________________
મારો પ્રિય સર્જક અત્યંત મૂંઝવણ અનુભવતી એક વૃદ્ધા પુસ્તક-વિક્રેતાને ત્યાં ગઈ. એને એક પુસ્તક જોઈતું હતું, પણ એ પુસ્તકના શીર્ષકની કે એના સર્જકની કોઈ માહિતી નહોતી.
આવી સ્થિતિમાં પુસ્તક-વિક્રેતાએ એ વૃદ્ધા સમક્ષ દિલગીરી પ્રગટ કરતાં કહ્યું, “આપને પુસ્તકના શીર્ષકની ખબર નથી અને એના લેખકની ખબર નથી, તો પછી કઈ રીતે હું તમને પુસ્તક આપવામાં મદદગાર બની શકું ?”
વૃદ્ધાએ પોતાના ખિસ્સામાંથી એક કાગળની ચબરખી કાઢી. એણે કહ્યું કે આ ચબરખીમાં જે હૃદયસ્પર્શી વાક્ય લખ્યું છે, તે એ પુસ્તકમાંથી લીધેલું છે. તમે આ વાક્ય વાંચો અને કદાચ તમને કયું પુસ્તક છે તેનો ખ્યાલ આવે.
વૃદ્ધાએ ચબરખી પુસ્તક-વિક્રેતાને આપી અને એણે એમાં એક વાક્ય વાંચ્યું, “દુઃખ એ બીજું કંઈ નથી, તમારી સાચી સમજણને એક અંધારાનું પડ વીંટળાઈ રહ્યું છે.”
પુસ્તક-વિક્રેતાએ આ વાક્ય વાંચ્યું અને બોલી ઊઠ્યો, “અરે, આ વાક્ય બીજા કોઈનું ન હોય, એનો લેખક તો મારો પ્રિય સર્જક ખલિલ જિબ્રાન છે અને આ રહ્યું એ વાક્ય ધરાવતું પુસ્તક.”
આમ કહીને પુસ્તક-વિક્રેતાએ જિબ્રાનની કૃતિ એ વૃદ્ધાને ઉત્સાહભેર આપી, ત્યારે એના કરચલીવાળા ચહેરા પર આનંદની રેખાઓ ઊપસી આવી.
પૂજાની સામગ્રીની માફક એણે સાચવીને ગ્રંથ પોતાના હાથમાં લીધો અને હર્ષથી નાચવા લાગી. સંતોષનો ઊંડો શ્વાસ લેતાં બોલી,
કોઈ માને ખોવાયેલો દીકરો મળે એટલો આનંદ આ ગ્રંથ મળતાં મારા હૈયામાં થયો. ભાઈ, હું આ પુસ્તક અને એના લેખકનું નામ ભૂલી ગઈ હતી, પરંતુ એણે લખેલું વાક્ય રાતદિવસ મારા ચિત્તમાં ઘૂમ્યા કરતું હતું. મને થતું કે આ પુસ્તક વાંચ્યા વિના મને જીવનમાં શાંતિ નહીં મળે. સુખે મોત નહીં સાંપડે. તમે આ પુસ્તક આપીને મારા મનમાં શાંતિ આણી છે અને ઘણો મોટો ઉપકાર કર્યો છે.”
મંત્ર માનવતાનો
155