________________
‘પણ મહારાજ! મંત્રીશ્વર એમની પેલી યશ-યષ્ટિકા (યશ અપાવનારી લાકડી) તો સાથે લેતા ગયા છે ને ? એ છે ત્યાં સુધી ચિંતા કેવી ?’ મગધપ્રિયા બોલી.
‘જેષ્ઠિકા તો સાથે જ હોય ને !' મગધરાજે કહ્યું ને વાતને વાળતાં બોલ્યા, ‘વારુ મગધપ્રિયે ! શું રાજકારણીઓને હેલિકા-પ્રહેલિકા કે અંગરાગ શીખવવા અત્યારે આવી છે ?’
‘ના. હમણાં એ તરફ મારું મન નથી.’ મગધપ્રિયાએ કહ્યું. ‘તો, તારું મન ક્યાં છે ?'
‘મહારાજ ! વગર કારણે મંત્રણાગૃહમાં આ સમયે આવી તે કંઈ નિરર્થક નથી આવી. ગઈકાલે એક સ્ત્રી જોઈ. મેં એને યુવાનીમાં જોયેલી. અલબત્ત, મારી જેમ એ રાજગણિકા નહોતી, છતાં રાજા કે શ્રેષ્ઠીના પુત્રો સિવાય બીજાને એ ઊભા પણ રહેવા ન દેતી. શું એનું રૂપ હતું ! દીપમાં પતંગ પડે એમ માણસો દીવાના થઈને એની પાછળ જીવ કાઢી નાખતા. કાલે મેં એને જોઈ. સાવ કૂબડી, કમરથી વળી ગયેલી ! મોં પર તો જાણે મેશ ચોપડી ન હોય ! મેં પૂછ્યું’, ‘રે વલ્લભા ! આ કમરથી વળીને શું શોધો છો ?'
‘દીકરી ! જુવાનીને શોધું છું.' જુવાનીને શું કરવી છે ?'
જુવાની છે તો જિંદગી છે, બેટી ! આખી જિંદગી જાણે નર-વાનરોને રમાડવામાં કાઢી. સારું-નરસું આપણા જીવનમાં પણ છે, હોં ! પેલી અંબપાલીની વાત સાંભળીને ? ભગવાન બુદ્ધને એણે પોતાને ત્યાં જમાડ્યા ને લાખનો બાગ દાનમાં આપ્યો. રે માગધિકે ! આ દેહથી રાજસેવા, દેશસેવા કે ધર્મસેવા ન કરી તો જિંદગી ને જુવાની મળ્યાં ન મળ્યાં બરાબર છે ! આ ભિખ્ખુઓ કહે છે કે આ જન્મનાં કર્મ પ્રમાણે મર્યા પછીનો જન્મ મળે છે. રે મગધપ્રિયા ! બળ્યાં આપણાં કર્મ ને બળ્યો આપણો જન્મ !'
મગધરાજે વચ્ચે જ પ્રશ્ન કર્યો, ‘એટલે તું તારી જિંદગી અને જુવાનીનો ઉપયોગ કરવા ઇચ્છે છે ?'
‘હા. હું રાજસેવા કરવા ચાહું છું ને એ માટે જ અત્યારે આપને મળવા આવી છું. તન, ધન અને જોબન, એ તો ડુંગર પર વરસેલા પાણી જેવાં ઉતાવળે વહી જનારાં છે, એમ એક સાધુએ મને કહ્યું છે.'
‘સુંદરી ! રાજસેવામાં તારો ઉપયોગ મુત્સદ્દીઓ કરી શકે, મને તો સંગ્રામ ખેલતાં આવડે સંગ્રામમાં સુંદરીઓ નકામી ! અલબત્ત, ધર્મસેવામાં તારો ઉપયોગ મહાભિખ્ખુ દેવદત્ત કરી શકે.’
138 ] શત્રુ કે અજાતશત્રુ
‘મહાભિખ્ખુ દેવદત્તની વાત ન કરો. મારે રાજસેવા કરવી છે. એવા ભિખ્ખુ તો મારી દેવડીએ રોજ બાર આવે છે, અને આંટા મારતા ને આટો ફાકતા નાસી જાય છે !'
‘મગધપ્રિયે ! કોઈ શુભ કાર્ય તારા માટે નિર્માણ થયેલું લાગે છે. મહામંત્રી વસ્તકાર વૈશાલીનું નિરીક્ષણ કરવા જ ગયા છે, એ હવે આવવામાં જ છે. પ્રણિધિ ગુપ્તચર કહી ગયો છે કે નજીકમાં જ છે. તું થોડી વાર અહીં બેસ !'
‘હું અંતઃપુરમાં રાજકુંવરીઓ સાથે થોડી વાર ખેલું છું. મહામંત્રી આવે ત્યારે મને બોલાવજો.'
‘રાજા ઉદયનનું વીણાવાદન વખણાય છે. આપણી કુંવરીઓને એ શીખવવાનો પ્રબંધ કરજે !' મગધરાજે કહ્યું.
‘મહારાજ ! આવા વીણાકારો ભારે ઉસ્તાદ હોય છે. એણે તો વાસવદત્તાને વીણા શીખવતાં આખી વાસવદત્તાને જ ઉપાડી !' મગધપ્રિયાએ કહ્યું.
‘એ તને ન શિખવાડે ? પછી તું કુંવરીઓને શિખવાડ.’
‘એ વળી કયા ખેતની મૂળી ! તારો ક્યાંક મને જ ધૂતી જાય, તો મગધમાંથી ટળી જાઉં ? આવા પુરુષો સ્ત્રીના ચિત્તને માછીમારની જેમ પકડી લે છે અને પછી સ્ત્રી માટે તો મનની લગન ભયંકર છે.’
‘ના, ના ! મગધ પાસે બીજી રાજગણિકા નથી. એવું જોખમ ન ખેડતી. તને આવડે એવી વીણા શિખવાડજે ! અત્યારે રાજકુમારોને વીણા વગાડતી કુંવરીઓનું ઘેલું લાગ્યું છે !'
‘એ વાતે નિશ્ચિંત રહેજો, મહારાજ ! મારું શિક્ષણ એવું છે કે સો દેશની રાજકુમારીઓમાં મગધની કુંવરીઓ સાચા હીરાની જેમ ચમકી ઊઠે. મહારાજ! ગર્વ નથી કરતી પણ એક કેવિન્યાસકળા જ એવી શીખવી છે કે બિચારા રાજકુમારો એ કેશજાળમાં જ કેદી થઈ જાય. ને રાજકુમારી ભલે દેહે કુરૂપ હોય તોય માગું મૂકી દે.’
‘મગધપ્રિયા !શિક્ષણની બાબતમાં મને તારો પૂરો ભરોસો છે. વારું, જવું હોય તો જઈ આવ !'
મગધપ્રિયા મંત્રણાગૃહમાં આવેલ ગુપ્ત માર્ગ વાટે અંતઃપુરમાં જવા તૈયાર થઈ. ત્યાં તો નીચે ગજઘંટા સંભળાઈ. એ વખતની ગણિકાઓ આજના જેવી નહોતી, એ શિક્ષિકાનું કામ પણ કરતી. એ સંસ્કારમૂર્તિ પણ હતી.
‘અરે માગધ ! મંત્રીરાજ આવી જ ગયા !' હર્ષાવેશમાં મગધરાજે બૂમ પાડી. ‘તમે પહેલાં તમારી વાતચીત પતાવી લો, પછી હું આવું !' મગધપ્રિયાએ મગધપ્રિયા C 139