________________
આત્માઓ છે. હું તો તારું તન હતો. એ તન તેં મારા પિતાની સલામતી માટે ન્યોછાવર કર્યું. મારા પિતાએ તને કેટલું સુખ આપ્યું છે, તે હું જાણું છું. તેં મારા પિતા માટે કેટલું દુ:ખ વેઠ્યું છે, તે પણ જાણું છું. મા, તને પુનઃ પુનઃ વંદન છે.' રાજા અશોકે લાગણીભર્યા સ્વરે કહ્યું.
‘વત્સ ! વાત હજી અધૂરી છે. તારી બધી સાચવણી ત્યારથી તારા પિતાએ કરવા માંડી. તને રોતો સાંભળે કે દોડતા આવે. હું ઘણી વાર કહું કે તમે તમારા શાણા પુત્ર અભયને તો કદી આટલા લાડ લડાવ્યા નથી, ને આ કજિયાળાનું આટલું માન શા માટે કરો છો ?
તારા પિતા મને હસતાં હસતાં કહે, ‘અભય ઠાવકો દીકરો છે, એ ચાલે તો પગે ન વાગે એમ ચાલે. એ કૂદે તો ઠોકર ન વાગે એમ કુદે. એ જબરો ગણતરીબાજ છે. એ કહે છે કે લોકો કહે છે કે રાજા થવામાં સુખ છે; પણ હું કહું છું કે રાજા થવા કરતાં સંન્યાસી થવામાં વધુ સુખ છે. રાજાએ સહુની ચિંતા કરવાની; અને સંન્યાસીની તો સહુ ચિંતા કરે. અને આ અશોક જુદા મિજાજનો છે. એ તો બૂમ પાડે કે તલવાર ખેંચે, દોડે, ઘા કરે, બીજાને વગાડે અને પોતાનેય વગાડી બેસે. અશોકમાં ક્ષત્રિયની ઉતાવળ ને ક્ષત્રિયની એક ઘા ને બે કટકા કરવાની આદત છે. રાણી, હું ક્ષત્રિય છું. મને કજિયાળો, ઝઘડાળુ અશોક બહુ વહાલો લાગે છે.'
રાણી ચેલા વાત કરતાં થોભ્યાં.
બાળક ઉદય રમતો રમતો બહાર ચાલ્યો ગયો હતો, અને રાણી પદ્મા પોતાનાં સાસુની પતિભક્તિની વાતો મન દઈને સાંભળી રહી હતી. એ વિચારતી હતી, ‘અરે ! કેટલીક લતાઓ મરુભૂમિમાં ઊગનારી હોય છે, મરુભૂમિને શણગારનારી હોય છે ને મરુભૂમિમાં પોતાનાં બીજ નાખીને અલોપ થઈ જનારી હોય છે.’
‘મા ! દરેક બાપને તોફાની છોકરાં વધુ વહાલાં લાગે છે.’ અશોકે કહ્યું.
‘અશોક !’ ચેલા રાણીએ વાત આગળ ચલાવતાં કહ્યું, ‘એક રાતે તું એવો રડે, એવો રડે કે કેમે કરતાં છાનો જ ન રહે. દાસી મિગાર ઘણું કરે, પણ તું છાનો ન રહે . મેં તને લીધો, તને રમાડવા માંડ્યો, પણ તું ચૂપ જ ન રહે. મેં તને સ્તનપાન કરાવવા માંડ્યું. અશોક !રાજાની રાણીઓ પુત્રને જન્મ જરૂર આપે છે, પણ હૈયાના દૂધ નથી આપતી.નોકર તરીકે રાખેલી તંદુરસ્ત ધાઈઓ એને ધવરાવે છે.’
‘એટલે જ મા !રાજાના કુંવરોમાં પિતાની આકાંક્ષાઓ સળગતી હોય છે, પણ માતાનું સમર્પણ એનામાં પાંગરતું નથી.' અશોકે પોતાની જાતને ઉદ્દેશીને કહેતો હોય તેમ કહ્યું.
