશા બદલી, તો એમના મનની દિશા પલટાવા લાગી. ભીતરમાં એક શક્તિનો સંચાર અનુભવ્યો. એમણે વિચાર્યું કે કિનારા સુધી નહીં પહોંચવાનો અર્થ તે મૃત્યુ અને કિનારા સુધી પહોંચવાનો પ્રયાસ તે સફળતા માટેનો સંઘર્ષ. શું પસંદ કરવું - મૃત્યુ કે સંઘર્ષ ? સંઘર્ષના સંકલ્પે એમનામાં સંજીવની પ્રગટાવી. ભલે ડૂબી જાઉં, પણ સફ્ળતા માટે સંધર્ષ તો કરતો જ રહીશ. અનિશ્ચિતતાનું સ્થાન આત્મવિશ્વાસે લીધું. ભયને બદલે દઢ નિશ્ચય ચિત્ત પર સવાર થયો અને એ દરિયાના સામેના કિનારે પહોંચવામાં સફળ થયા. બાળપણની આ ઘટનાએ આ સર્જકના ચિત્ત પર ગાઢ અસર કરી.
મંત્ર માનવતાનો 57