________________
અહિંસા જન્મશે. આ સમાચારોએ અહિંસા વિશેની મારી શ્રદ્ધા દેઢ કરી છે. હું તો પ્રેમધર્મનું પ્રભાત દૂર દૂર ઊગતું નીરખી રહ્યો છું.’
| ‘પણ પૃથ્વી પર આજે તો રાવણરાજ્ય સ્થપાતું લાગે છે ! અજાતશત્રુ પોતાને હિંસક શક્તિમાં અજેય માને છે. પ્રેમશક્તિમાં માનનાર એના પિતાની કેવી દશા થઈ ! કોસલરાજ વિડુડભ આજે શાક્યોને નહિવત લેખે છે. અવંતીપતિ તો મર્યાદા મૂકીને બેઠો છે; વત્સરાજ શતાનિકની પત્ની મૃગાને પોતે પરણવા ચાહે છે.’
‘રાવણની સામે સંસારમાં રામ જાગે છે. હિંસાનું જોર અલ્પકાલીન છે, પ્રેમ ચિરંજીવ છે. આનંદ ! આપણે નઠોર પૃથ્વીને ખેડીએ, એક વાર નહિ, અનેક વાર ખેડીએ, અને પ્રેમનું બીજ વાવીએ. એને ત્યાગનું પાણી પાઈએ; એક વાર નહિ, સતત પાયાં કરીએ. એને હિમથી ને ખાઉધરાં જીવજંતુથી રક્ષીએ ! આપણો ખેડૂતધર્મ આપણે સદા સજાગ રહી અદા કરીશું તો જરૂર મોલ સારો ઊતરશે.” લોકગુરુ તથાગતે પોતાનો અટલ વિશ્વાસ વ્યક્ત કર્યો. અને તેઓએ આગળ પ્રસ્થાન કર્યું.
વૈશાલીના દરવાજા ધીરે ધીરે ભિડાતા જતા હતા. જનાર-આવનારની રોકટોક થતી હતી; પણ લોકગુરુને કોઈએ ન રોક્યા. એમના ભિખુઓને કોઈએ ને રોક્યા. અને ભિખુણીઓને તો રોકવા જેવું હતું જ શું ?
અલબત્ત, એક વાત સ્પષ્ટ હતી કે આજે જેટલી સહેલાઈથી એમને બહાર જવા દેવામાં આવે છે, એટલી સહેલાઈથી હવે એમને પ્રવેશ મળવાનો ન હતો.
દ્વારપાલે અડધો દરવાજો ઉઘાડીને બધાને બહાર કર્યા, ને ફરી દરવાજો બંધ કર્યો ને મનમાં બોલ્યો : “દહીં-દૂધિયા નીતિવાળા વૈશાલી છોડી જાય એ જ સારું.’
એટલામાં અશ્વારોહી સંદેશ લઈને આવ્યો કે પ્રેમસમાજ આજે મગધના સૈન્ય સામે પ્રથમ પ્રસ્થાન કરવાનો છે, એટલે એમને માટે દરવાજા ખોલી દેવા.
દ્વારપાલે મસ્તક નમાવી સંદેશ સ્વીકારી લીધો. પણ એ પોતાના મનમાં એ સંદેશની ચર્ચા કરી રહ્યો. એને લાગ્યું કે આ લોકો લડાઈનો ઉત્સાહ મંદ બનાવનારા છે. છતાં જોઈએ, એમના પ્રેમધર્મની કેવીક અસર થાય છે !
થોડી વારમાં વળી સમાચાર આવ્યા કે મુનિ વેલકૂલ પ્રેમીસમાજને સમરાંગણે દોરી જવાના છે.
‘આ સાધુ-મહાત્માઓથી તો થાક્યા !' દરવાને ધીરેથી પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો.
સંદેશવાહકે કહ્યું, ‘ભાઈ ! મુનિ પાછા મુનિ બની ગયા ! ફાલ્ગની ભાગી ગઈ. સ્તુપ તૂટી ગયો. વર્ષકાર આખું વૈશાલી કાણું કરી ગયો. મુનિને આખરે લાગ્યું કે
324 | શત્રુ કે અજાતશત્રુ
એમને મૂર્ખ બનાવવામાં આવ્યા છે. ખરી રીતે હવે તેઓ પોતાના પાપનું પ્રાયશ્ચિત્ત કરવા જાય છે !'
શું પાપ ને શું પ્રાયશ્ચિત્ત ! પણ હા, મુનિને બાપડાને બીજું સૂઝે પણ શું ?” આ વાર્તાલાપ ચાલતો હતો, ત્યાં દૂરદૂરથી પોકારો આવવા લાગ્યા : ‘પ્રેમધર્મનો જય હો !' * અહિંસા ધર્મનો વિજય હો !' ‘મુનિ વેલાકુલનો વિજય હો !' ‘વૈશાલી અબાધિત રહો !'
દરવાને દરવાજો ખોલી દીધો, ને એ સમાજ પસાર થઈ જાય તેની રાહ જોતો ઊભો.
થોડી વારમાં પ્રેમીસમાજની ટુકડીઓ એક પછી એક આવવા લાગી. આગળ પ્રેમધર્મના સૂત્રોવાળા ઝંડા ફરકતા હતા. પાછળ અહિંસાધર્મનો ઉચ્ચાર કરનાર શ્રમણો હતા. એ શ્રમણોમાં ભગવાન મહાવીર અને ભગવાન તથાગતના શ્રમણો એકત્ર મળ્યા હતા. સહુથી આગળ મુનિ વેલાકૂલ ચાલતા હતા. મુનિએ માત્ર એક અધોવસ્ત્ર ને એક ઉત્તરીય ધારણ કર્યું હતું. શાંત એમની મુખમુદ્રા હતી. પ્રતાપી એમનો ચહેરો હતો. અંતરને શોધતા હોય એમ એ પૃથ્વી તરફ નજર રાખીને ચાલતા હતા.
આ હતું તો સૈન્ય, પણ કોઈની પાસે એકાદ પણ શસ્ત્ર ન હતું; કારણ કે એ સૈન્યના સૈનિકો પ્રેમીસમાજના સભ્યો હતા; એ શસ્ત્રમાં ન માનતા, સ્નેહમાં શ્રદ્ધા ધરાવતા; પ્રેમની જીત જ એમને ખપતી હતી.
પ્રેમધર્મનું પ્રભાત | 325