પદ્મારાણી આ સાંભળીને શરમાઈ રહ્યાં. આ કટાક્ષ એમના પર પણ હતો. 52 D શત્રુ કે અજાતશત્રુ
એ ધીરેથી બોલ્યાં, ‘અમે તો તૈયાર હોઈએ છીએ. કો જાને પીડ પરાઈ-માતાની પીડા બીજા શું જાણે ? નવજાત શિશુને ધવરાવ્યા વગર અમે શરૂ શરૂમાં આકુળવ્યાકુળ બની રહીએ છીએ. પણ અમને અંતઃપુરના વડીલો સમજાવે છે કે પુત્રને ધવરાવવાથી યૌવનના તેજમાં ઘટાડો થશે, રાજાને તમારું ઢીલું થયેલું સૌંદર્ય ગમશે નહિ. નવી રાણી લાવશે.'
‘પદ્મા રાણીની વાત બિલકુલ સાચી છે. મેં અશોકને ધવરાવવા છાતીએ લીધો કે ધાવ બૂમ પાડતી આવી, ‘અરે રાણીમા ! આ આત્મઘાતક કામ ન કરો. બાળક જો આપનાથી ટેવાઈ જશે તો પછી મને અડશે પણ નહિ. ને આપ આપનું નિર્મળ અરીસા જેવું યૌવન-તેજ ગુમાવી બેસશો. સ્વાભાવિક રીતે પુત્રજન્મથી કેટલાંક કોમળ અંગોને હાનિ પહોંચી હોય છે, પણ શેક, તાપ ને ઓસડિયાંની માલીશથી એ હાનિની પૂર્તિ થઈ જાય છે. પણ હવે આ કાર્ય કરશો તો અંગ કર્કશ થઈ જશે; ગાલ પર ઝૂરી પડી જશે.’ છતાં મેં અશોકને છાતીથી દૂર ન કર્યો. પણ અશોક કોનું નામ ? લીધી લત છોડે જ નહિ !'
‘સાચી વાત છે સાસુમા !' પદ્મારાણીએ ઘા ભેગો ઘસરકો કર્યો, ‘તમને પુત્ર તરીકે એમને પાળતાં જે વીત્યું એનાં કરતાં પતિ તરીકે વેઠતાં મને વધુ વીતે છે હોં. કોઈ દિવસ સુખ-શાંતિથી સાથે બેસી હસ્યા-રમ્યા નહિ હોઈએ. આપણા કરતાં તો ગરીબ ઘરની ગૃહવધૂઓ સારી.’
‘પદ્મા રાણી ! તમે રાજા થયાં હોત તો સમજ પડત કે કેટલી વીસે સો થાય છે. દુનિયામાં શું ચાલે છે, એની તમને શી ખબર ? રાજાનું વિશેષણ અવંધ્યકોપ છે. એ જેના પર ક્રોધ કરે એ ઊભું ને ઊભું બળી મરવું જોઈએ; તો જ રાજા બની શકાય. દૃઢતા વિનાનો ને મિજાજ વગરનો રાજા દસ દિવસ પણ રાજા રહી ન શકે. કેટલીક વાર રાજાનું જીવન તો બળતી ચિંતા જેવું હોય છે. જે એને સ્પર્શે ને બાળે ને પોતે પણ બળે.હાં મા પછી શું થયું ? હું રોતો જ રહ્યો કે કોઈએ મને છાનો રાખ્યો, કે પછી થાકીને મારી મેળે છાનો રહ્યો?’
મગધરાજ અશોકે જિજ્ઞાસાથી આગળ જાણવા ઇચ્છું. મગધમાં લોહપુરુષ લેખાતો રાજા અત્યારે મીણની મૂર્તિ જેમ પીગળવા લાગ્યો હતો. આ બધી વાતો એના હૃદય પર અસર કરી રહી હતી.
મારાથી તો તું છાનો ન રહ્યો, બલ્કે છાનો રાખવા ગઈ તો મારી છાતીએ ધાવતાં ધાવતાં તેં બટકું ભરી લીધું. મને દાઝ ચડી. મેં તારા પડખામાં ચૂંટિયો ખણ્યો. તું બમણા જોરથી રડવા લાગ્યો. આ વખતે તારા પિતાશ્રી દોડતા આવ્યા ને મારી ગોદમાંથી તને ખેંચીને લઈ લીધો. મારા પર ગુસ્સે થઈ ગયા, બોલ્યા કે તમને
માતાને વખાણું કે પિતાને વંદુ ? I 53