________________
બરફના ટુકડા જેવી સ્થિતિ જર્મન રાજવી “ફ્રેડરિક પહેલો’ સમગ્ર દેશમાં મહાન રાષ્ટ્રીય વીરપુરુષ તરીકે પ્રશંસા પામ્યો હતો. યુદ્ધમાં વિજય મેળવીને એણે જર્મન સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. પવિત્ર રોમન સમ્રાટ ગણાતા રાજા ફ્રેડરિક મહાન દ્વારા શાહી ભોજન-સમારંભ યોજાયો અને એમાં રાષ્ટ્રની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ અને ઉચ્ચ અધિકારીઓને નિમંત્રણ આપવામાં આવ્યાં.
આ ભોજન-સમારંભમાં સમ્રાટ રાષ્ટ્રના પ્રશ્નોની ચર્ચા કરતા હતા. એમણે સવાલ કર્યો, “આટલો બધો કર નાખવા છતાં રાજ્યની આવક કેમ ઓછી થતી જાય છે ? આપ એનું કોઈ કારણ બતાવશો ?”
ઉપસ્થિત રહેલા મહાનુભાવો એકબીજાનું મોં જોવા લાગ્યા. ત્યારે ડાઇનિંગ ટેબલથી દૂર બેઠેલા એક વયોવૃદ્ધ બધાને ચૂપ જોઈને સમ્રાટને કહ્યું,
“જો સમ્રાટ આજ્ઞા આપે તો હું એનું રહસ્ય કહી શકું તેમ છું.”
ઉદારમના ફ્રેડરિકે સહજ અનુમતિ આપી. એ વૃદ્ધ મહાનુભાવે બરફનો એક ટુકડો લઈને બાજુમાં રહેલા અતિથિને આપ્યો અને કહ્યું,
“ભાઈઓ, તમે દરેક વ્યક્તિ આ ટુકડો તમારા હાથમાં લો અને છેલ્લે સમ્રાટને પહોંચાડી દો.”
આ રીતે એક પછી એક વ્યક્તિએ બરફનો મોટો ટુકડો હાથમાં લીધો. બરફનો એ મોટો ટુકડો એક હાથમાંથી બીજા હાથમાં જતાં ધીરે ધીરે પીગળીને સાવ નાનો ચણા જેટલો થઈ ગયો. ફ્રેડરિક પાસે એ ટુકડો આવ્યો ત્યારે વૃદ્ધ સજ્જને કહ્યું,
સમ્રાટ, આપના રાજ્યમાં ખજાના સુધી પહોંચતાં પહોંચતાં તો કર રૂપે મળેલી રકમની આ બરફના ટુકડા જેવી હાલત થઈ જાય છે.”
મંત્ર માનવતાનો.
154