________________
જિંદગી અને જુવાની સફળ થાય એવું કાર્ય કરવા ઇચ્છું છું' મગધપ્રિયાએ પોતાના સુંદર મુખને કમલની જેમ વિકસાવતાં કહ્યું.
‘મગધપ્રિયા ! તને જોઈને મેં હમણાં જ તારા માટે એક કાર્ય નિશ્ચિત કરી નાખ્યું છે. વૈશાલીના જાણીતા લોકસેવક મહાત્મા વેલાકુલને તારે વશ કરવાના છે. એ વશ થતાં અડધું વૈશાલી જિતાઈ જાય તેમ છે.’
‘મને માર્ગ બતાવો. મહામુનિ વેલાકુલ સ્ત્રીસંસર્ગમાં આવે છે ખરા ? સાંભળ્યું છે કે એ મુનિ છે. શ્રમણ છે.' મગધપ્રિયાએ કહ્યું. અને સરસંધાન માટે જેમ ધનુષ્ય મરડાય એમ એ અંગમરોડ રચી રહી. એની અંગશોભા અપૂર્વ બની રહી. એ રૂપ પાસે વિશ્વામિત્ર જેવા તપસ્વી પણ ફરી ચલાયમાન થઈ જાય તેમ હતું.
‘એ મુનિ મહાતાંત્રિક છે. એણે તંત્રવિદ્યાથી નદીના પ્રવાહને વાળી બતાવ્યો હતો. આ શક્તિથી એ મુનિની વાહ વાહ થઈ. અને એક દહાડો એના મનમાં લોકેષણા જાગી. ગુરુએ એ એષણાને ખરાબ કહી, તો એણે પોતાના ગુરુનો અને સમાજનો ત્યાગ કર્યો; એ ધર્મગુરુ મટી લોકગુરુ બન્યો. હવે એ લોકોના પ્રશ્નો ઉકેલવાના કામમાં પડ્યો છે. લોકોને એનામાં પરમ શ્રદ્ધા છે. એના આશ્રમમાં સારી યા નરસી બધી જાતની સ્ત્રીઓ રહે છે. અને એમના ઉદ્ધાર માટે લોકગુરુ બનેલા વેલાકુલ મુનિ સતત પ્રયત્ન કરે છે.'
‘તો હું અવશ્ય ત્યાં જઈશ, મહામુનિની સેવા કરીશ. એને વશ કરીશ અને મગધના લાભમાં એ વર્તે તેમ કરીશ.' મગધપ્રિયાએ આત્મવિશ્વાસપૂર્વક કહ્યું.
‘સેવાથી જ પારકો માણસ પોતાનો બને છે. મગધપ્રિયા ! હું જાણું છું કે તું પરમ સેવાભાવી છે, તો આવા મહાપુરુષોની સેવા કરતાં કોઈ પ્રકારનો સંકોચ ન કરીશ. એક વાર તારા પર એને દૃષ્ટિરાગ પેદા થઈ જાય, પછી તો પાસા પોબાર છે. સંસારમાં કામરાગ સારો; ભડકો થઈને ભૂંસાઈ જાય, પણ સ્નેહરાગ કે દૃષ્ટિરાગ ભૂંડો; એમાં સપડાયો એની મદારીના વાનર જેવી જ દશા થાય.'
‘આપ નિશ્ચિંત રહેશો. હું મારી માતૃભૂમિ માટે તન, મન અને ધન-ત્રણે અર્પણ કરીશ. આપ મારા યત્નને શુભેચ્છા પાઠવજો.’ અને મગધપ્રિયા રાજસભાની મધ્યમાં આવી. હવામાં જાણે રૂપભર્યું વાદળ તરતું આવ્યું.
મહારાજાએ ખુદ ઊભા થઈને મગપ્રિયાને પાનનું બીડું આપ્યું. આ માન અપૂર્વ લેખાતું ને ભલભલાને એની ઈર્ષ્યા થતી.
