________________
- ૭૪.
અઘરી વાણી એ પંડિતાઈનું મિથ્યા પ્રદર્શન છે વિભૂતિઓ અને સંતોની વાણી કેટલી સરળ અને સાહજિક હોય છે! રામની કથા હોય, મહાવીરની વાણી હોય કે બુદ્ધનું પ્રવચન યા ઈશુ ખ્રિસ્તનો ઉપદેશ હોય, એને સમજવા માટે કોઈ વિદ્વત્તાની જરૂર પડતી નથી. નરસિંહની કવિતા, મીરાંની ભાવના, તુલસીદાસનું ‘રામચરિતમાનસ' કે આનંદથનનાં પદ વાંચો અને હૈયાં સોંસરાં ઊતરી જાય. એના શબ્દોમાં પરમ તત્ત્વજ્ઞાન હોય છે, પરંતુ એ તત્ત્વજ્ઞાન વ્યક્તિને સરળતાથી સમજાય તેવું હૃદયસ્પર્શી રીતે વ્યક્ત થયું હોય છે. એની આસપાસ કોઈ આવરણ હોતું નથી કે જે આવરણને ભેદવા માટે પંડિતાઈની જરૂર પડે, પણ ક્યાંક પાંડિત્ય-પ્રદર્શન માટે આવી સરળતાને બદલે આડંબરને અપનાવીને ડોળભર્યું આલેખન કરવામાં આવે છે.
એ પંડિત એવી વાણી બોલશે કે જે શ્રોતાઓ સમજી શકે નહીં. એને વધુ ને વધુ કઠિન બનાવવા માટે એ અજાણ્યા અને અઘરા શબ્દો પસંદ કરશે.
ક્યારેક તો પારિભાષિક શબ્દોની ભરમાર આપીને શ્રોતા કે વાચકને માટે એ વધુ કપરું બનાવશે. આથી પણ આગળ વધીને એ એવી તર્કજાળ રચશે કે સામેની વ્યક્તિ એમાં ગૂંચવાઈ જાય. એ પોતાની વાતને વધુ ને વધુ અઘરી બનાવીને રજૂ કરવાનો પ્રયાસ કરે છે, કારણ કે એ જેટલી અઘરી વાણી બોલે, આડંબરયુક્ત શબ્દ પ્રયોજે , પરિભાષાનો વરસાદ વરસાવે, એટલો મોટો પંડિત ગણાય છે. પણ આવી પંડિતાઈ એ પંડિતને કે એના શ્રોતાઓને ક્યારેય લાભદાયી કે ફળદાયી બનતી નથી.
અંતરની ગહન અનુભૂતિ અને માનવજીવનના મર્મોને પારખતી દૃષ્ટિને કારણે વિભૂતિઓની વાણીમાં શબ્દોનું સૌંદર્ય હોય છે, પણ ભાષાનો ભભકભર્યો શણગાર હોતો નથી. સરળતાના સૌંદર્યનો અનુભવ કરવો હોય તો તે સંતોની વાણીમાં મળી શકે, જે જીવનના ધરાતલમાંથી પ્રગટી છે અને માનવીના હૃદયના ધરાતલને સ્પર્શે છે.
૭૫ માનવીનાં બહાનાંમાં સર્વત્ર ઈશ્વરનો વાસ છે “ખુદાની મરજી’ને નામે આપણે આપણી કેટલીય અરજીઓ પસાર કરી છે. માણસને આ તરીકો બહુ પસંદ પડ્યો છે કે પોતે કશુંક ખોટું કરે અને ફળ ભોગવવાનું આવે ત્યારે એની સઘળી જવાબદારીનો અને દોષનો ટોપલો પ્રભુને માથે ઓઢાડી દે ! કાર્યકારણ જોવાને બદલે માત્ર ફલશ્રુતિને જોતો માનવી એમાં ઈશ્વરીસંકેત જુએ છે. શરાબી એમ કહેશે કે મારી તો શરાબ પીવાની લગીરે ઇચ્છા નહોતી, પરંતુ ઈશ્વરની ઇચ્છા આગળ હું લાચાર છું. કોઈ એમ પણ કહેશે કે ઈશ્વરે મને આટલાં બધાં દુઃખો એ માટે આપ્યો કે જેથી વ્યસનમાં મારાં એ દુ:ખોને ડુબાડી દઈ શકું. ઈશ્વરને નામે માનવી અનેક પ્રપંચ ખેલે છે અને એ પ્રપંચોમાં સફળ થાય તો એનો એ સ્વયં યશ લે છે, પણ એમાં નિષ્ફળ જાય તો એનો અપયશ ઈશ્વરને આપે છે.
ઈશ્વરે માણસને સર્યો એમ કહેવાય છે, પણ હકીકતમાં તો માણસે પોતાની નિષ્ક્રિયતા, દંભ, નબળાઈ અને નિષ્ફળતાને છાવરવા માટે ઈશ્વરને સર્યો છે. પ્રમાદને કારણે નોકરી જાય તો એમાં ઈશ્વરનો સંકેત, ઘણી સંતતિ થાય તો એમાં ઈશ્વરની મરજી, ડાયાબિટીસથી મૃત્યુ થાય તો એમાં ઈશ્વરની ઇચ્છા. ઈશ્વર સર્વત્ર વ્યાપ્ત હોય કે ન હોય, પરંતુ માનવીઓનાં બહાનાંમાં તો એ વ્યાપ્ત છે જ.
એ વારંવાર ઈશ્વરને હડફેટે ચડાવે છે. માથે આવેલાં દુઃખો કે આપત્તિને પોતાનાં કર્મોના ફળ સમજવાને બદલે એ એમાં ઈશ્વરનું કાવતરું જુએ છે. ગમતું બને તેનું કારણ પોતે, અણગમતું જે કંઈ થાય તે બધું ઈશ્વરને કારણે. ઈશ્વર આ માનવીની બહાનાબાજી જોઈને કાં તો ખડખડાટ હસતો હશે અથવા તો એનાથી કંટાળીને થાકીને લોથપોથ થઈ ગયો હશે !
76
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ
77