________________
અવશ્ય. જો કાર્યસિદ્ધિ થતી હોય તો, એ પણ અમને મંજૂર છે. અમારા રાજા અજાતશત્રુને ચક્રવર્તીપદ મેળવવું છે ને જે કાર્ય મહાવીર કે બુદ્ધ ન કરી શક્યો, તે તેઓને કરવું છે. જગતભરમાં એક શાસન ! પ્રેમશાસન ! શસ્ત્ર ક્યાંય ન જોઈએ.’
| ‘તારા રાજાને હું ઓળખું છું. જા, એમને કહે કે મુનિ વેલાકુલે તમને ઘણી મદદ કરી છે. એના બદલામાં એ આજ શાંતિ-સ્થાપના ચાહે છે. યુદ્ધ આથમી જવું જોઈએ.’
દૂતે કહ્યું : “મહારાજ ! આ સંદેશો વળી મારે મગધરાજને કહેવો પડશે ? મેં પ્રથમ આપના નામ વિના આવી જ વાત કરી હતી.'
‘હા, કહેજે કે મહામુનિ વેલાકુલનો આ સંદેશ છે.'
દૂત મગધ-શિબિર તરફ પાછો ફર્યો. પણ થોડી વારમાં પેલું યંત્ર ખળભળતું લાગ્યું. અંદરથી કંઈક ભયંકર અવાજ ઊઠતો સંભળાયો. તૃણ, કાષ્ઠ, પાંદડાં ને કાંકરા એના પેટાળમાં અવાજ સાથે ઘૂમતાં લાગ્યાં.
થોડી વારે એના મુખમાંથી ચાર-છ કાંકરા છૂટટ્યા એ કાંકરા આ પ્રેમીસમાજ પર આવીને પડ્યા. એ કાંકરા નહિ પણ પથ્થરની શિલાઓ પડતી હોય તેમ લોકોને લાગ્યા. જેને વાગ્યા એ ઘાયલ થઈને પૃથ્વી પર પટકાઈ પડ્યા !
ઓહ ! આ દુષ્કૃત્ય કોણે કર્યું ? શું મગધને મારે બોધપાઠ ભણાવવો પડશે ? મગધપતિ જાણે છે કે મારા વચનથી ગંડકી નદી પણ દૂર ચાલી ગઈ હતી !' મહામુનિ વેલાકુલે કોપ દર્શાવ્યો.
ત્યાં સામેથી અવાજ આવ્યો : ‘રે મુનિ ! સતી શાપ દે નહિ, અને શંખણીના શાપ લાગે નહિ !'
મુનિ વેલાકુલે દૂર દૂર બોલનાર તરફ જોયું, તો મહામંત્રી વર્ષકાર ત્યાં ઊભા હતા, અને મુનિને ઇશારાથી પોતાની પાસે બોલાવી રહ્યા હતા.
વર્ષકારને બે-ચાર ખરીખરી વાતો સંભળાવવા મુનિ એકદમ ધસી ગયા, પણ જેવા ગયા તેવા પાછા આવ્યા !
પ્રેમીસમાજ આખો એમના મુખ તરફ નિહાળી રહ્યો. ત્યાં અસફળતાનાં ચિહ્નો દેખાતાં હતાં, અને બીજી તરફ મહા શિલાકંટક યંત્રનું મોં ફરી ચાલતું થયું હતું ! કાંકરા કચડાતા હતા. શું એ કાંકરા ! બાપ રે ! એના કરતાં તો પથરા સારા ! પ્રેમીસમાજ અંતરથી ડરી રહ્યો, પણ ગગનભેદી પોકાર કર્યો : ‘પ્રેમ અમર રહો ! અહિંસાનો વિજય હો !
આ પોકારોથી ઘડીભર યંત્ર કાંકરા નાખતું અટકી ગયું. પ્રેમીસમાજે પોતાના પોકારમાં તાકાત જોઈ. તેઓએ ફરીને ગગનભેદી અવાજો કર્યા : “પ્રેમ અમર રહો !