મગધપ્રિયાનું જોબન એની દેહ-પ્યાલીઓમાંથી છલકાઈ રહ્યું હતું. શ્રીમંતને જેમ પોતાની લક્ષ્મીનું અભિમાન હોય, એમ એને પોતાના રૂપનું અભિમાન હતું. પણ અત્યારે એની વિશિષ્ટતા એ હતી કે મગધપ્રિયા એ અભિમાનને કર્તવ્યની વેદી 146 ] શત્રુ કે અજાતશત્રુ
પર અર્પણ કરી દેવા તત્પર થઈ હતી. એની નજર સામે હવે કોઈ એક વ્યક્તિ રહી નહોતી, કોઈ એક પુરુષની તૃપ્તિ માટે - પછી એ ભલે રાજા અજાતશત્રુ હોય - આ રૂપાળાં લાલિત્યભર્યાં અંગો હવે અર્પણ થવાનાં નહોતાં. એ સેવા માટે તત્પર એવી સેવિકા બની હતી. જિંદગી અને જુવાનીને એણે પોતાની રીતે હોડમાં મૂકી હતી.
મગધની એક સેના પોતાના તીરકમાનથી દેશને જેટલો લાભ કરી શકે. એનાથી એના બે કટાક્ષ વધુ લાભ કરી શકે એમ એ માનતી. એના એક બાહુપાશમાં એના એક ભૂભંગમાં એના એક મધુર સ્મિતમાં ને અંગસ્પર્શમાં સેનાપતિનાં શસ્ત્રોની ને મુસદ્દીઓની કુનેહની શક્તિ હતી.
અને જે દુષ્કર કામ માટે એ પ્રયાણ કરવાની હતી, એ કામ માટે તો ખુદ સેના, સેનાપતિ કે મંત્રીઓ સુધ્ધાંને મહામંત્રીએ નકામા ઠેરવ્યા હતા.
મહામુનિ વેલાકુલનું હૃદય જીતવાનું હતું, અને એ જીત મગધપ્રિયાથી જ શક્ય બને તેમ હતી. હ્રદય કંઈ કમાન કે તીરથી નહિ, સેવાથી ને સ્નેહથી વીંધાય
છે.
મગધપ્રિયાએ પોતાની રૂપવલ્લરી જેવી દેહને એક અંગડાઈ આપી. મગધપ્રિયાને આ રાજસભાએ અનેકવાર નીરખી હતી, પણ અત્યારે જે રીતે નિહાળી એ રીતે એમણે કદી જોઈ નહોતી. અત્યારે જોનારને એમ જ લાગે કે આ રૂપ પાસે સૈન્ય, શસ્ત્ર અને બીજાં સાધનો નકામાં છે.
મગધપ્રિયાએ આટલી રૂપહવા પ્રસરાવ્યા પછી સભાને સંબોધીને કહ્યું, ‘સ્ત્રીનું રૂપ વિધાતાએ અજબ રીતે સર્જ્યું છે. એ રૂપને સંસારની મહાશક્તિને વ્યક્તિગત ભોગની વસ્તુ માની જગતમાં નારીશક્તિની અવહેલના કરી છે. સ્ત્રીનું રૂપ સંસારમાં બે રીતે કાર્યક્ષમ બને છે; એક સૈન્યોને અને યુદ્ધોને નિરર્થક બનાવવામાં અને બીજી રીતે પૃથ્વી પર વંશવેલ પ્રસરાવવામાં. મગધપ્રિયા આજે જાય છે મગધને વગર યુદ્ધે અથવા અલ્પયુદ્ધે વિજયી બનાવવા.'
મહારાજ અજાતશત્રુ સિંહાસન પરથી ઊભા થયા અને મગધપ્રિયાને સંબોધીને બોલ્યા,
‘હે સુંદરી ! વૈશાલીના મહામંદિરોને ખંડેર બનાવવા તારું પ્રયાણ છે. વૈશાલી ઊભું છે એના મહાન માનવો પર. એ મહાનને તું તારી કરામતથી અલ્પ બનાવી દે. લોકોની શ્રદ્ધાનાં મૂળને અને વિવેકની તાકાતને તારા રૂપમદિરાના પાનથી તું ચલાયમાન કરી નાખ. રાજતંત્રો રૂઢિવાદી હોય છે, ત્યાં નવી વાતનો પ્રચાર કરતાં સમય જોઈએ છે. પણ ગણતંત્રો મુક્ત મનનાં હોય છે. ત્યાં નવા મૂલ્યોંની સ્થાપના પ્રચારકની પ્રબલ શક્તિ પર અવલંબે છે. ગણતંત્રમાં પેલા બ્રાહ્મણની જેમ બકરાનું
મુસદ્દીઓની નજરે E 147