________________
ગુરુ પૂરા વેગમાં હતા. શિષ્યને એ અંતર્મુખ બનાવવા ચાહતા હતા. શિષ્ય ભદ્ર પણ એવી જ ભાવના ભાવી રહ્યો : અરે, મારે કુંડલિની શક્તિ જગાવવી છે. મારા વીર્યનો આહાર કરાવી એને સતેજ કરવી છે, અને પછી સંસારમાં અવિજેય બનીને લોકકલ્યાણ માટે ઘુમવું છે. મને આત્મકલ્યાણ જેટલું જ લોકકલ્યાણ વહાલું છે.
પણ ગુરુદેવ જરા અવ્યવહારુ હતા. તેઓ શિષ્યને હિતકારક છતાં અપ્રિય વચનો કહેતાં ન અચકાતા. એ માનતા કે મીઠું સત્ય સંસારીઓને મુબારક. અમે તો અપ્રિય છતાં નગ્ન સત્યના હિમાયતી ! તેઓએ કહ્યું, ‘બેટા! લોકકલ્યાણ માટે યત્નની જરૂર નથી. આત્મકલ્યાણ કર લે. પછી તારા મૌન પાસે વાણી પણ પાણી ભરશે.'
શિષ્યને આ વાત ન રુચી, પણ એને સંસારવિજયી બનવું હતું. એ ફરી સાધનામાં બસી ગયો. દિવસો વીતતા ચાલ્યા. દીવો થાય અને પથારીમાં રહેલાં માંકડ અલોપ થઈ જાય. દીવો બુઝાઈ જાય અને જેમ ફરી પાછા એ ચટકા દેવા લાગે, એમ મુનિ ભદ્રનું થયું. ગુરુની સમીપતા એને શાંત રાખતી, પણ શક્તિ જેમ જેમ વધવા લાગી, એમ એમ એને સંઘરવી મુશ્કેલ પડવા લાગી, ચટકા દેવા લાગી. એક દહાડો એણે ગુરુને કહ્યું, ‘મારો ધર્મ મને કહે છે કે પહેલાં પારકાનું ભલું કરવું. પછી પોતાનું ભલું કરવું; અથવા પારકાના ભલામાં પોતાનું ભલું પણ આવી જાય છે.
‘ના રે વત્સ !' ગુરુ બોલ્યા, ‘પહેલાં પોતાનું ભલું, પછી બીજાનું. ભુખ્યો સદાવ્રતમાં શું આપે ?'
‘તમારી ભાવના સ્વાર્થી છે. અને હું સમષ્ટિનો હિમાયતી છું, વ્યક્તિનો નહિ, હું તો લોકકલ્યાણની ઝંખના કરું છું. અને એ માર્ગે જ આગળ વધવા ચાહું છું. લોકકલ્યાણ કરતાં કરતાં આત્મકલ્યાણ સ્વયં સાધ્ય થઈ જશે. અને નહિ થાય તોય હૈયે એટલો સંતોષ હશે કે હું સ્વાર્થી તો નથી જ.'
‘પણ વત્સ ! તું ભૂલે છે. કાચો ઘડો ક્યાં સુધી જળને સંઘરી શકશે ? પહેલાં પાકો ઘડો થા.'
ગુરુનાં આ વચનોએ શીષ્યનો ક્રોધ વધારી દીધો : ‘ગુરુદેવ, તમે ભારે હોશિયાર છો. તમારાથી તમારા શિષ્યની કીર્તિ સવાઈ થાય, એ તમે ઇચ્છતા નથી.’ અને શિષ્યની આંખો લાલ હીંગળા જેવી થઈ ગઈ. એક પર્વતની તળેટીમાં બંને બેઠા હતા. શિષ્યે પોતાની ક્રોધભરી દૃષ્ટિ પહાડ પર ફેંકી. હજારો મણની એક ભયંકર શિલા ઊંચે અધ્ધર તોળાઈ રહી અને ભયંકર કડાકા સાથે ત્યાંથી છૂટી પડી ગઈ. 152 ] શત્રુ કે અજાતશત્રુ
ઓહ ! શિષ્યની નેત્રશક્તિએ પહાડનું કઠણ કાળજું પણ કોરી નાખ્યું. ગુરુદેવ શિષ્યની શક્તિને જાણે મનોમન અભિનંદી રહ્યા. શાબાશ રે વત્સ !
