________________
મારા પર અજમાવો ને ! પ્રખર બુદ્ધિપ્રતિભા ધરાવતા સંશોધકો અને વૈજ્ઞાનિકોએ એક એકથી ચડિયાતાં શસ્ત્રોની શોધ આરંભી. સંશોધનનો એક જ ઉદ્દેશ હતો : કેટલી બહોળી સંખ્યામાં અને કેટલા વિસ્તારમાં સૌથી વધુ ઝડપી સંહાર થઈ શકે ! વૈજ્ઞાનિકો વચ્ચે આ અંગે તીવ્ર સ્પર્ધા ચાલી. એક ચુંબન કરતાં જેટલો સમય લાગે એટલા સમયમાં અડધી દુનિયાનો નાશ કરવાનું સામર્થ્ય વૈજ્ઞાનિકોએ હાંસલ કર્યું. મહાન વૈજ્ઞાનિકે એની કેટલાંય વર્ષોની શોધ પછી મહાસંહારક શસ્ત્ર તૈયાર કર્યું. એ ઉત્સાહભેર પોતાના નિવાસસ્થાને પાછો ફર્યો, ત્યારે બારણે એનો પુત્ર રમતો હતો.
પિતાને પહેલી જ વાર આટલા આનંદભેર, ઉત્સાહથી આવતા જોઈને પુત્રને નવાઈ લાગી. આજ સુધી આ વૈજ્ઞાનિક ઘેર આવતા, ત્યારે એમના મનમાં સંહારક શસ્ત્રોના સંશોધનની ગડમથલ ચાલતી હોય, પોતાને મળેલી નિષ્ફળતાના બોજથી એમનો ચહેરો ચિંતાતુર હોય. ઉદાસી એ એમના ચહેરાનો સ્થાયી ભાવ હતો. આજે પહેલી વાર બાળકે પિતાના ચહેરા પર આનંદ જોયો. વૈજ્ઞાનિકે બારણે ઊભેલા પુત્રને વિજયી છટાથી કહ્યું, “બસ, આજે મારી મહેનત સફળ થઈ. રાત-દિવસની મહેનત, વર્ષોની મહેનત. આજે હું ખૂબ ખુશ છું. વર્ષોથી જેનું સંશોધન કરતો હતો, તે અદ્ભુત શોધ આજે સિદ્ધ થઈ. જે રહસ્ય શોધતો હતો, તે હાથ લાગ્યું.”
બાળસહજ જિજ્ઞાસાથી પુત્રે પૂછયું, “કયું છે એ રહસ્ય ? કેવી છે એ અદ્ભુત શોધ?”
વૈજ્ઞાનિકે કહ્યું, “બેટા, મેં એવું શસ્ત્ર શોધ્યું છે કે જો હું ઇચ્છું તો થોડીક સેકન્ડોમાં આખી દુનિયાના તમામ માણસોને મારી શકું. એ શસ્ત્રનો ઉપયોગ થશે, ત્યારે બીજી ક્ષણે પૃથ્વી પરથી માનવઅસ્તિત્વનું નામ-નિશાન મટી જશે. કેવું અદ્ભુત !”
પુત્રે બાળસહજ ચેષ્ટાથી કહ્યું, “શું કહો છો પિતાજી! આવી શોધ કરી ! જરા મારા પર અજમાવી જુઓ તો ! મને કેવો મારી શકો છો !” બાળકની વાત સાંભળીને વૈજ્ઞાનિક ઉદાસ બની ગયો !
મંત્ર માનવતાનો
140