________________
નિશ્ચિત રહેજે , મારે તો હા અને ના બંને સરખાં છે. હા કહેતાં હાથ કપાય, ના કહેતાં નાક કપાયે ! પણ વત્સ ! આટલું માગું છું. એની અંતિમ ઘડીઓ સુધરે એવું કંઈક કરજે ! સાધુ-સંગ એના જીવનનો રંગ છે.' માતાએ પુત્રને કહ્યું. બધે વીનવ્યો.
પુત્રે કહ્યું, “મા ! મારા બાપના કલ્યાણ માટે જ આ બધો યત્ન છે. પણ અસાધ્ય રોગના દરદીને વૈદ જરા જલદ ઔષધ આપે છે, એટલું જ . મેં પૂર્વ દિશામાં આવેલી સાધુ કુટિર જોઈ શકાય ને ત્યાંના શબ્દો સાંભળી શકાય, એવી એક બારી પાડવાનો હુકમ આપી દીધો છે.'
ધન્ય છે વત્સ ! હું માનતી હતી કે મારો પુત્ર કાળમીંઢ પથ્થરનો બનેલો અભેદ્ય કિલ્લો છે, એની કાંકરી હજાર યત્ન પણ ખેરવી શકાશે નહિ, પણ આજ જાણું છું કે એમાંય બારી પડી શકે છે ખરી. આ જાણી અંતરમાં આનંદ આનંદ વ્યાપે છે. તો વિદાય લઉં ?' સુંદરીએ થાળ ઉપાડી ચાલતાં કહ્યું.
‘હા મા, મારા પિતાને મારા વતી ખેમકુશળ પૂછજો.’
માના દિલ પર વળી એક ઘા થયો, પણ એ મુંગી મૂંગી ચાલતી થઈ; અને જતાં જતાં જાણે સ્વગત બોલી :
‘લોકોને કોણ સમજાવશે કે રાજમહેલમાં રહેતી રાણી પણ સુખી નથી !'
કારાગારમાં રાજા દુઃખી નથી.
રાજમહેલમાં રહેતી રાણી સુખી નથી. ભલે એ સાચી વાત હોય, પણ આ વાત પણ એટલી જ સાચી છે કે કારાગારમાં રહેતો રાજા દુ:ખી નથી !
એ જ ગોરજનો સમય છે. એ જ સંધ્યા અહીં ખીલી છે. આકાશમાં એ જ સોનેરી રૂપેરી ને લીલાપીળા રંગોની રંગોળી પુરાઈ રહી છે.
જાણે અંધકારરૂપી ચામાચીડિયું એના માળામાંથી પાંખ પસારીને ઊડવાની તૈયારીમાં છે, જે પ્રકાશનું પંખી પોતાના માળામાં ધીરે ધીરે લપાઈ રહ્યું છે.
પહાડી નદી સદાનીરાનાં જળમાં સંધ્યાના પડછાયા ઘેરાતા જતા હતા. એના તટ પરના ઊંચા ઊંચા પહાડોની ગોદમાં આ નગરી વસેલી હતી. વાદળોમાં વસેલી અલકાપુરી જેવી એ લાગતી.
ભારતના કુશળ શિલ્પીઓએ જાણે આ નગરીને પોતાની કલા-હરીફાઈનું કેન્દ્ર બનાવી ન હોય, એમ મહેલો, પ્રાસાદો, હર્યો રચ્યાં હતાં. એકને જોઈએ અને એકને ભૂલીએ તેવાં એ રમ્ય હતાં. લોકો એને રાજ ગૃહી કહેતા.
વાદળને અડતી આ નગરી પાંચ પહાડોની ઉપચકાઓમાં વસી હતી-જાણે હેતાળ માતાની ગોદમાં સુંદર બાળક રમતું હતું ! હવા ત્યાં આખો દિવસ મંદ મંદ વહેતી. દૂર દૂરનાં ઉપવનોની સુગંધ એની લહેરોમાં ભરેલી હતી.
વાદળને અડતી આ રાજગૃહી નગરીમાં ગગનચુંબી મહાલયો હતાં; ને ગગનચુંબી મહાલયોને એક છેડે ગગનભેદતો કિલ્લો હતો. આ કિલ્લામાં દેવોને પણ દેખવું દુર્લભ એવું એક કારાગૃહ હતું.
કારાગૃહ એકાંતમાં હતું. એની કાળમીંઢ દીવાલ પર કીડીને પણ ચઢવું મુશ્કેલ હતું. અને એના લોહદ્વારમાંથી પવનને પણ પ્રવેશ મળવો અશક્ય હતો.
8 | શત્રુ કે અજાતશત્રુ