328 1 શત્રુ કે અજાતશત્રુ
માનવ-ભ્રાતૃત્વ અજરઅમર રહો !”
આ પોકારો પ્રથમના પોકારો કરતાં પ્રબલ હતા, પણ ન જાણે કેમ, અટકી ગયેલું યંત્ર ફરી શરમહીન રીતે ચાલતું થયું ! કાંકરાઓ જોરજોરથી આવવા લાગ્યા. જેને જેને વાગ્યા, એ તો જાણે પહાડનું શિખર અચાનક પડવાથી ચંપાઈ ગયા હોય એમ ભૂમિશરણ થઈ ગયા. | ‘મુનિરાજ ! હવે શું કરવું ?” પ્રેમીસમાજે પોકાર કર્યો. એ પોકારમાં મુંઝવણ હતી, શહાદતની ભાવના નહોતી.
‘પોતાનાં કૃત્યોનો પશ્ચાત્તાપ, મગધ તો કહે છે કે પ્રેમીસમાજે અમારા તરફ પ્રેમ બતાવવો જોઈએ. આટલે દૂર આવેલા અમને આખું નહિ તો અડધું વૈશાલી બક્ષિસ કરવું જોઈએ. અહિંસા ને પ્રેમના મૂળમાં ત્યાગ રહેલો છે !” મુનિ વેલાકૂલના અવાજમાં વિષાદ ભર્યો હતો.
‘તો શું કરશું ? વૈશાલીમાં મગધને અડધો ભાગ આપણાથી કેમ અપાય ? ગણતંત્ર અને રાજતંત્ર એક જ ધૂંસરીએ કેમ જોડાય ?” પ્રેમીસમાજે પ્રશ્ન કર્યા.
| ‘નહીં જોડાય. એક હશે ત્યાં બીજું રહી નહિ શકે. પણ હું ભાવિ અન્યથા જોઉં છું. વૈશાલીનો પ્રબલ ઝંડો ઝૂકેલો જોઈ રહ્યો છું.’ મહામુનિ નિરભ્ર આકાશવાળી પાટી પર લખાયેલા કોઈ લેખ વાંચતા હોય તેમ બોલ્યા.
કાં ?”
‘સિંહે પોતાના નહોર ને દાંત કાઢીને ફેંકી દીધા છે; અને વરુનાં ટોળાં દાંત અને નહોર સજ્જ કરીને આવ્યાં છે. એ યુદ્ધે ચઢશે. વિકરાળ યુદ્ધ થશે.”
‘તો શું વૈશાલી પાછું પડશે ?'
‘હા, શાંતિનું ઉપાસક વૈશાલી યુદ્ધની અશાંતિ જીરવી શકવાનું નથી. વિલાસે વૈશાલીના પાયા હચમચાવી નાખ્યા છે. સ્ત્રી એ પુરુષના જીવનનું સર્વસ્વ બની છે. ને પુરુષ એ સ્ત્રીનો આનંદ બન્યો છે. સ્ત્રી અને પુરુષ કેવળ કામદેવનાં બન્યાં છે; જે વિષયના દાસ એ સહુના દાસ.’ મુનિ વેલાકૂલની વાણી જ જાણે બદલાઈ ગઈ. ‘પણ હવે શું થાય ? ઉપદેશ અત્યારે કોને સ્પર્શે ?’ લોકોએ પૂછ્યું.
અરે, ઉપદેશ દેનારા અને પ્રજાને દોરનારા આગેવાનો જ જ્યાં કોમળ લાગણીઓના દાસ બન્યા છે, ત્યાં કોઈ કોઈને શું કહે ?” મુનિના શબ્દોમાં આત્મામાં જાગેલા ભૂકંપના આંચકા હતા.
‘તો હવે શું કરશું ?’ સમાજે ફરી પ્રશ્ન કર્યો. ‘જીવન આપીને પ્રાયશ્ચિત્ત ! પાપ ધોવાનો પ્રસંગ આવી પડ્યો છે. જય
મુનિનું સમર્પણ | 329