________________
મેં પૂછ્યું “વત્સ ! આ તારા વિચાર ન હોય, તને કોઈએ પ્રેરણા આપી હશે’ રાણી ! મારો અશોક ભોળિયો છે. એ બોલ્યો, ‘આપણે ત્યાં મહાભિખ્ખુ દેવદત્ત આવ્યા છે. તથાગતનું તો ખાલી નામ છે, બાકી બધી સિદ્ધિઓ એની પાસે છે. એક દહાડો એણે મને કહ્યું, ‘પૂર્વનાં માણસોની જેમ આજકાલનાં માણસો દીર્ઘાયુષી થતાં નથી. ક્યારે કોને મરણ આવશે, કંઈ કહેવાય તેમ નથી. તારા પિતાની પૂર્વે રાજસુખનો આસ્વાદ લીધા વિના તને મૃત્યુ આવવાની સંભાવના છે. માટે, હું કહું છું કે તારા પિતા શ્રેણિક બિંબિસારને હણીને રાજા થા ! હું બુદ્ધને હણીને મહાબુદ્ધ થઈશ
‘રાણી ! કેવો ભોળો દીકરો ! બધી વાત હતી તેવી કહી દીધી.' ‘છતાં તમે દેવદત્તને ન પકડ્યો ?'
‘પકડીને શું કરું ? એને મારી નાખું ? અને મારી નાખું તોય એણે દીકરાના અંતરમાં વાવેલું બીજ કંઈ નષ્ટ થોડું થાય ? ત્યારે દીકરાને કંઈ મારી શકાય ? રાણી, લોહી રેડવાથી તો ઊલટું એ બીજ હજાર રીતે પ્રફુલ્લે. સાચો માર્ગ મેં લીધો. તાબડતોબ મંત્રીમંડળને બોલાવી અશોકને તમામ રાજકારભાર સોંપી દીધો.' રાજા વાત કરતાં થોભ્યો.
‘એનું પરિણામ આ કૈદ ! કેદ પણ ઠીક, પણ કેવું અપમાન ! કેવી ભયંકર યાતના !'
‘અભિમાનનું તો સદા અપમાન જ હોય.' મગધરાજ બોલીને અંતર્મુખ બની ગયા. થોડી વારે વળી એ બોલ્યા, ‘અને રાણી ! આ લોકો વૈશાલીનો સર્વનાશ કરવાની પેરવીઓ કરી રહ્યા છે. વૈશાલી તીર્થસમું છે. જો એ નાશ પામ્યું તો ગણતંત્રનું સ્વપ્ન નષ્ટ થઈ જશે, માનવતાનો વિકાસ રૂંધાઈ જશે, રાજા વરૃ થશે અને પ્રજા ઘેટું લેખાશે.'
‘કોઈનું કર્યું કંઈ થતું નથી; સમય જ બધું કરે છે. કોઈ જાણતું હતું કે મગધરાજ શ્રેણિક જેવા સિંહને થોડાંક શિયાળિયાં પાંજરામાં પૂરી જશે. વૈશાલીનો સમય પાક્યો નહિ હોય તો સો અશોક કે સો દેવદત્ત પણ ત્યાં નકામા નીવડશે.'
મહામંત્રી વસ્યકારનું વલણ જાણો છો, રાણી ?' રાજા પ્રશ્ન કરી બેઠો. ‘મુત્સદ્દીઓનું વલણ તો સમયે સમજાય. પણ મારા દેવ ! મેં રાજકથા ન કરવાની અશોકને ખાતરી આપી છે.' રાણી ચેલાએ રાજકથા તરફ જતા પતિને રોક્યો, અને પોતાનું ઉત્તરીય ઉતારીને રાજાને પડખામાં ખેંચ્યો.
* બુદ્ધલીલાસારસંગ્રહ, ધર્માનંદ કોસંબી
32 D શત્રુ કે અજાતશત્રુ
‘અહા ! કેટલી શાંતિ !' રાજાએ પડખામાં ભરાતાં કહ્યું. રાણીએ બેઠાં બેઠાં પોતાનો અંબોડો છોડ્યો ને એને વિચોવીને રાજાના મુખમાં એનાં ટીપાં પાડવા માંડ્યાં.
રાજાના મુખમાં થોડાંક ટીપાં જતાં, એના દેહનું કળતર ચાલ્યું ગયું. રાજા સતેજ થઈ ગયો. એ બીજાં ટીપાં મોંમાં લેતો બોલ્યો, ‘જન્મીને માનો પ્યાર તો નથી માણ્યો રાણી ! આજ તમે એનો સાક્ષાત્કાર કરાવી રહ્યાં છો. શાસ્ત્રમાં પણ કહ્યું છે, કે પત્ની ભોજ્યેષુ માતા ! પણ રાણી, તમને પૂછું છું કે આ રીતે તમે મને શું વધુ જિવાડવા માગો છો ?'
‘હા મારા નાથ! હું તમને આવા પ્રયત્નો દ્વારા જિવાડવા ચાહું છું. તમારો આ લોક બગડ્યો, પણ પરલોક ન બગડે એની મને ચિંતા છે. તમે શાંતિભર્યું જીવન જીવો, તમારાં કર્મોને ખપાવી નાખો, હળવા થઈને પરલોકમાં સંચરો, બસ, એ જ ઇચ્છું છું.' રાણીએ પોતાની મનોભાવના પ્રગટ કરી.
‘ઓહ ! રાણી ! તમે મારા દેહ કરતાં મારા આત્માની વધુ ચિંતા કરો છો, કાં ? હું પણ આત્માની જ ઓળખ સાધી રહ્યો છું. જુઓને, દેવદત્ત બિચારો કોરડાના મારથી પોતે હેરાન થઈ ગયો. પણ મને તો આનંદ જ રહ્યો. જૂનું દેવું જાણે ઓછું થતું લાગે છે ! સુખમાં છું, હોં રાણી ! આ કારાગાર જેવું એકાંતસાધનાનું સ્થળ બીજે ક્યાં મળે ?'
‘પ્રભુના ઉપદેશને તો યાદ કરો છો ને ?'
‘માત્ર યાદ કરતો નથી, પ્રત્યક્ષ કરું છું. અશોકમાં જેમ મેં ઉપકારીનાં દર્શન કર્યાં, દેવદત્તમાં સહાયક મિત્રના સ્વરૂપને નિહાળ્યું. એમ આજે હું તમારામાં જનનીભાવ જોઉં છું. બીજી કોઈ સ્ત્રી આટલો સ્નેહભાવ ન દર્શાવી શકે, સિવાય કે માતા !’
‘આ મધુગોલક લો !’ રાણીએ અંબોડાની અંદર ગૂંથેલ મોદક કાઢીને રાજાના મોંમાં મૂક્યો. રાજા પ્રેમથી ખાઈ રહ્યો.
ચાબુકના મારથી ચિરાયેલા રાજાના હાથ રાણીની સુંદર દેહ પર અને સુંવાળા અંગો પર ફરી રહ્યાં પણ એમાં પત્નીભાવ નહોતો, જનનીભાવ હતો. રાજા સ્વર્ગ, પાતાળ ને પૃથ્વી એમ ત્રિવિધ જીવન જીવી રહ્યો. દિવસો એમ વીતવા લાગ્યા.
કાળ કોઈ દિવસ કોઈ માટે થોભ્યો છે કે આજે થોભશે ?
* અજાતશત્રુનું મૂળ નામ અશોક હતું.
અપ્સરા શું અમી લઈને આવી ? I 33