________________
૭૨
ત્યાગનો રાગ ત્યજવો મુશ્કેલ છે !
માનવીમાં અહંકાર એટલી બધી સૂક્ષ્મતાથી પ્રવર્તતો હોય છે કે એને સ્વયં એનો ખ્યાલ હોતો નથી. કોઈ માણસને તમે કૉફી આપો એટલે કહેશે કે મને માફ કરજો, હું કૉફી ક્યારેય પીતો નથી, ચાનું પૂછો તો જવાબ પરખાવશે કે ચા તો જિંદગીમાં કદી ચાખી નથી. લીંબુના શરબતની વાત કરશો તો કહેશે કે એ મને ભાવતું નથી. કોઈ પીણાનું પૂછશો તો કહેશે કે એવાં પીણાંને હું હાથ પણ અડાડતો નથી, ત્યાં હોઠે અડાડવાનું તો ક્યાં ? તમે એને પૂછતા રહેશો અને એ સતત ઇન્કાર કરતો રહેશે, પરંતુ એ માણસ પોતે શું લેશે એ પહેલાં કહેશે નહીં, કારણ કે એણે પોતાની જાતનો મહિમા કરવા માટે ‘નથી લેતો'નું શરણું લીધું છે.
એનો પ્રયાસ પોતાને સંયમી દર્શાવવાનો હોય છે, પરંતુ એનો એ સંયમ અહંકારમાં પરિવર્તિત થઈ ગયો હોય છે. આવા ઇન્કાર દ્વારા એ પોતાના અહંકાર પર સંયમનું આવરણ ઓઢાડે છે. પોતાની જાતને અત્યંત ગુણવાન પુરવાર કરવા માટે એ સતત હવાતિયાં મારતો હોય છે. એનું જીવન અપારદર્શક રાખીને પોતાના અહંકારને આગળ ધરતો હોય છે.
એ પોતાની આવશ્યકતા સીધેસીધી જણાવવાને બદલે સામી વ્યક્તિના પ્રશ્નની રાહ જુએ છે. ક્યારેક તો ભોજન પીરસાઈ રહ્યું હોય, ત્યારે ‘આ ખાતો નથી’ અને ‘આ લેતો નથી'નું રટણ શરૂ કરે છે. સીધેસીધી વાત કરે, તો અન્ય વ્યક્તિનો શ્રમ ઓછો થાય, પરંતુ પોતાના અવળીમતિયુક્ત અહંકારને કારણે એ સીધી લીટીમાં ચાલી શકતો નથી. પોતાને અમુક વાનગીની બાધા છે એ કહેતો નથી પણ જ્યારે એ વાનગી એને પીરસવામાં આવે ત્યારે એના ઇન્કારની અહંકારભરી ગર્જના કરે છે. ઘણી વાર સાધક કે ત્યાગી આવા અહંકારમાં કેદ થઈ જાય છે અને પછી પોતાના ત્યાગને દર્શાવવાનો રાગ એને વળગી પડે છે.
74
ક્ષણનો ઉત્સવ
૭૩ ―――――――――――
તમારી આંખનાં આંસુ એની આંખમાં લે છે ?
વેદનાની વાત એવી વ્યક્તિઓને કરવી કે જેમની ભીતરમાં સંવેદના હોય. દુઃખની વાત એને કરવી કે જેણે દુઃખના ઘા ખમ્યા હોય. જીવનની વ્યથા, પીડા કે વેદનાની વાત કરતી વખતે તમારે એના કાનનો પહેલાં વિચાર કરવો.
જે કાન શ્રવણ કરવાના છે, એ કઈ રીતે ગ્રહણ કરશે ? વ્યક્તિઓ ત્રણ પ્રકારની હોય છે. કેટલીક વ્યક્તિઓ અન્યનાં દુ:ખ અને દર્દ સાંભળીને પોતાનાં દુઃખ-દર્દની વેદના જગાવે છે. બીજાનો પ્રણયભંગ એમના દિલમાં પોતાના પ્રણયભંગની સ્મૃતિની વેદના જગાવે છે. અન્યની ગરીબ અવસ્થા એ એમની પૂર્વેની દરિદ્ર વિચારમાં ડૂબી જાય છે.
આવી વ્યક્તિઓને બીજાના દુ:ખ સાથે અનુસંધાન હોતું નથી, પણ પોતાના જાત સાથે ગાઢ આસક્તિ હોય છે. બીજા પ્રકારની વ્યક્તિ અન્યનાં દુઃખ અને દર્દ સાંભળીને એમને શાબ્દિક સહાનુભૂતિ આપશે. ગળગળા અવાજે એની વાતનો સ્વીકાર કરશે અને અવસર મળે આંખમાં આંસુ પણ લાવશે, પરંતુ એમની સહાનુભૂતિ એ આ ક્ષણ પૂરતી હોય છે, પછીની ક્ષણે એણે કહેલા સાંત્વનાના સઘળા શબ્દો એના અંતરમાંથી લુપ્ત થઈ જાય છે. આ બંને પ્રકારના માણસો સમક્ષ પોતાનાં દુઃખ-દર્દ પ્રગટ કરવાં નહીં, જે તમારા સ્વજન હોય એમ ઊંડા ભાવથી તમારાં દુઃખ પૂછશે અને પછી તમારાં દુઃખોનું દુનિયા સમક્ષ હસતાં હસતાં વર્ણન કરશે. ટૂંજેડીમાંથી કૉમેડીનાં અંશો તારવશે.
એમને મન બીજાનું દુઃખ એ એમની ખુશીનું કારણ હોય છે. એમને બીજાનાં હૃદયના ઘા રૂઝવવામાં રસ નથી. તક મળે તો એના પર મીઠું ભભરાવવાનું ચૂકતા નથી. પોતાના જીવનની વ્યથા, વેદના, દુ:ખ કે પીડા એવી વ્યક્તિઓ સમક્ષ પ્રગટ કરવી કે જેની પાસે તમારી આંખનાં આંસુ એની આંખમાં લઈ શકે તેવું સંવેદનાપૂર્ણ હૃદય હોય અને સક્રિય સહાયની તત્પરતા હોય.
ક્ષણનો ઉત્સવ
75