________________
કેતન મહેતાના દિગ્દર્શન હેઠળ ‘માંઝી ધ માઉન્ટેન મૅન' નામે ફિલ્મ બનાવી. ‘સત્યમેવ જયતે'નો એક શો આ માનવીને અર્પણ કરવામાં આવ્યો.
દશરથ માંઝી માનવીની અમાપ શક્તિનું પ્રતીક બની રહ્યો. અનુસૂચિત જાતિનો આ માનવી અનેક અવરોધો પાર કરીને એક આદર્શ માનવી બન્યો. બિહાર રાજ્યે એની અંતિમ વિધિ રાજ્ય તરફથી કરવાની જાહેરાત કરી. બહુ વિરલ વ્યક્તિઓને આવું સન્માન આપવામાં આવે છે. માંઝીના દેહને તિરંગામાં વીંટાળવામાં આવ્યો અને એની અંતિમ ક્રિયા થઈ. દશરથ માંઝીએ સાબિત કરી આપ્યું કે માણસ ધારે તો પર્વતને પણ ખસેડી શકે છે. ઈસુ ખ્રિસ્તના એ વિધાનને જાણે સાકાર કરી આપ્યું.
જરા એક ક્ષણ થોભીને આપણે દશરથ માંઝીને સ્થાને આપણી જાતની કલ્પના કરીએ તો સામે દેખાતા ઊંચા પહાડ તરફ હથોડા અને છીણી લઈને જઈએ તો એક દિવસમાં કેટલા ખડક તોડી શકીએ. દશરથ માંઝીએ રોજેરોજ આવું કર્યું. દિવસોના દિવસો વીત્યા, અઠવાડિયાંઓ પસાર થયાં, વર્ષો વહી ગયાં અને બાવીસ વર્ષ સુધી સામેના પર્વતના અવરોધને હટાવવા માટે એ સતત ઝઝૂમતો રહ્યો. સરકારે એને કરજણી ગામમાં પાંચ એકર જમીન આપી. જાહેરાત તો ઘણી મોટી થઈ, પણ એ હકીકત બની નહીં. એ જમીન પર એ કબજો મેળવી શક્યો નહીં. ચોતરફ આ ‘માઉન્ટેન મૅન’ની પ્રશંસા થતી હતી, ત્યારે એણે તો એટલું જ કહ્યું, ‘મેં તો ક્યારેય વિચાર્યું ન હતું કે હું જે કામ કરું છું તેને માટે સમાજે મારું સન્માન કરવું જોઈએ. મારા જીવનનો એકમાત્ર ઉદ્દેશ છે કે ‘સામાન્ય માનવીને તે સુવિધા મળે જેના માટે તે હકદાર છે.'
20 * જીવી જાણનારા