________________
મુનિજીના હૃદયકમળમાં એ પ્રસન્ન છબી વસી ગઈ.
એ દિવસે રૂપપૂજા પતાવીને મુનિજી અને ફાલ્ગુની પાછાં ફર્યાં ત્યારે લોકોએ ધન્યોદ્ગારથી અને પુષ્પ-અક્ષતથી તેઓને વધાવ્યાં. દરેક સેવકના મનમાં આ પ્રસંગનું દશ્ય વસી ગયું. અને એકાદ આવી સેવિકા પડખે આવીને ઊભી રહે તો કોઈ પણ પુરુષ સેવાના ક્ષેત્રમાં પોતાનું જીવન અર્પવા તૈયાર થઈ જાય. પણ બધે ફાલ્ગુની મળવી સહજ નહોતી. આખી વૈશાલીમાં એ વિરલ હતી.
આશ્રમ એ દિવસે ધન્ય થઈ ગયો, ને આશ્રમમાં ફાલ્ગુનીનું સ્થાન મુનિજી જેટલું જ સ્થપાઈ ગયું. જતે દિવસે તો એવું થયું કે મુનિજી કરતાં ફાલ્ગુનીના દર્શન અને સ્પર્શનની ભીડ વધી ગઈ - જાણે ગિરધરલાલ ભુલાઈ ગયા ને રાધિકાના ભાવ વધી ગયા !
વૈશાલીની કુમારિકાઓ ટોળે વળીને ફાલ્ગુનીને મળવા આવવા લાગી. પુરવધૂઓ તો ઘરનાં કામ રેઢાં મૂકીને પણ ત્યાં હાજર થતી. જુવાનો પણ કંઈ પાછા પડે તેમ નહોતા. તેઓની મુલાકાતો તો સુકાતી જ નહિ !
પૂનમની ઉદારતા જોઈ સહુ એને અનુસરવા પ્રયત્ન કરતા અને સ્પષ્ટ અભિપ્રાય પ્રગટ કરતા કે હવે સ્ત્રીઓને જોવાની દૃષ્ટિમાં ફેર કરવો પડશે. મંછા ડાકણ ને શંકા ભૂત જેવું હવે નહિ ચાલે. એ દિવસો અપૂર્વ હતા, ભારે કાન્તિકર હતા. વૈશાલીની કીર્તિની પતાકા ઉપર આ મહાનુભાવોએ ચાર ચાંદ લગાવ્યા હતા.
તપોમૂર્તિ મુનિજી ! સેવામૂર્તિ ફાલ્ગુની ! ઉદારચિત્ત પૂનમ !
એ સૌ એકમેકમાં એટલાં ઓતપ્રોત થઈ ગયાં કે એમને જુદાં ઓળખવાં અશક્ય થઈ ગયાં.
એ ત્રિવેણીસંગમને સૌ અભિવંદી રહ્યાં.
174 ] શત્રુ કે અજાતશત્રુ
25
યોગીનો યોગ
એક રાતે આ તપોમૂર્તિ મુનિજીએ સેવામૂર્તિ ફાલ્ગુનીને એકાએક સાદ દીધો. સમાન્ય નિયમ મુજબ આખો દિવસ મુનિજી અને ફાલ્ગુની એકત્ર રહેતાં, પણ રાતે જુદા આવાસોમાં ચાલ્યાં જતાં. પણ આજે મધરાતે એકાએકા ફાલ્ગુનીને તેડું આવ્યું. ફાલ્ગુની વિના વિલંબે ત્યાં પહોંચી ગઈ. આકાશમાં વાદળો હતાં, ને ક્યાંક વરસાદ થયો હોય એવો શીતલ વાયુ વાતો હતો.
મુનિજી ધ્રૂજી રહ્યા હતા. ટાઢ ખૂબ ઊપડી હતી ને કેટલીય શાલો ઓઢવા છતાં એ ધ્રુજારી શમતી ન હતી.
‘ફાલ્ગુની !' મુનિજીએ બૂમ પાડી.
‘શું છે ?’ ફાલ્ગુનીએ દોડીને મુનિજીના હૈયા પર હાથ મૂક્યો.
ખૂબ ટાઢ ચઢી છે. આ તો યોગીને ચઢેલી ટાઢ છે !'
‘જાણું છું. એનો ઉપાય ?'
‘યોગી સાથે યોગ-શય્યા !' મુનિજીએ નિર્લજ્જ રીતે જવાબ વાળ્યો.
‘આ શું કહો છો તમે ?’
‘સુંદરી ! ઊર્ધ્વરેતસ યોગીને તું હજી ઓળખતી નથી. એને મન કામિની શું
કે કાષ્ઠ શું, બંને સમાન છે. ઓહ ! ટાઢ ખૂબ વ્યાપી ગઈ છે ! એને દૂર કરવાનો ઉપાય તારા હાથમાં છે. યોગીને બચાવી લે. નહિ તો દેશને મોટી ખોટ પડશે. એ ચાલ્યો...' મુનિજી જાણે ટાઢથી ધ્રૂજતાં છેલ્લાં ડચકાં ભરી રહ્યા હોય તેમ બોલ્યા.
ફાલ્ગુની બે ઘડી કર્તવ્યવિમૂઢ થઈ ગઈ. એ વિચારી રહી. શું યોગીના યોગની કે એના જળકમળવત્ જીવનની આ કસોટી હશે ?
વર્ષાનાં વાદળ આખરે વરસી ગયાં. ઊર્ધ્વરેતસવાળા યોગીની યોગશક્તિનો