________________
કર્તવ્યની હિફાજતા
ઈરાનના શહેનશાહ અબ્બાસ પોતાના રાજ્યના ઉચ્ચ અધિકારીને ત્યાં ભોજન અર્થે પધાર્યા હતા. ભોજન પછી અતિશય મદ્યપાન કરવાથી તેઓ નશામાં ચકચૂર બની ગયા અને ઉન્મત્ત બનેલા શહેનશાહ ઉચ્ચ અધિકારીના જનાનખાના તરફ ધસમસતા જવા લાગ્યા. ઉચ્ચ અધિકારી ઈરાનના શહેનશાહની આ હરકત જોતો હતો, પણ કરે શું ? એ ખામોશ બનીને ઊભો રહ્યો, પણ જનાનખાનાનો પહેરેદાર દરવાજા પાસે આવીને ઊભો રહ્યો અને બે હાથ આડા કરીને કહ્યું, “આપને જનાનખાનામાં પ્રવેશવાનો અધિકાર નથી.”
આ સાંભળીને શહેનશાહનો મિજાજ ગયો અને બોલ્યા, ‘ઈરાનના બાદશાહને તું એમના અધિકારની વાત કરે છે ? દૂર હટી જા મારા રસ્તામાંથી. મારા આદેશનું પાલન કર, નહીં તો તારું મસ્તક વાઢી નાખીશ.”
પહેરેદારે કહ્યું, “બાદશાહ સલામત ! આપને હું ઓળખું છું, પરંતુ આ જનાનખાનાની હિફાજત કરવી એ મારી ફરજ છે, તેથી હું અહીંથી ખસી શકીશ નહીં. આપ મુલ્કના બાદશાહ હોવાથી હું આપના પર હુમલો નહીં કરું, પરંતુ આપને જનાનખાનામાં પ્રવેશવું હોય તો મારી હત્યા કરી, મારા શબ પર પગ મૂકીને પ્રવેશવું પડશે, કારણ કે મારા માલિકના આદેશનો અને એમની સ્ત્રીઓની અસ્મત(આબરૂ)નો સવાલ છે.” ઈરાનના બાદશાહ અબ્બાસ થોડી વાર થોભી ગયા અને પોતાના મહેલમાં પાછા ફર્યા. બીજે દિવસે બાદશાહના દરબારમાં મિજલસ ગોઠવનારા ઉચ્ચાધિકારી આવ્યા અને બાદશાહની માફી માગતાં કહ્યું, ‘ખુદાવિંદ, રહેમ કરજો, મારા પહેરેદારે ભૂલ કરી. એને મેં આજે હાંકી કાઢયો છે.'
ઈરાનના બાદશાહે કહ્યું, “સારું કર્યું. નહીં તો મારે તારી પાસે એની ભીખ ( માગવી પડત. એને બોલાવો. હું એને મારા રક્ષકોનો સરદાર બનાવવા માગું છું. આવો
મંત્ર માનવતાનો સેવક તો સદ્નસીબ હોય, તો જ સાંપડે.”
115