________________
ગણપતિ ચેટકના આવાસે પહોંચ્યા, ત્યારે પ્રથમ પ્રહરના ચોઘડિયાં વાગતાં હતાં.
ગણપતિ ચેટક રાજ પ્રાસાદના ગવાક્ષમાં ઊભા રહી ગંડકીના નીરમાં નહાતા ગજરાજોને અને ગજરાજો સાથે કુસ્તી કરતા નવયુવાનોને નીરખી રહ્યા હતા.
આ બધા ગજ સમૂહમાં એક ગજરાજ જુદો તરી આવતો હતો. એની છલાંગ, એનો અવાજ, એનું ખેલ-નૈપુણ્ય અજબ હતું. ગણરાજ ચેટકની ચક્ષુઓ એના પર મંડાયેલી હતી, ત્યાં પ્રતીહારે હાજર થઈને નિવેદન કર્યું. ‘સ્વામી ! મગધના સંદેશવાહકો ફરી આવ્યા છે.'
“સંદેશ લઈને આવ્યા છે ?”
કેટલી ઝડપથી પાછા આવ્યા ! કર્મચારીઓના કાર્યશ્રમનો વિચાર આ રાજતંત્રો કદી કરતાં નથી. એ તો પશુ, યંત્ર અને માનવ ત્રણેને સમાન લેખે છે. રાજતંત્રો માણસ કરતાં કાર્યને વધુ મહત્ત્વ આપે છે. અંગત કાર્યસિદ્ધિ માટે હજારોનો ભોગ એ રાજતંત્ર ઉચિત લેખે છે; જ્યારે ગણતંત્રો માણસને મહત્ત્વ આપે છે, અને કાર્યસિદ્ધિ ગૌણ ગણે છે.’
ગણરાજ વાત કરતાં કરતાં કંઈક વિચારમાં પડી ગયા. છેલ્લા કેટલાક વખતથી એ સંચિત રહેતા હતા, વૈશાલીનું રાજ્ય અત્યારે કીર્તિના અંતિમ શિખરે હતું, પણ દીર્ઘદ્રષ્ટા ગણરાજ વિચારતા કે શિખર ઉપર ચઢવ્યા પછી ત્યાં સ્થિર થતાં ન આવડવું તો નીચે ઊતરવું જ પડે છે, અધગમન અનિવાર્ય બને છે.
ગણરાજને વિચારમાં પડેલા જોઈ પ્રતિહારીએ ખોંખારો ખાધો. ગણરાજે પ્રતિહારી તરફ જોતાં કહ્યું,
‘હું જાણું છું તું શા માટે ઊભો છે.” ગણરાજ આટલું બોલ્યા અને વળી પાછા વિચારમાં પડી ગયા. ‘જાણું છું, મગધના દૂતો શું લઈને આવ્યા હશે તે! રાજાઓ મોટાઈ સ્થાપિત કરવા મહાયુદ્ધ જગાડતાં જરાય વિચાર કરતા નથી. દેશ યુદ્ધમાં રહે, નવજુવાનો કામમાં રહે, વિરોધીઓ ચિંતામાં રહે, અને આબાદી આઝાદીના મૂંઝવતા પ્રશ્નો ઊભા ન થાય, પણ મને યુદ્ધ ગમતું નથી. યુદ્ધ તો સંસારની માનવમાનવ વચ્ચેની પ્રેમશ્રદ્ધાનું દેવાળું છે. છતાંય, કોઈ સંજોગો એવા પણ આવે છે કે લોહી લેવા કરતાં લોહી દેવું ઉત્તમ છે. મારવા કરતાં મરવું ઉત્તમ છે. પણ એ દિવસો તો દૂર છે ! શક્તિમાં માનનારાં સામ્રાજ્યો ભક્તિમાં ન સમજે .”
