________________
5
રાજકેદીની ગઈકાલ
એ દિવસે ચેલા રાણી કારાગારમાંથી વહેલાં પાછાં વળ્યાં, ને પોતાના પુત્રના મહેલે જઈ પહોંચ્યાં.
રાજા અશોકચંદ્ર ત્યારે જમવા બેસવાની તૈયારી કરતો હતો. એનો બાલપુત્ર ઉદાયી પાસે રમતો હતો.
રાણી પદ્મા વીંઝણો લઈને બેઠી હતી. ઘણા દિવસે જુવાન રાજા આજે નવરો પડ્યો હતો. રાજનીતિના જીવોના નસીબમાં નિરાંત ક્યાંથી ? હમણાં આખો દિવસ મંત્રણાઓ ચાલ્યા કરતી, કાસદો દોડ્યા કરતા, અને જાસૂસોએ તો દિવસ-રાત એક કર્યાં હતાં. કોઈ ભયંકર કટોકટીનો સમય ચાલતો હતો તેમ જણાતું હતું.
મહામંત્રી વસ્યકાર હમણાં જ ખૂબ ખાનગી મંત્રણાઓ કરી વિદાય થયા હતા. મહાભિખ્ખુ દેવદત્ત પણ એમાં ભાગ લેવા આવ્યા હતા, અને તેઓની ચાખડીઓના રણકાર હજી શમ્યા ન હતા.
આખું રાજ જાણે આજ ભૂકંપની પથારી પર સૂતું હતું. યુવાન રાજાએ રાજતંત્રના દુશ્મન ગણતંત્રોને મિટાવી દેવાની દેવ સાખે, ગુરુ સાખે, આત્મ સાખે પ્રતિજ્ઞા કરી હતી, અને એની શરૂઆત ઘરથી કરી હતી. પહેલા પગલા તરીકે એણે પોતાના વૃદ્ધ પિતાને કેદ કર્યો હતો. એનું નામ રાજા શ્રેણિક બિંબિસાર. આખા ભારતવર્ષમાં એના નામ પર ફૂલ મુકાતાં. જેવો વીર એવો જ શોખીન, જેવો ભક્ત એવો જ ભોગી. એના દરબારમાં જાતજાતનાં રત્નો એકઠાં થતાં. એ રત્નશોખીન રાજવી હતો. એના દરબારમાં જેમ શુરવીરો, સુંદર ગણિકાઓ ને શ્રેષ્ઠીસોદાગરો સન્માન પામતાં એમ સાધુશ્રેષ્ઠો પણ સન્માન પામતા.
આ વખતે ક્ષત્રિયકુંડ ગ્રામના શ્રી વર્ધમાન અને કપિલવસ્તુના ગૌતમ નામના બે ક્ષત્રિય રાજકુમારોએ યુદ્ધનો મારગ છાંડી ક્ષમાનો ધર્મ સ્વીકાર્યો; લોહી લેવાનો
માર્ગ મૂકી જરૂર પડ્યે પોતાનું લોહી છાંટી જગતની અમાપ લોહીતૃષા બુઝાવવાનો રાહ પકડ્યો. જમીનના ટુકડા માટે, ક્ષણિક મોટાઈ માટે, સ્ત્રી માટે, સુવર્ણ માટે સદોદિત જીવસટોસટની લડાઈ ખેલતાં રાજ્યોએ એક નવો ધક્કો અનુભવ્યો. આ બંને રાજસંન્યાસીઓને મગધના મહાન રાજવી બિંબિસાર શ્રેણિકે સત્કાર્યા.
આ વિરાગી રાજકુમારોની સહુથી વધુ અસર વૈશાલી પર પડી. આમેય વૈશાલીના વજ્જિ, લિચ્છવી વગેરે અષ્ટકુલના ક્ષત્રિયોની નામના દેશભરમાં હતી. એમના જેવું ચાપસંચાલન કે અસિખેલન બીજાની પાસે દુર્લભ હતું. એમાં આ વિરાગનું તેજ ઉમેરાયું.
આખા ભારતવર્ષમાં વૈશાલીના ગણતંત્રની બોલબાલા થઈ રહી હતી. એની સંસ્કારિતા અને સુવાસે બધા રાજ્યોને પ્રભાવિત કર્યાં હતાં. પણ મગધનું મહારાજ્ય બધા ગણતંત્રો સામેનો કિલ્લો હતું. મગધના યુવરાજ, મગધના સામંતો, મગધના શ્રેષ્ઠીઓ પોતાના શક્તિ-સામર્થ્યના બળે બધાં ગણતંત્રોથી નચિંત સૂતા હતા.
ત્યાં એકાએક રાજમંડળમાં નવા સમાચાર આવ્યા : પ્રજાનું વલણ ગણતંત્ર તરફ વિશેષ થતું જતું હતું. વૈશાલીના રાજસંચાલનના સમાચારો પ્રજાજનો માટે ઉત્સુક્તાનો વિષય બન્યા હતા. દરેક મગધવાસી એક વાર વૈશાલીની યાત્રા જરૂર કરતો. ત્યાંના જીવનસ્વાતંત્ર્યની મોહિની લોકોનાં મન પર કબજો કરી રહી હતી.
કોઈ વાર એ સ્વાતંત્ર્યની ઝંખના ભડકો બની જતી. લોકો જાગીરદારોને પડકાર કરી બેસતા. સામંતોને પોતાના જ પ્રદેશોમાં ધીરે ધીરે વિપરીતભાવ પ્રવર્તતો નજરે પડતો. રાજ સામે પણ પ્રજા કોઈ વાર પોતાનાં શિંગડાં માંડતી. લોકો ખુલ્લેખુલ્લું કહેતા કે રાજકારણમાં પ્રજાના મતનો પડઘો હોવો ઘટે ! કારણ કે રાજસંસ્થા આખરે તો પ્રજાનાં સુખ, સગવડ ને સુવ્યવસ્થા માટે જ સરજાયેલી છે.
આ નાની નાની અથડામણો ઘણી વાર ન્યાયના સિંહાસન સુધી પહોંચતી. એક તરફ જાગીરદારો, સામંતો, મંત્રીઓ અને બીજી તરફ પ્રજાવર્ગ; ભિખારીઓ અને શ્રેષ્ઠીઓ કે સામંતો ને ખેડૂતો સામસામે આવી જતા.
પહેલાં ન્યાયનો પ્રકાર જુદો હતો. જાગીરદારોના અમુક હક માન્ય હતા, સામંતોની અમુક સત્તાઓ સ્વીકાર્ય હતી, અને પ્રજા એની સામે કંઈ વિસાતમાં ન લેખાતી. ન્યાય બનતાં સુધી સમર્થને સાથ આપતો. હવે એમાં પરિવર્તન આવ્યું હતું.
મગધના સર્વસત્તાધીશ તો એના રાજા શ્રેણિક બિંબિસાર હતા, પણ હવે એમનો ન્યાય જુદો બન્યો હતો. એ ગણતંત્રના નીતિનિયમો પ્રમાણે ન્યાય જોખતા, પ્રજાનો પક્ષ લેતા, સામંતો કે જાગીરદારોના અધિકાર સામે પ્રજાનો અધિકાર પણ સ્વીકારાતો.
રાજકેદીની ગઈકાલ D 35