________________
- ૧૪૩
૧૪૨ અશુભના બળને ઉવેખવા જેવું નથી. માનવી છે નાયક કે ખલનાયક ? માનવી સ્વભાવે શુભ વૃત્તિઓવાળો છે કે અશુભ વૃત્તિઓવાળો ? માનવીમાં તેજ -અંધાર સાથોસાથ વસતાં હોવાનું કહીએ છીએ, રામ અને રાવણ બંને હૈયામાં હોવાનું વર્ણવીએ છીએ. એના હૃદયના કુરુક્ષેત્ર પર સત્યરૂપી પાંડવો અને અસત્યરૂપી કૌરવોનું યુદ્ધ સદા ખેલાય છે તેમ મનાય છે, પરંતુ માનવીમાં મૂળભૂત રૂપે શુભ છે કે અશુભ ?
માનવી તત્ત્વતઃ શુભનો બનેલો છે. શુભ એ એની મૂળ પ્રકૃતિ છે, પરંતુ એ મૂળ પ્રકૃતિ પર ચિત્તની લોલુપતા, કામુકતા કે સ્વાર્થોધતાના આવરણનું આચ્છાદન થાય છે અને પરિણામે લોલુપ, કામુક અને સ્વાર્થી માનવી સર્જાય છે. ક્રમશઃ એની શુભ પ્રકૃતિ પર અશુભ વિકૃતિ પોતાનો કાબૂ જમાવે છે અને તેથી આવો માનવી અન્યાયી નકારાત્મક કે સંહારક કાર્યો કરે છે. એની મૂળ પ્રકૃતિના સૂર્યની આગળ વિકૃતિનાં વાદળ જામી જાય છે. આવા માનવીને પછી એ શુભ પ્રકૃતિનો સૂર્ય દેખાતો નથી, માત્ર અશુભનાં આમતેમ વાદળોમાં જીવે છે.
શુભમાં ઠંડી તાકાત છે, અશુભમાં તીવ્ર ઉછાળ છે. શુભ સમર્થ છે અને અશુભ અસમર્થ છે એવું નથી. જેમ શુભનું બળ હોય છે એ જ રીતે અશુભ પણ પ્રબળ બને છે. શુભની ભાવના મનની પવિત્રતા સાથે સંકળાયેલી છે. જ્યારે અશુભની ભાવના મોહકષાયનું આકર્ષણ ધરાવનારી છે. અશુભનું બળ તોડવા માટે શુભ સંકલ્પનો ઉપયોગ કરવો પડે છે. સત્યની કૃતિ સર્જીને વિકૃતિને હટાવવા માટે કોશિશ કરવી પડે છે. વિકૃતિનાં વાદળ હટે અને શુભ પ્રવૃત્તિનો સૂર્ય ઊગે ત્યારે માનવી તમસૂમાંથી જ્યોતિ તરફ, અસમાંથી સત્ તરફ અને મૃત્યુમાંથી અમૃતત્વ તરફ પ્રયાણ કરે છે.
જીવનમાં ખેલાડીને બદલે અમ્પાયર બનવું જીવન એક ખેલ છે અને પ્રત્યેક વ્યક્તિ એનો ખેલાડી છે. એ વ્યક્તિ ખેલાડીરૂપે સવાર, બપોર અને સાંજ ખેલે જ જાય છે. રાત્રે પણ એ સ્વપ્નના મેદાનમાં રમતો જ હોય છે. રાત-દિવસ આ ખેલ ચાલતો રહે છે. એમાં જીત થાય તો ખેલાડી કૂદી ઊઠે છે, ઝૂમી ઊઠે છે, નાચવા લાગે છે. હાર થાય તો લમણે હાથ મૂકી હતાશ થઈને બેસી જાય છે. ચોવીસ કલાક માનવી ખેલાડીના સ્વાંગમાં ઘુમ્યા કરે છે. પ્રાપ્તિ માટે દોડ લગાવે છે. આ મેળવી લઉં કે તે મેળવી લઉં એમ વિચાર કરતો દોડ્યું જ જાય છે. એ જેમ વધુ દોડતો જાય છે તેમ ભીતરથી ખાલી થતો જાય છે. એની સતત દોડ એવી બની જાય છે કે એ પોતે ઊભો રહી શકે છે, તે વાતને જ ભૂલી જાય છે. ભીતરની દુનિયા પર તો એની નજરેય ફરતી નથી. આવી દોડ લગાડનારો માનવી સતત બીજાને જોતો હોય છે, પોતાને નહીં.
પોતાની જાતની એ ફિકર કરતો નથી. બીજાને હરાવવા માટે એ સતત કોશિશ કરે છે. હરીફ પોતાને આંટી જાય નહીં, તે માટે એના પર સતત નજર રાખે છે. એના ડગલાથી પોતે એક-બે ડગલાં નહીં, પણ અનેક ડગલાં આગળ હોય એવા ભાવ સાથે ઊંચા શ્વાસે લાંબી ફાળ ભરતો હોય છે. પોતાના વિજયને બદલે જીવનના મેદાનમાં પ્રતિસ્પર્ધીના પરાજયને માટે દિવસે મહેનત અને રાત્રે ઉજાગરા કરતો હોય છે.
આવી વ્યક્તિએ બીજાને જોતી હોય તે રીતે પોતાની જાતને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. ખેલાડીના બદલે એણે અમ્પાયર થવું જોઈએ અને પોતે જ પોતાના ખેલનો નિર્ણય આપવો જોઈએ. એ ખેલાડીમાંથી દર્શક કે નિર્ણાયક થશે એટલે સ્વયં એના જીવનમાં પરિવર્તન આવશે.
14 ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
145