________________
33
જૂના દેવ ગયા ! .
વૈશાલીનો ગગનચુંબતો માનતૂપ એક દર્શનીય વસ્તુ હતી. દેશદેશના લોકો એ જોવા આવતા. આ માનતૂપમાં અનેક ગોખલાઓ હતા, અને પ્રત્યેક ગોખલામાં વિદેહમાં થયેલા મહાન સ્ત્રી-પુરુષોની પ્રતિમાઓ હતી. આ પ્રતિમાઓ શીલની, સત્યની, વ્રતની ને ટેકની હતી. અને વૈશાલીનાં સર્વ જનો એમાંથી બોધ લેતાં.
સારા દિવસોએ અહીં મેળા ભરાતા, અને દૂરદૂરથી લોકો અહીં આવતા, અને કેટલાક દિવસો સાથે રહી, આનંદમાં વ્યતીત કરતા. કોઈ ગીત-પ્રહેલિકા રચતા. કોઈ કવિઓ પોતાની કાવ્યરચનાઓ રજૂ કરતા. કોઈ ગરબે રમતા. કોઈ ઝૂલે ઝૂલતા. આ સાર્વજનિક આનંદનો મેળો રહેતો અને આખો પ્રદેશ એક વાર એકાકાર થઈ જતો.
વૈશાલીની ખ્યાતિ જેમ જેમ પ્રસરતી ગઈ, એમ એમ એને કંઈક નવું નવું કરવાની ચાહના જાગવા લાગી, વાતમાં, વર્તનમાં, વિચારમાં નવીનતા એ એનું સૂત્ર થઈ ગયું.
નવીનતા તો વૈશાલીની - આ સુત્ર લગભગ સર્વત્ર પ્રચલિત બની ગયું. અને એ પ્રતિષ્ઠા જાળવવા વૈશાલીને કંઈ ને કંઈ નવીનતા રોજ પ્રગટ કરવી અનિવાર્ય થઈ ગઈ.
એક દિવસ મુનિ વેલાકુલે ભરસભામાં કહ્યું, ‘અમે હવે જૂના દેવો અને જૂના માણસોનાં પરાક્રમની ગાથાઓથી કંટાળ્યા છીએ, અને “મર્યા એ મહાન' – એ સૂત્રને છોડી દેવા માગીએ છીએ. વૈશાલી પાસે નવા દેવો અને નવા માનવો ક્યાં ઓછા છે ? એમની વીરગાથાઓ ક્યાં ઓછી છે ?”
‘બિલકુલ નવો વિચાર છે. અરે, આ વિચારના પ્રચાર સાથે વૈશાલીની નવીનતા ને આધુનિકતા ખૂબ જ પ્રશંસાપાત્ર ઠરશે.’ લોકોએ મુનિના વિચારને વધાવી લીધો.
‘વૈશાલીનો પ્રત્યેક માનવ દેવનું બીજું સ્વરૂપ છે, કાલ્પનિક મેનકા અને ઉર્વશીઓનાં રૂપની પ્રશંસાની શી જરૂર છે ? વૈશાલીની અનેક નારીઓ દેવીઓની સમકક્ષ છે. એનામાં શું નથી ? રૂ૫, તેજ , પ્રેરણા બધું છે. આ પ્રતિમાઓને સ્થાને નવી પ્રતિમાઓ મૂકવી પડશે.’ મુનિએ આટલા શબ્દો કહ્યા ને ચારે તરફથી ધન્ય ધન્યના પોકારો જાગ્યા. દુનિયામાં સહુથી મીઠામાં મીઠી વસ્તુ આપપ્રશંસા છે.
જૂનાં દેવળો તજી દો અને નવાં ઊભાં કરો.” યોદ્ધાઓના વર્તુળમાંથી અવાજ આવ્યો. | ‘અમે આજે અહીંથી જ એનો પ્રારંભ કરવા માગીએ છીએ.’ એક સામંતે કહ્યું ને એની પાછળ એ વાતનું સમર્થન કરવા અનેક અવાજો આવ્યા.
‘જરા શાંત થાઓ. થોડો વખત વિચાર કરો. સંથાગારને નિર્ણય લેવા છે.” મુનિએ વચ્ચે કહ્યું, ‘ગણતંત્ર એની પ્રણાલિકા તજીને કામ કરે એમ હું ઇચ્છતો નથી.’
‘તો આવતી કાલે સંથાગારમાં સભાને આમંત્રો !' ગણપતિદેવ નામના એક વૃદ્ધ સામંતે કહ્યું. એ વીરત્વની મૂર્તિ હતો. એણે અનેક યુદ્ધોમાં આગળ પડતો ભાગ લીધો હતો. એનો આખો દેહ રૂઝાયેલા ઘાનાં ચિહ્નોથી શોભતો હતો. | ‘અમે ગણપતિદેવની પ્રતિમાની સ્થાપના કરવા માટે પહેલો પ્રસ્તાવ મૂકીશું. વૈશાલીની વીરશ્રીનું એ પ્રતીક છે.' સુમિત્રસેન નામના સેનાપતિએ કહ્યું.
‘વીરશ્રી તો સ્ત્રી હોય. એ માટે દેવી આમ્રપાલીની પ્રતિમા મુકાવી જોઈએ.” સ્ત્રીવર્ગમાંથી એક અવાજ આવ્યો.
અને દેવી ચેલા...?”
‘ કોણ, મગધની મહારાણી ચેલા ? અજાતશત્રુની માતા ? ભલે એ વૈશાલીના ગણનાયકની પુત્રી હોય, તેથી શું ? સાવ જુનવાણી ! દેવી આમ્રપાલી જેવો આત્મભાવ કોનો છે ?'
અને પછી આવા આવા અનેક અભિપ્રાયો પ્રગટ થવા લાગ્યા. ધીરે ધીરે કોલાહલ વધતો ચાલ્યો. કોઈ કોઈની પ્રતિમા મૂકવાનું કહે, તો કોઈ કોઈની.
આખરે મુનિ વેલાકુલે આ બધાનો નિવેડો આણતાં કહ્યું, ‘આ પ્રકારની મનોદશા યોગ્ય નથી. આપણે ગણતંત્રનાં પ્રજાજનો છીએ, ગણતંત્ર મહાન વસ્તુ છે. એની છંદશલાકા (મત લેવાની સળી) મહાન છે. એનું સંથાગાર મહાન છે, એની સન્નિપાતસભા મહાન છે. એને નિર્ણય લેવા દો. એ માટે તમે તમારી પ્રજ્ઞા અને બળ વાપરો. પહેલા જ પ્રસ્તાવે જૂના દેવો જવા જોઈએ, જૂનાં દેવસ્થાનો ને સ્તૂપો જવાં જોઈએ. નવી પ્રતિમાઓ માટે પછી વિચારીશું.” પછી કેવી રીતે વિચાર થશે ?'
જૂના દેવ ગયા ! | 241