________________
સર્જનનું આ ઑપરેશન સફળ રહ્યું અને એ દિવસ પછી એમણે આજ સુધી પાછા વળીને જોયું નથી. વળી પેરાલિસિસની સ્થિતિને લાભદાયી માનીને રમેલ કહે છે કે હવે હું સાવ બદલાઈ ગયો છું. દર્દીને વધારે સારી રીતે સાંભળું છું અને એમના પ્રત્યે વિશેષ સહાનુભૂતિ દાખવી શકું છું. એમની પરિસ્થિતિને આત્મસાત્ કરી શકું છું અને એવી પરિસ્થિતિનો એમની જિંદગી પર કેવો પ્રભાવ પડ્યો હશે, તેની પણ વધુ સારી કલ્પના કરી શકું છું.
ડૉક્ટર ખુદ સેન્ટ લૂઇસ પુનર્વસન કેન્દ્રમાં રહ્યા હતા. અહીં પક્ષાઘાતથી પીડાતા અનેક લોકોને જીવનનો પડકાર ઝીલીને જીવતા, ઝઝૂમતા અને કદી હાર ન માનતા જોયા હતા, તેથી આજે એમના મનમાં આશા છે કે તે આવો પડકાર ઝીલતા લોકોને હું મદદ કરી શકીશ. દર્દીની ખૂબ કાળજી લેનારા સર્જન તરીકે રમેલને ઓળખતી એમની પેશન્ટ લિઝા કહે છે,
‘એમની પાસે મેં ડાબા કાંડાની સર્જરી કરાવી અને એના પરિણામથી હું એટલી બધી ખુશ હતી કે હું મારા જમણા કાંડાની સર્જરી કરાવવા એમની પાસે પાછી આવી, વ્હીલચેર પર રહીને ઑપરેશન કરવામાં એમને કોઈ મર્યાદા નડતી નહોતી. મારા ખ્યાલ પ્રમાણે સર્જન ઑપરેશન કરતી વખતે તેમના હાથ, જ્ઞાન અને સૂઝનો ઉપયોગ કરે છે, નહીં કે પગનો.’
આજે ડૉ. રમેલ અગાઉની જેમ જ ઑપરેશન થિયેટરમાં બધું કામ કરે છે. રોજિંદી કસરત વડે પોતાની શારીરિક તાકાત જાળવી રાખે છે, તો પત્ની કૅથરીનના પ્રોત્સાહન અને સમર્પિત કુટુંબીજનોને કારણે એમના મનોબળને ઊની આંચ આવતી નથી.
હૉસ્પિટલમાં કુશળ સર્જન તરીકે ફરી રમેલની ખ્યાતિ ફેલાવા લાગી. કોણી, કાંડું, પગ અને ઢાંકણીનાં હાડકાંની હીલચૅરમાં બેઠા બેઠા સર્જરી કરી શકતા હતા, પણ મનમાં સતત એક વસવસો હતો. એમની સૌથી પ્રિય સર્જરી તો ખભાના સાંધાના હાડકાંની હતી. મનમાં એવું સ્વપ્ન હતું કે ફરી પોતાની એ કુશળતાથી દર્દીઓનું કષ્ટનિવારણ કરી શકશે ? બધું શક્ય બન્યું, પણ ખભાની સર્જરી શક્ય ન બની. આનું કારણ એટલું જ ખભાની સર્જરી માટે ઊભા રહીને ઑપરેશન કરવું પડે. વ્હીલચેર પરથી તેઓ દર્દીના ખભાના સાંધા સુધી પહોંચી શકે તેમ નહોતું. જે વ્હીલચૅરની સહાયથી હરતા ફરતા
78 * જીવી જાણનારા