ગણરાજ થોડી વાર આવા વિચારોમાં અટવાયા અને પછી એમણે પ્રતિહારીને આદેશ કર્યો, ‘જાઓ, સંદેશવાહ કોને હાજર કરો.’ સંદેશવાહકો હાજર થયા. પ્રણિપાત કરીને એમણે રાજપત્ર રજૂ કર્યો. ગણરાજે
106 ] શત્રુ કે અજાતશત્રુ
પત્ર લીધો, ખોલ્યો ને વાંચ્યો. ટૂંકું ને ટચ લખાણ હતું.
| ‘મગધના અપરાધીઓને ચોરીના માલ સાથે તાકીદે અમારા હવાલે કરો, નહી તો પરિણામ માટે તૈયાર રહો.’
‘પહેલાંની ના છે, બીજાની હા છે.' ગણરાજે પણ સાવ સ્વાભાવિકતાથી કહ્યું. એમના પર જાણે આ પત્રની કંઈ અસર થઈ નહોતી.
એટલે ભત્તે ગણરાજ ! મગધના અપરાધીઓને ચોરીના માલ સાથે મગધને હવાલે કરવાની આપ ના ભણો છો, એમ જ અમારે માનવું રહ્યું ને ?' મગધના મુખ્ય દૂત મયૂરધ્વજે વાત સ્પષ્ટ કરતાં કહ્યું.
| ‘અવશ્ય.’ ગણરાજે સ્વાભાવિકતાથી જવાબ આપ્યો. ‘અને ભત્તે ગણરાજ, પરિણામ માટે યુદ્ધ - માટે-તૈયાર છે. એમ અમારે માનવું ને ?” મગધના દૂતે વાત વધુ સ્પષ્ટ કરી લીધી.
‘અવશ્ય , પણ એ સાથે તમારા રાજાને એટલું કહેજો કે ગણરાજ્યો યુદ્ધને અપ્રિય કાર્ય લેખે છે. યુદ્ધને તેઓ માનવજાત માથે રાજાશાહીએ વેરેલો શાપ લેખે છે. પણ એ અનિવાર્ય થઈ જતાં ગણરાજ્યો એમાં નિઃસંકોચપણે ભાગ લે છે. મને ખ્યાલ તો હતો જ કે મગધના નવા રાજાએ અનેક ભૂલો કરી છે. મહાદોષો આચર્યા છે, એ દોષ અને ભૂલોને છાવરવા માટે એ યુદ્ધનો આશ્રય જરૂર લેશે.' ગણરાજે પોતાના મનની વાત ખુલ્લી કરી.
‘ભજો ! અમને તો માત્ર હા-ના જાણવાની આજ્ઞા છે. સંદેશવાહક ચર્ચા ન કરી શકે.” દૂતે કહ્યું,
સંદેશવાબક એટલે શું એ હું જાણું છું. હંમેશાં સંદેશાની આપ-લે-ના બહાને પીઠ પાછળ સૈન્યની તૈયારી થતી હોય છે. એ બહાને કાળવ્યય કરી પ્રતિસ્પર્ધીને ગાફેલ રાખી યા શાંતિનો લાલચુ બનાવી પીઠ પાછળ ઘા મારવા ઝડપથી કૂચ થતી હોય છે.’ ગણરાજે કહ્યું.
સંદેશવાહકોએ કંઈ પ્રત્યુત્તર ન વાળ્યો. તેઓ નમન કરીને બહાર નીકળ્યા.
પ્રતિહારી એમને વિદાય આપી રહ્યો, ત્યાં વૈશાલીનો ગુપ્તચર મારતે ઘોડે આવીને હાજર થયો.
પ્રતિહારી તરત ગણરાજને ખબર કરવા અંદર ગયો. થોડી વારમાં એ અનુજ્ઞા મેળવીને ગુપ્તચરને અંદર લઈ ગયો.
ગુપ્તચરે ખબર કરી કે વૈશાલીની સીમાથી થોડે દૂર સેનાનો જમાવ થઈ રહ્યો દેખાય છે. બે ગુપ્તચરોને ગુપ્ત રીતે મોકલ્યા, પણ તેઓ પાછા ફરી શક્યા નથી.”
મગધ વૈશાલીની મૂઠભેડ 107