શિષ્ય જીવ બતાવવા દોડીને દૂર જઈને ઊભો રહ્યો, પણ ગુરુ તો ત્યાં ને ત્યાં જ બેસી રહ્યા.
શિલા ભયંકર વેગ સાથે પહાડમાંથી છૂટી પડીને આવી રહી હતી, પણ ગુરુ તો સાવ શાંત અને સ્વસ્થ બેઠા હતા. કાયાની માયા એમણે ક્યારની તજી દીધી હતી. એમને મન દેહ તો સાધન માત્ર હતું. દેહને છોડવા એ એમને માટે જૂનાં વસ્ત્રો છોડવા જેટલું સહેલું કામ હતું.
ભયંકર વેગથી શિલા ગુરુ પર ત્રાટકી. ચેલો તો મૂઠીઓ વાળીને નાઠો-ગુરુની છેલ્લી મૃત્યુચીસો સાંભળીને કદાચ પોતાનું હૈયું થરથરી જાય !
ભદ્ર તો ત્યાંથી એવો ભાગ્યો કે પાછું વાળીને જોવા પણ ન શોભ્યો; દોડતો આવ્યો ગંડકીને તીરે !
ગંડકીને સામે કાંઠે મહાનગરી વૈશાલી વસેલી હતી. મુનિ ભદ્ર આ કાંઠે પોતાને હાથે જ પોતા કાજે પર્ણકુટી બાંધીને રહ્યો. આજ સુધી બીજાએ બંધેલી કુટીઓમાં એ રહ્યો હતો પણ હવે એ સ્વાશ્રયી બન્યો હતો.
ત્યાં એણે રોજ સવાર-સાંજ ઘટાદાર વૃક્ષોની નીચે ઉચ્ચ સ્વરે પ્રાર્થના કરવી શરૂ કરી. અત્યાર સુધી પ્રાર્થના સમયે કાં તો ઓષ્ઠ ફફડતા યા બહુ જ મંદ સ્વરે એ બોલાતી; લગભગ મૌન પ્રાર્થના જ સમજો. પણ મુનિ ભદ્રે હવે લોકકલ્યાણ કાજે પ્રાર્થનાના સ્વરો પ્રગટ કર્યા.
સરિતા ગાત, પંખી ગાતાં, કાંઠાની ખેડૂત કન્યાઓ ગાતી, આમ્રડાળે કોયલ ગાતી. એમાં આ પ્રાર્થનાગીતના સૂરો ભારે સંવાદી લાગ્યા. એનું બધે આકર્ષણ પ્રસરવા લાગ્યું. ધીરે ધીરે વધુ ને વધુ ભાવિકો ભેગા થવા લાગ્યા.
સવારે ભાત લઈને જતી ભતવારણો હવે ત્યાં ઘડી અધઘડી થોભવા લાગી. હળ જોડીને ખેતરે જતા ખેડૂતો એ પ્રાર્થનામાં ભાગ લેવા રોકાવા લાગ્યા, નાવિકો પોતાની નૌકા છોડીને પણ એ સમયે અચૂક ત્યાં હજર થતા. જે દિવસે તેઓ પ્રાર્થનામાં ભાગ લેતા. એ દિવસ એમનો સારો જતો. આવો લાભ મળવાથી તેઓ પોતાને ભાગ્યશાળી માનતા.
હવે તો વહેલી સવારે હવાનો આસ્વાદ લેવા નીકળેલાં થોડાંઘણાં નગરજનો પણ અહીં આવવા લાગ્યાં. તેઓ સંસારના તાપથી શેકાતાં સ્ત્રી-પુરુષો હતાં. હજાર જંજાળો અને ઝઘડાથી તેઓ ત્રસ્ત હતા. બહારથી એ પરમ સુખી દેખાતાં, પણ અંદરથી મહાદુઃખી હતાં. કોઈનો પુત્ર અમર્યાદાવાન બન્યો હતો, કોઈનો પતિ નિર્દય
મહામુનિ વેલાકુલ D 153