________________
૧૪૪ અંતર્યાત્રામાં આવનારા સ્ટેશનની ખબર હોતી નથી
આજુબાજુ ઘેરાયેલી આફતોની વચ્ચે વિરલ ભડવીર કોઈ સાથે ન આવે તોપણ ‘એકલો જાને રે'ના ભાવ સાથે આગળ પ્રયાણ આદરે છે. ચોપાસની મુશ્કેલીઓથી એ સહેજે મૂંઝાતો નથી. પોતાના નિર્ધારિત પથ પરથી સહેજે ડગતો નથી. આવા સાહસ કરતાં પણ વધુ કપરું સાહસ છે માનવીનું ભીતરી પ્રયાણ. બાહ્ય સાહસને માટે નિશ્ચિત રસ્તો હોય છે. જુદાજુદા માર્ગોનો દોરેલો નકશો હોય છે. જ્યારે આત્માના માર્ગે ચાલનાર એકાકીને માટે કોઈ નિર્ધારિત પંથ હોતો નથી કે ચોક્કસ આંકેલો નકશો હોતો નથી. એમાં હોય છે માત્ર પ્રયાણનું સાહસ, પ્રાપ્તિની ઝંખના અને ધ્યેય તરફની એકાગ્ર દૃષ્ટિ.
――
આ માર્ગે વ્યક્તિ જેમજેમ આગળ ધપે છે તેમતેમ એ જ જાળાંઝાંખરાં વચ્ચેથી આગવી, પોતીકી કેડી કંડારતો જાય છે. એ ભીતરના અપરિચિત પ્રદેશને પાર કરતો અગ્ન-ગતિ કરે છે. માર્ગમાં એને અજ્ઞાન અને અંધકાર અવરોધે છે. તૃષ્ણાઓ અને વૃત્તિઓ જકડીને મુશ્કેટાટ બાંધી રાખવાની કોશિશ કરે છે. અવિદ્યા અને દુરિત અને ભયભીત બનાવી પાછા ફરવા કહે છે. આકર્ષણો ને ઉપસર્ગો એને ઘેરી વળે છે. ક્ષણિકની લીલા બધે ફેલાઈ જાય છે અને બાહ્ય સુખોનું માધુર્ય આસપાસ રેલાઈ જાય છે.
સાધક આવી જ્ઞાત દુનિયામાંથી ભીતરની અજ્ઞાત દુનિયામાં પ્રયાણ આદરે છે. આ એવી યાત્રા છે કે જ્યાં એક સ્ટેશન પછી બીજું કયું સ્ટેશન હશે એની ખબર નથી. એક આત્માનુભૂતિ અંતરને કેવો વળાંક આપશે એનો કોઈ અંદાજ નથી. બાહરી દુનિયામાં તો ક્યારેક સાહસ કરવું પડતું પણ આંતરજગતમાં તો પળેપળે નવી પરિસ્થિતિ અને નવા પડકારોનો સામનો કરવો પડે છે. અને એ રીતે એ ભીતરની દિશા ભણી આગળ ધપતો રહે છે અને એક એવા મુકામ પર પહોંચે છે જ્યાં પ્રસન્ન પ્રકાશમયતાનો અનુભવ થાય છે.
ક્ષણનો ઉત્સવ
146
૧૪૫
એકલા રહેવું, એકલા ઊગવું એ જ એકલવીર
વ્યક્તિ પોતાનું એકલાપણું દૂર કરવા અને વીસ૨વા માટે જીવનભર અથાગ પ્રયત્ન કરે છે. એ કોઈને ચાહે છે, એ ઠેરઠેર મિત્રો બનાવે છે, આસપાસના સમાજમાં ડૂબી જાય છે કે પછી પોતાની આગવી મંડળી જમાવે છે, કિંતુ એકલાપણું મિટાવવાના એના સઘળા પ્રયત્નો વ્યર્થ છે. આનું કારણ એ છે કે ‘એકલા હોવું’ એ જ માનવીની જન્મજાત વૃત્તિ છે. એકલા ન રહેવું તે એમાંથી ભાગવાનો માનવીનો મરણિયો પ્રયત્ન છે. આ એકલાપણું એ જ વ્યક્તિના હૃદયનું હાર્દ છે. એ જ એના આનંદનું પ્રબળ-સ્થાન છે. પોતાના આ એકલાપણાને દૂર કરવા માટે માણસ પોતાના ભીતરની દુનિયા ભૂલીને બહારની દુનિયામાં દોડધામ કરે છે. ઉધમાત કરે છે. એક પળની પણ નવરાશ રહેવા દેતો નથી. કારણ એટલું જ કે એને એનું એકલાપણું ડરામણું લાગે છે.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
એકલા હોવું એ માનવીનો સ્વભાવ છે અને સ્વભાવમાં રહેવું એ જ માણસનું નિજી વ્યક્તિત્વ છે. પોતાના એકલાપણાને ભૂલીને સંસારમાં ભમતો માણસ બાહ્ય ઘટનાઓથી પોતાને સફળ થયેલો માનશે ખરો, પરંતુ એ સફળતા વેંચના કે છેતરપિંડી છે. પોતાના એકલાપણાનો સ્વીકાર એ જ જીવનના આનંદનો અનુભવ છે.
જેઓ એકલા ચાલ્યા છે એમણે જ આ જગતને બદલ્યું છે. એકલો રહેનાર માનવી જ ક્રાંતિ લાવી શકે છે. એકલો વિચારનાર જ જગતને બદલી શકે છે અને એકલો ચાલનાર જ જગતને નવો રાહ ચીંધી શકે છે. હકીકત તો એ છે કે જે એકલો ચાલે છે, તે આખી દુનિયા પર રાજ કરે છે. જે ભીડમાં જીવે છે અને પોતાનું કોઈ જગત હોતું નથી આથી વનમાં સિંહ, જ્ઞાનમાં વિદ્વાન કે યુદ્ધમાં વીર એકલો જ હોય છે.
ક્ષણનો ઉત્સવ
147