________________
પ્રગતિનું રહસ્ય રશિયાના પ્રસિદ્ધ વિજ્ઞાની નીલ્સ બોરની ખ્યાતિ સર્વત્ર પ્રસરેલી હતી. એમની વિજ્ઞાન એકૅડેમીના ભૌતિક વિભાગની ચોતરફ બોલબાલા હતી. ફિઝિક્સમાં સંશોધન કરવા માટે નીલ્સ બોરની ઇન્સ્ટિટ્યૂટ સૌથી મોખરે ગણાતી હતી.
આ સંસ્થાના યુવાન અને તેજસ્વી વિજ્ઞાનીઓ સતત નવાં નવાં સંશોધનો કરતા હતા અને વિજ્ઞાનના ક્ષેત્રમાં આવનાર સહુ કોઈ નીલ્સ બોરની ઇન્સ્ટિટ્યૂટમાં કામ કરવાની તક મળે, તે માટે આતુર રહેતા હતા.
વિજ્ઞાની નીલ્સ બોર એક અન્ય ઇન્સ્ટિટ્યૂટની મુલાકાતે ગયા અને એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. નીલ્સ બોરે મનનીય પ્રવચન આપ્યું અને પછી પ્રશ્નોત્તરી દરમિયાન અનેક વિષયો પર સવાલ-જવાબ થયા. આ સમયે એક વ્યક્તિએ પૂછ્યું,
‘આપને માઠું ન લાગે તો મારે એક અંગત બાબત પૂછવી છે ?” નીલ્સ બોરે હસતાં હસતાં કહ્યું, ‘જરૂર પૂછો. જવાબ આપવા માટે હું હાજર છું.’
સાહેબ, આપની સાથે કામ કરનારી પ્રત્યેક વ્યક્તિ સદા પ્રસન્ન હોય છે. આપની સંસ્થા પણ પ્રગતિના પથ પર અગ્રેસર રહે છે. આનું રહસ્ય શું છે ?”
નીલ્સ બોરે હસતાં હસતાં કહ્યું, ‘એનું રહસ્ય સાવ સામાન્ય છે અને તે એ કે હું મારી સંસ્થામાં કામ કરતી નાનામાં નાની વ્યક્તિના કામને પૂરેપૂરું પ્રોત્સાહન આપું છું, એમની પ્રશંસા પણ કરું છું અને એથીય વિશેષ જો મારી કોઈ ભૂલ થઈ ગઈ હોય, તો એનો સ્વીકાર કરવામાં સહેજે સંકોચ અનુભવતો નથી. આને કારણે જ સંસ્થામાં તમામ વ્યક્તિઓ જીવ રેડીને કામ કરે છે અને પોતાની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શક્તિ દાખવવા પ્રયત્ન કરે છે. એમની વચ્ચે પરસ્પર સકારાત્મક સ્પર્ધા ચાલતી હોય છે અને એનો ફાયદો સંસ્થાને થતો હોય છે.”
પ્રશ્નકર્તાને નીલ્સ બોરની ઇન્સ્ટિટ્યૂટની સફળતાનું રહસ્ય મળી ગયું.
મંત્ર માનવતાનો
37