________________
નિષ્ફળતાને નમવું નથી પ્રસિદ્ધ ઉદ્યોગપતિ કિંગ કૅમ્પ જીલેટ એમની કારકિર્દીના પ્રારંભે એમના મિત્રો, સાથીઓ અને લોકોની ટીકા અને મજાકનું કારણ બન્યા હતા. અત્યંત ગરીબ એવા કિંગ કૅમ્પ જીલેટને એક વાર શેવિંગ કરતી વખતે અસ્તરા પર ભારે અણગમો થયો. અસ્તરાની ધાર નીકળી ચૂકી હતી અને લગભગ બુઠ્ઠી બની ગયેલા અસ્તરાથી માંડ માંડ શેવિંગ થતું હતું. આ દિવસે જીલેટે વિચાર્યું કે શેવિંગ કરવાની કોઈ બીજી દૈનિક શોધવી જોઈએ. આ અસ્તરાથી તો ભારે પરેશાની થાય છે.
આવો વિચાર આવવો એ સહજ બાબત હતી, પણ એ વિચારને અમલમાં મૂકવો ઘણી અઘરી બાબત હતી. એમને ખાવાના પણ સાંસા હતા અને શરૂઆતમાં જે મિત્રોએ મદદ કરી, તેઓ પણ હવે એમને જોઈને મોં ફેરવી લેતા હતા. આમ છતાં દઢ સંકલ્પને કારણે દેવું કરીનેય એક મશીન ખરીધું ને મનમાં એવો ખ્યાલ હતો કે શેવિંગ કરવા માટે અસ્તરાને સ્થાને કામ આપે એવી નાનકડી બ્લેડ બનાવું.
એમણે આવી બ્લેડ બનાવવાનો પ્રારંભ કર્યો, પરંતુ એમાં નિષ્ફળતા મળતાં એ દેવામાં ડૂબી ગયા. લોકોએ એને તુક્કાબાજ ગણીને ઘણી મજાક ઉડાવી, પરંતુ જીલેટે આવા મુશ્કેલીના સમયમાં પણ હિંમત જાળવી રાખી અને પોતાની શોધને માટે એકાગ્રતા અને સંકલ્પ સાથે કામ કરતા રહ્યા.
આ બધાનું કારણ એટલું જ કે ચોતરફ એમના પ્રત્યે ઉપેક્ષાનો અંધકાર હતો, ત્યારે માત્ર એક વ્યક્તિને જીલેટ પર ભરોસો હતો અને તે જીલેટ પોતે. એમને એવો પ્રબળ આત્મવિશ્વાસ હતો કે એ જરૂર આ કાર્યમાં સફળતા મેળવશે અને એક દિવસ એમને સફળતા મળી.
૧૮૯૫માં એમણે સેફ્ટી રેઝર ઉત્પાદક એવી જીલેટ કંપનીની સ્થાપના કરી અને પછી એમને અઢળક પૈસા અને પ્રસિદ્ધિ મળ્યાં, એટલું જ નહીં પણ એમણે બનાવેલી જીલેટ બ્લેડની દુનિયાભરમાં માગ થવા લાગી. આજે એ બ્લેડને કારણે જગત જીલેટના પુરુષાર્થને યાદ કરે છે.
મંત્ર માનવતાનો.
22