________________
દારૂગોળાને બદલે ધૂળ ! વિરલ, બાહોશ અને હિંમતબાજ જર્મન સેનાપતિ અર્વિન રૉમેલ હિટલરના સૈન્યનો સેનાપતિ હતો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં હિટલરનો ભલે પરાજય થયો, પરંતુ સેનાપતિ અર્વિન રૉમેલને એમની લશ્કરી કુનેહ માટે યાદ કરવામાં આવે છે. આ સેનાપતિ પાસે ઘણું ઓછું સૈન્યબળ હોવા છતાં એમણે અપ્રતિમ વિજયો હાંસલ કર્યા હતા.
એક વાર અત્યંત ધૂળિયા પ્રદેશમાં જર્મનસેના અંગ્રેજો સાથે યુદ્ધ કરતી હતી, ત્યારે રોમેલની તોપોમાં વપરાતો દારૂગોળો ખૂટી ગયો. જો દારૂગોળો ન હોય તો અંગ્રેજ સેનાને આગળ વધતી અટકાવવી અશક્ય હતી. આવે સમયે રૉમેલના સાથી સેનાધિકારીઓ ગભરાઈને દોડતા દોડતા એની પાસે આવ્યા. એમણે કહ્યું, “સર, અંગ્રેજોએ ભારે હુમલો કર્યો છે અને આપણી પાસે એનો સામનો કરવા માટે તોપો છે ખરી, પણ સહેજે દારૂગોળો નથી. આ સમયે આપણે તાત્કાલિક કંઈક વ્યવસ્થા કરવી જોઈએ, નહીં તો આપણો પરાજય થશે.'
અર્વિન રૉમેલે સાથીઓને ધીરજ આપી અને કહ્યું, “જુઓ, આમ પરેશાન થવાથી કશું નહીં થાય. બળથી નહીં તો કળથી યુદ્ધ તો જીતવું પડશે. આપણી પાસે ભલે તોપને માટે દારૂગોળો ન હોય, પણ ધૂળ તો છે ને ! તોપમાં ધૂળ ભરો અને ધનાધન અંગ્રેજ સેના પર છોડવા લાગો.'
અર્વિન રૉમેલના આદેશ પ્રમાણે ધૂળ ભરીને દારૂગોળાની જગાએ દુશ્મનો પર તોપો છોડવામાં આવી. કેટલાક જર્મન લશ્કરી વિમાનોને આકાશમાં અંગ્રેજ સેના પર ઘૂમતા રહેવાનો આદેશ આપ્યો. બન્યું એવું કે તોપમાંથી નીકળેલી ધૂળથી આખું આકાશ છવાઈ ગયું અને માથા પર ઘૂમતાં વિમાનોથી અંગ્રેજ સેના ભયભીત બની ગઈ. આને પરિણામે એમણે યુદ્ધમાં આગળ વધવાને બદલે જીવ બચાવીને નાસવાનું નક્કી કર્યું. રોમેલની બુદ્ધિ છે અને ચાતુર્યને કારણે જર્મનોને અંગ્રેજો સામેના આ યુદ્ધમાં વિજય મળ્યો.
મંત્ર માનવતાનો
41