________________ 150 તથ્યને સત્ય માનીને અનિષ્ઠો સર્યા ! તથ્યને સત્ય માનવાને કારણે કેટકેટલી ભ્રાંતિ સર્જાઈ છે. વ્યક્તિ પાસે એનો આગવો અભિગમ, પોતીકી વિચારધારા અને સંસાર વ્યવહારના અનુભવોમાંથી તારવેલ નવનીત હોય છે. પોતાની નજરે જગતને જોઈને મેળવેલા દર્શનમાંથી એને જે સાંપડે છે તે તથ્ય છે, સત્ય નહીં. એ પ્રાપ્ત કરેલાં તથ્યને સત્ય માનવા જાય તો ઘણી મોટી ભૂલ કરી બેસે છે. વ્યક્તિ ઘણી વાર આવાં તથ્યને આધારે જીવનઘડતર કરતી હોય છે અને એથીય વિશેષ સ્વજીવનનો માર્ગ નિર્ધારિત કરતી હોય છે, પણ એ ભૂલી જાય છે કે તથ્ય સાથે તમારી ધારણાઓ, માન્યતાઓ અને ખ્યાલો અનુયૂત હોય છે, જ્યારે સત્ય તદ્દન ભિન્ન છે. તથ્ય આજે સ્વીકાર્ય હોય, તે આવતી કાલે અસ્વીકાર્ય બની શકે છે. એક સમયનું તથ્ય બીજા સમયમાં લાગુ પાડી શકાતું નથી. આની સામે સત્ય એ શાશ્વત હોય છે. એમાં કોઈ પરિવર્તન આવતું નથી. તથ્ય સાથે આપણા પોતાના ખ્યાલો જોડાયેલા હોય છે, જ્યારે સત્ય સાથે વ્યક્તિના કોઈ ખ્યાલો જોડાયેલા હોતા નથી. આમ તથ્ય એ માનવબુદ્ધિની નીપજ છે, જ્યારે સત્ય એ પરમાત્માની દેન છે. પરમની પ્રાપ્તિ છે. સામાજિક વિચારધારામાં કે ધાર્મિક પરિસ્થિતિમાં તથ્યને સત્ય માની લેવાને કારણે પારાવાર અનિષ્ટ સર્જાયો છે. તથ્યને જુદા જુદા વાઘા પહેરાવી શકીએ છીએ. જુદાજુદા વેશથી શણગારી શકીએ છીએ. સતીના કુરિવાજને સ્વર્ગપ્રાપ્તિના સિંહાસને બેસાડી શકીએ છીએ. ગઈકાલના તથ્યને વળગી રહીને ધર્મોમાં સત્યનો દ્રોહ થતો હોય છે. તથ્ય બહુરૂપી છે જ્યારે સત્ય કોઈ વેશ કે કોઈ આવરણનો સ્વીકાર કરતું નથી. 152 ક્ષણનો ઉત્સવ