________________
45
સ્ત્રી આખરે સ્ત્રી
ફાલ્ગુનીની દોડ આંધળી હતી. ફાલ્ગુનીને પાછી વાળવા શિકાર પાછળ દીપડો દોડે, એમ સૈનિકો દોડ્યા હતા.
મહામંત્રી કહેતા હતા : ‘સ્ત્રી આખરે સ્ત્રી નીકળી ! એની લાગણીઓ લક્ષમાં લઈએ તો એ જીતને હારમાં પલટાવી દે. આજ સુધી ફાલ્ગુનીએ કર્યું, એ મગધના લાભમાં હતું. હવે એની દોડ મગધના ગેરલાભમાં છે ! લાભનું લાલન અને ગેરલાભને સજા, એ રાજનીતિનું સૂત્ર છે.’
ફાલ્ગુની-પોયણા જેવી કોમળ ફાલ્ગુની-આજે ભારે વીરત્વ દાખવી રહી હતી. હરિણીની જેમ છલાંગો મારતી અને મારગમાં ખડકાયેલાં પ્રેમીસમાજનાં શબો પર પગ મૂકતી એ આગળ ચાલી જતી હતી. ધીરે ધીરે એનું અને મુનિ વેલાકુલ વચ્ચેનું અંતર ઘટતું જતું હતું.
મુનિનો દેહ છિન્નભિન્ન થઈને ભારે વિકરાળ લાગતો હતો. ખોપરીનો અડધો ભાગ તૂટી ગયો હતો, ને દેહ પર લોહીની ધારાઓ વહી રહી હતી. નાક, હોઠ કે હડપચી કશુંયે દેખાતું નહોતું. ફક્ત થોડી થોડી વારે અવાજ આવતો : ‘નમો અરિહંત ''
હવે મુનિ ઊઠવાના નહોતા – ન ઊઠવાની પ્રતિજ્ઞા સાથે એ બેઠા હતા. હવે મુનિ જીવન ધારણ કરવાના નહોતા – મૃત્યુની સેજ બિછાવીને એ બેઠા હતા.
નિરર્થક હતો ફાલ્ગુનીનો યત્ન ! પણ નારીનું અંતર નેહ પાસે નિષ્ફળતાસફળતાનો વિચાર કર્ય દિવસે કરે છે ? કાર્યની સાધના, કાં દેહનો પાત એ જ એનું સૂત્ર બને છે. ફાલ્ગુની દોડતી રહી, દોડતી જ રહી.
રે, કૂટનીતિ ! રે, શબ્દછળ ! શસ્ત્ર ન વાપરવું એ પ્રતિજ્ઞા હતી : મગધવૈશાલી વચ્ચે પ્રેમીસમાજ માટે આ નિયમ સ્વીકારાયો હતો. પણ યંત્ર કંઈ શસ્ત્ર નહોતું ! શસ્ત્રનો યોગિક અર્થ સ્વીકારાયો, અને રૂઢ અર્થ વીસરાયો ! અને આ નમણી
નારીના કારણે એ શસ્ત્રની પ્રતિજ્ઞા પણ તૂટી : સૈનિકોએ ફાલ્ગુનીને આગળ વધતી રોકવા ધનુષ પર તીર ચઢાવ્યું, ને એના પગને વીંધી નાખ્યા. તોય શિકારીઓથી દૂર જવા ચાહતી હરિણીની જેમ એણે તીર ખેંચીને હાથમાં લઈ લીધું ને એ વધારે વેગથી દોડી.
પણ હવે એ દોડ ઘાયલ અને અશક્ત દેહની હતી. ફાલ્ગુનીની ગતિ મંદ થઈ ગઈ. સૈનિકો લગોલગ પહોંચી ગયા. એણે છૂટવા ઘણું કર્યું, પણ આ તો મગધના સિંહપાદ સૈનિકો ! ઘી, દૂધ, માખણ ને માંસની વાનીઓ ખવરાવી, કુસ્તીનાં મેદાનોમાં કવાયતો કરાવી તૈયાર કરેલા પહેલવાનો ! અને એથીય વધુ, શાળામહાશાળાઓમાં આ આપણો શત્રુ, આ આપણો અનિષ્ટ કર્તા – એવાં એવાં સૂત્રોથી એમનાં મનને ખોટો પાનો ચઢાવી ક્રૂર બનાવ્યાં હતાં, ને રાજાના આજ્ઞાપાલનને મૂળમંત્ર તરીકે સમજાવ્યો હતો.
આજ્ઞા એટલે આજ્ઞા. બસ, એનું પાલન થવું જ ઘટે. કર્તવ્યાર્તવ્યની મીમાંસા એમના ગજા બહારની વાત ! કોઈ મીમાંસા કરવા તૈયાર થાય તો એને પદભ્રષ્ટ કરવામાં આવતો ને એને જીવનભર કારાગારમાં ક્રૂર રીતે જીવન ગુજારવું પડતું. અને ઘરનાં માણસો દુઃખી દુઃખી થઈ જતાં એ વધારામાં. એનાં કરતાં આજ્ઞાનું પાલન કરતાં રણમેદાનમાં મરવું સારું લેખાતું. પાછળ ઘરબારની ચિંતા સિંહાસન રાખતું, અને એનાં બાળકોને ફરી સૈનિકપદ મળતું. પિતાએ અધૂરું મૂકેલું કામ પુત્ર કરવાનું રહેતું.
લોકો કહેતા કે જે સૈનિકોના બળ પર સિંહાસનના પાયા નિર્ભર રહેતા, એ સૈનિકોને દુનિયાની ઘણી ઉદાર બક્ષિસોથી દૂર રાખવામાં આવતા. કાનૂન એ કંઈ લાકડી કે કૃપાણ નહોતો, પણ એની પાછળ સૈનિક બળ ઊભું હતું. એને લીધે લોકો ડરતા. જે કાનૂન ન માને, એને સૈનિક બળ ધોળે દિવસે તારા બતાવતું.
ન્યાયાધીશના ન્યાય પાછળ પણ કયું બળ હતું ? એ જ સૈનિક; નહિ તો એનાં પોથીપાનાંમાં શી તાકાત હતી ?
એ સૈનિક બળને મગધના રાજતંત્રે ભારે લગામથી નાચ્યું હતું. અને એને નાથવાનો પ્રકાર પણ અજબ હતો. એક સૈનિક બળથી બીજા સૈનિક બળને નાથવાનું. એ બળને નિયમનમાં રાખવા બીજું એવું જ બળ એની સામે વપરાતું !
પણ આ રીતથી મગધનું સૈન્ય ભારે શિસ્તવાળું ને કઠોર વીરત્વવાળું બન્યું હતું; જ્યારે ગણતંત્રની સેનામાં વિચારસ્વાતંત્ર્યનો નાદ ગાજતો હતો, અને પ્રેમ એના પાયામાં હતો; તેઓ આખા રાજ્યની કાર્યવાહી પર વિચાર ચલાવતા ને પોતે નિર્ણય લેતા. એ નિર્ણય પ્રમાણે ન વર્તે ને રાજનીતિ ખોટી, રાજપુરુષ ખોટા એમ માનતા. એટલે ગણતંત્રનું રાજશાસન સહુના પોતપોતાના નાનકડા ગજથી મપાતું સ્ત્રી આખરે સ્ત્રી C 337