________________
કારણ કે અહીં ગણતંત્રોમાં જેમ અંગત કંઈ હોતું નથી તેમ ગોપનીય પણ કંઈ હોતું નથી.’
‘તમારા કુશળ સંદેશાવાહકો તમને બધી વિગતો રૂબરૂ કહેશે. પણ અમારો સ્પષ્ટ નિર્ણય તમને જણાવવો જોઈએ. ‘બોલો ભલે સો વાર પણ લખો એક વાર’ એ નીતિસૂત્ર હોવા છતાં તમને આ પત્ર દ્વારા એ સંદેશ પાઠવીએ છીએ.
પહેલી વાત તો એ કે હલ્લ અને વિહલ્લ અમારા ગણનાયકના દોહિત્રો છે. એટલે મોસાળમાં આવીને રહેવાનો એમને સહજ હક છે. છતાંય, દોહિત્ર હોવા છતાં ગણતંત્રના કલ્યાણરાજમાં ગુનેગાર પુત્રને પણ પિતા આશ્રય આપતો નથી. ન્યાય માટે એને રાજદેવડી પણ સગે હાથે એ હાજર કરે છે. જો તેઓ ગુનેગાર હોત તો અમે સ્વયં તમને સોંપી દેત.'
‘પણ હલ્લ-વિહલ્લની ગુનેગારીનાં જે કારણો તમે આપ્યાં છે, તે તદ્દન અર્થહીન છે. સેચનક હાથી અને દિવ્યહાર તેઓની પાસે છે જરૂર, પણ એ તો તેઓને તેમના સ્વર્ગસ્થ પિતાએ ભેટ આપેલાં છે. સામાન્ય નિયમ અવો છે કે ભેટ આપેલી ચીજ પર ભેટ આપનારનો પણ હક રહેતો નથી, તો પછી તમારો તો ક્યાંથી રહે ?'
‘વળી મગધનું આખું રાજ્ય તમને મળ્યું છે - જોકે એક વ્યક્તિને આ રીતે આટલી સંપત્તિ અને સત્તા મળવી અયોગ્ય છે. એથી વ્યક્તિનું માનસ ગર્વિષ્ઠ થાય છે અને વાતવાતમાં એ શક્તિનું પ્રદર્શન કરે છે અને એમ કરતાં યુદ્ધને નોતરી લાવે છે, જેમાં નજીવા અંગત કારણોસર અનેક નવલોહિયાના બલિ ચડે છે. રાજતંત્રો યુદ્ધને જિવાડવામાં માને છે. છતાં તમને રાજ્ય મળ્યું તો તે તમે સુખે ભોગવો, પણ તમારા ભાઈઓ પાસે જે યત્કિંચિત હોય, તે પડાવી લેવાનો પ્રયત્ન કરો એ ઠીક નથી. માટે સંતોષ ધારણ કરો.'
‘પ્રાન્તે એક વાત અમારે તમને જણાવી દેવી જોઈએ કે અમે હલ્લકુમાર અને વિહલ્લકુમારને વૈશાલીની નાગરિકતા બક્ષી છે, એટલે વૈશાલીના નાગરિકને કોઈ નિરર્થક હાનિ કરવાનો વિચાર કરે, એ વૈશાલીના ગણતંત્રને હાનિ કરવાનો પ્રયત્ન કરે છે, એમ સમજવામાં આવશે.'
‘અમારે જે કહેવાનું છે તે અહીં સમાપ્ત થાય છે. હવે આમાંથી જે સમજવાનું હોય તે સમજજો. અમે જાણીએ છીએ કે ગણતંત્રના હિમાયતી તમારા પિતાને દૂર કરી તમે કંઈક વિશિષ્ઠ તૈયારીમાં છો, પણ અમે ખાતરી આપીએ છીએ કે અમને જ્યાં સુધી તમે છંછેડશો નહિ, ત્યાં સુધી અમે તમને લેશ પણ હાનિ નહિ પહોંચાડીએ.’
96 શત્રુ કે અજાતશત્રુ
મહામંત્રીએ પત્ર પૂરો કરતાં કહ્યું, ‘પત્રની નીચે ગણરાજ ચેટક અને ગણપતિસિંહ સેનાપતિની સહીઓ છે.’
પત્ર સાંભળીને મગધરાજ અશોકે સિંહાસન પરથી ગંજારવ કરતાં કહ્યું,
‘સભાજનો ! હાથી, હાર અને બંને કુમારોને અહીં ઉપસ્થિત કરવા માટે પૂજનીય પિતાજીની ચિતા સમક્ષ મહામંત્રી વસકારે શિખાબંધીની અને મહાભિખ્ખુ દેવદત્તે કરપાત્રની પ્રતિજ્ઞા કરી છે. આજે જ વૈશાલી ગણરાજને સંદેશો મોકલો. ‘કાં અમારા ગુનેગારોને ચોરીના માલ સાથે તાકીદે સોંપી દો, નહિ તો અનિષ્ટ પરિણામ માટે તૈયાર રહો !'
મહામંત્રીએ સંદેશો લખીને સંદેશાવાહકોને સોંપ્યો. સંદેશાવાહકો હવે થાક ખાવા માગતા હતા, પણ એમનું જીવન રાજકૃપા પર નિર્ભર હતું. રાજ્યની સહેજ પણ અવકૃપા એમની જીવનભરની સેવાને ક્ષણમાં સ્વાહા કરવાને શક્તિમાન હતી. અને એમને થયેલા રાજકીય અન્યાયનો ઇન્સાફ પૃથ્વી પર કોઈ કરી શકે તેમ નહોતું. એટલે સંદેશાવાહકોએ ફરી ઘોડા પલાણ્યા અને મોં પર ખુશી ને હૈયામાં નાખુશી લઈને પોતાના અશ્વોને વૈશાલીની દિશામાં હાંક્યા.
મગધરાજ અશોકે આ વખતે સેનાપતિ કર્ણદેવને સંબોધીને કહ્યું, ‘ગણતંત્રના મિથ્યાભિમાની લોકો કેવો જવાબ વાળશે તેની મને ખાતરી છે. અહીં જે એક નિર્ણય એક પળમાં લેવાય છે ત્યાં એવો એક નિર્ણય લેતાં દિવસો વીતી જાય છે. અને એ જ રીતે એક વાર લીધેલો નિર્ણય બદલતાં પણ દિવસો વીતી જાય છે. ત્યાં તો ઝાઝી રાંડે વૈતર વંઠે જેવો પ્રકાર ચાલે છે ! માટે વૈશાલીનો જવાબ ‘ના માં સમજી તમારી તૈયારીઓમાં રહેજો. પછી વિલંબ ન થાય.’
સેનાપતિ કર્ણરાજે શિર નમાવ્યું.
મગધના દરબારમાં વૈશાલીની વાત – 97