________________
૪૬
માનવીને બદલે ટોળું મળે છે !
રાતોરાત ધનિક થવાનું સ્વપ્ન, ‘સેલમાં સૌથી વધુ સસ્તુ મેળવવાની દોડ, બીજાના કરતાં ચડિયાતા થવાની વૃત્તિ અને અનુકૂળતા શોધવાના વલણમાં માનવી ધીરેધીરે સપડાતો જાય છે. કોઈ ચેપી રોગની માફક સમાજમાં આ રોગચાળો ફેલાઈ રહ્યો છે અને જ્યારે ટૅકનોલોજી પર આધાર રાખીને માણસ બધું જ કરવા બેઠો છે, ત્યારે તે ધીરેધીરે તે યંત્રરૂપે રૂપાંતર પામી રહ્યો છે.
આ સ્થિતિ એટલી હદે આવી છે કે ગૅસના વિશ્વવિજેતા માનવીને કમ્યુટર પરાસ્ત કરે છે અને માણસ અને મશીનની આ દોડમાં મશીન માનવીને મહાત કરે છે. જીવનમાં ગુણવત્તા કરતાં જથ્થાનો મહિમા વધ્યો છે. રોજ એક પોશાક પહેરનારો માનવી જથ્થાબંધ પોશાક એકઠા કરવા માંડ્યો છે. એક વર્ષ નહીં, પણ આખી જિંદગી પૂરી થાય એટલાં વસ્ત્રો અને પગરખાં ભેગાં કરે છે.
આ પરિસ્થિતિએ માનવીના જીવનમાંથી જુસ્સાને ઓગાળી નાખ્યો છે. એના જીવનનું, વ્યવહારનું અને વાતચતનું કેન્દ્રબિંદુ માત્ર અર્થોપાર્જન બની રહ્યું છે. બાહ્ય સમૃદ્ધિ એ એક જ સફળતાનો માપદંડ બનતાં આંતરિક દરિદ્રતા આવી જાય છે. આવી પરિગ્રહની ઘેલછાએ વસ્તુઓની ઘેલછાવાળા લોકોનું ટોળું ખડું કર્યું છે. આજે માનવીઓનું ટોળું મળશે, પણ આગવું વ્યક્તિત્વ ધરાવતા માનવીને શોધવા જવા પડશે. પોતાનાં વિશિષ્ટ મૂલ્યો કે દઢ સિદ્ધાંતથી જીવતા માનવીઓની જમાત હવે ઓછી થતી જાય છે.
સમાધાન કરનારાઓ અને માંડવાળ કરનારાઓ ચોરેચૌટે મળે છે. એમને ચીલાચાલુ જીવનમાં જ રસ છે. કોઈ નવો ચીલો ચાતરવાનું વિચારતા નથી. આજે સહુ કોઈ જીવે છે ખરા, પણ જીવવા માટેનો જુસ્સો, ધખારો કે હેતુ એમની પાસે જોવા મળતો નથી.
૪૭ સંપૂર્ણતાની ઇચ્છા સાથે અપૂર્ણતાને આવકારીએ
સામાન્ય રીતે આપણે આપણી ઇચ્છાઓ પ્રમાણે આપણી આસપાસનું જીવન ગોઠવાય તેવો આગ્રહ રાખીએ છીએ. આ આગ્રહ મોટા ભાગે હઠાગ્રહમાં પરિણમે છે. પત્નીએ આમ જ બોલવું જોઈએ, પુત્રે આમ જ વર્તવું જોઈએ અને કુટુંબીજનોએ આમ જ કરવું જોઈએ એમ માનીએ છીએ. એ જ રીતે આપણા વ્યવસાયમાં પણ આપણે સતત દૃઢાગ્રહ સેવીએ છીએ કે આ કામ તો આ જ રીતે થવું જોઈએ અથવા તો આ કામ આટલા સમયમાં પૂરું થવું જ જોઈએ.
માનવી આસપાસની પરિસ્થિતિને પણ પોતાની ઇચ્છાનુકૂળ કરવા માગે છે. એ નસીબને પણ કહે છે કે તારે મને આટલું આપવું જોઈએ. આમ બધી બાબતમાં એ અન્યને અનુકૂળતા સાધવાનું કહે છે. પોતાનાં બધાં જ વલણો અને અભિપ્રાયોને મનસ્વી રીતે ગોઠવે છે અને આસપાસની દુનિયા એ પ્રમાણે જ વર્તે તેવી કઠપૂતળીનો ખેલ કરનાર સૂત્રધાર જેવી ભાવના રાખે છે, પરંતુ આ સમગ્ર સ્થિતિને જુદી દૃષ્ટિએ જોવાની જરૂર છે. સંપૂર્ણતાના આગ્રહની સાથે અપૂર્ણતાને સ્વીકારતાં શીખવું જોઈએ. પોતાની લાકડીથી જગતને હાંકવા જનારની અંતે લાઠી પણ છીનવાઈ જાય છે.
એકાદ દિવસ વ્યક્તિ પોતે જે પરિસ્થિતિ છે તેને અનુકૂળ થવા કોશિશ કરે તો એને એક જુદો જ અનુભવ થશે. મારી ધારણા પ્રમાણે નહીં, પરંતુ આસપાસની વાસ્તવિકતા અને હકીકતનો સ્વીકાર કરીને એ જો જીવવાનો વિચાર કરે તો એને જુદી જ અનુભૂતિ થશે. જે છે તેની સાથે અનુકૂળતા સાધવાથી એક પ્રકારનો સ્વીકારભાવ કેળવાશે અને એથી સતત અસ્વીકારભાવને કારણે થતી પીડામાંથી મુક્તિ મળશે. ક્યારેક એવી પણ અજમાયશ કરીએ કે કુટુંબ કે વ્યવસાયની જે પરિસ્થિતિ છે, તે સ્વીકારીને એમાંથી શાંત આનંદ પામીએ. અસ્વીકારની સતત ચાલતી આંતરવેદનામાંથી મુક્ત થઈએ.
48
ક્ષણનો ઉત્સવ
ક્ષણનો ઉત્સવ.