________________
મંત્ર માનવતાનો
28
નાનું ઇનામ લેતી નથી !
શિયાળાની કડકડતી ઠંડીમાં રશિયાના સાઇકિરિયા પ્રાંતમાં જોરદાર હિમવર્ષા થઈ
રહી હતી. આ સમયે નાનાં મોટાં કાર્યો કરીને માંડ પેટપૂરતું ભોજન પામતી નિર્ધન વૃદ્ધા એની ઝૂંપડીમાં આરામ કરતી હતી. એવામાં એકાએક એણે કોઈ મોટો અવાજ સાંભળ્યો. એ વૃદ્ધા ઊભી થઈ અને બરફના વરસતા વરસાદમાં અવાજની દિશા તરફ દોડી. એણે જોયું કે ભયંકર હિમપાતને કારણે નદી પરનો પુલ તૂટી ગયો હતો. વૃદ્ધાના મનમાં એકાએક વિચાર આવ્યો કે હવે થોડા સમયમાં જ રોજની માફક ટ્રેન આવશે અને જો એ ટ્રેન આ તૂટેલા પુલ પરથી પસાર થશે, તો મોટી ખુવારી થશે.
ટ્રેનને દૂરથી રોકવાનો ઉપાય વિચારવા લાગી. એ જે ઇલાકામાં રહેતી હતી. ત્યાં દૂર દૂર સુધી બધું ઉજ્જડ હતું અને વસ્તી પણ કેટલાય માઇલ દૂર રહેતી હતી. વૃદ્ધાએ ડ્રાઇવરને પ્રકાશ દ્વારા સૂચના આપીને રોકવાનું નક્કી કર્યું. એ માટે એ પોતાની ઝૂંપડીમાં ગઈ અને દીકરીને કહ્યું કે ગમે તે થાય, પણ કોઈ પ્રકાશની વ્યવસ્થા કરો, જેથી ટ્રેન થોભાવી શકાય. ઘરમાં એવો કોઈ સામાન નહોતો કે એને સળગાવીને રોશની કરે. અચાનક વૃદ્ધાની નજર પોતાના તૂટેલા ખાટલા પર ગઈ. એણે પુત્રીની મદદથી એ ખાટલાને તોડી નાખ્યો અને રેલવે લાઇન પર એ લાકડાં રાખ્યાં. એ લાકડાં સળગાવ્યાં અને બરાબર એ જ સમયે સામેથી ટ્રેનની સિસોટી સંભળાઈ.
ટ્રેનનો ડ્રાઇવર દૂરથી પ્રકાશ જોઈને વિસ્મય પામ્યો. એણે ટ્રેન ધીમી કરી અને થંભાવી દીધી. ટ્રેનમાંથી ઊતરેલા ડ્રાઇવરે જોયું તો સામે તૂટેલો પુલ દેખાતો હતો. થોડી વારમાં મુસાફરો પણ ડબ્બામાંથી નીચે ઊતર્યા અને એમને ખ્યાલ આવ્યો કે એક વૃદ્ધાએ પોતાના ઘરનો એકમાત્ર ખાટલો તોડીને સેંકડો માણસોના પ્રાણ બચાવ્યા છે.
ઘણા મુસાફરોએ આ વૃદ્ધાને ઇનામ આપવાની ઇચ્છા પ્રગટ કરી ત્યારે વૃદ્ધાએ કહ્યું, ‘હું આટલું નાનું ઇનામ લેતી નથી. તમે લોકો કોઈ જરૂરિયાતમંદને મદદ કરજો. એ જ મારા માટે સૌથી મોટો પુરસ્કાર બની રહેશે.'