________________
ધનદત્ત શેઠે પત્ની સાથે પણ આ વાતની ચર્ચા કરી જોઈ, મહાઅમાત્ય અભયની પણ સલાહ લઈ લીધી; અને એક સારા દિવસે ને શુભ મુહૂર્તે મેતાર્યને પ્રસ્થાન કરાવ્યું. સાથે જલમાર્ગ ને સ્થળમાર્ગોના જાણકાર ભોમિયા આપ્યા. મહાઅમાત્ય અભયે નાનું એવું સૈન્ય આપ્યું; ને દેશપરદેશની પોતાની પેઢીના નિરીક્ષણના બહાને કુમાર મેતાર્ય પ્રવાસે નીકળ્યો. એ વિદાયનો દિવસ અપૂર્વ હતો.
કુમાર મેતાર્ય પ્રવાસ કરતો કરતો દેશદેશ ભ્રમણ કરવા લાગ્યો. એ જે નગરને પાદર પોતાનો પડાવ નાખતો ત્યાં નાનું એવું નગર વસી જતું. વ્યાપાર-વણજની ધમાલ મચી રહેતી; અને માલની આપલેમાં આખો દિવસ પૂરો થઈ જતો. રાત્રે મુલાકાતો ચાલતી. અનેક શ્રેષ્ઠીઓ આવા સુંદર, વ્યવહારચતુર, લોકમાન્ય ને રાજ માન્ય યુવાનને પોતાની એ કાદ પુત્રી આપી સંબંધ વધુ ગાઢ કરવા ઇચ્છતા હતા, તેઓ હિંમતથી કુમારની સામે પોતાની વિનંતી રજૂ કરતા; પણ કુમાર કંઈ જવાબ ન વાળતો.
કુમારના સાથીદારો ને હિતસ્વીઓને આ વાત ન રુચતી. તેઓ કોઈક વાર હિંમતપૂર્વક સલાહ આપતા :
કુમાર, આપણો પ્રવાસ કેવલ ધનલક્ષમી માટે નથી, કુળલમી માટે પણ છે. અર્થ-કામની પ્રાપ્તિનું આ જીવન છે. ચતુર વ્યવહારીઆ કોઈ દિવસ આવી માગણીઓ સામે નિરુત્તર રહેતા નથી, ગૃહવાસમાં એકએકના રૂપને ભુલાવે તેવી લલનાઓ ઊભરાતી ન હોય તો આ અનર્ગળ ધનવૈભવનો અર્થ શો ? દેશદેશની, વિવિધ દેહશોભાવાળી, રૂપમાં દેવાંગના સમી સ્ત્રીઓ તો કુશળ વ્યવહારીઓની શોભા છે. અર્થ અને કામની પ્રાપ્તિ માટેનો આ પ્રવાસ એમ ને એમ નિરર્થક જવા દેશો મા !”
તમારી સલાહ સાચી છે. એવી માગણીઓનો જેમ તિરસ્કાર હું ન કરી શકું, તેમ સ્વીકાર પણ કરી શકતો નથી. પ્રવાસનું મારું દૃષ્ટિબિંદુ ભિન્ન પ્રકારનું છે. આ માગણીઓનો પ્રત્યુત્તર રાજગૃહીમાં પાછા ફર્યા બાદ જ અપાશે.”
પણ આપણા સંબંધો આ રીતના જવાબથી ફાલતા-ફૂલતા અટકશે. કુમાર, તમે કદાચ નહિ જાણતા હો, કે દેશદેશની અનેક કન્યાઓ પરણી લાવવાના આપણા રિવાજ પાછળ અત્યંત ગંભીર રહસ્ય છુપાયેલું છે. આપણો વેપાર વિશ્વાસનો છે અને આપણો અંગનો માણસ જ વિશ્વાસુ રહી શકે. આ કન્યાના પાણિગ્રહણથી આપણે આટલા દૂર દેશાવરમાં વગર પ્રયત્ન આપણું એક અંગ ઊભું કરીએ છીએ અને એ રીતે અંગસંબંધથી બંધાયેલા સહુ કોઈ આપણી પીઠ પાછળ પણ આપણા હિતમાં જ વર્તવાના.”
અને આપણા અહિતમાં વર્તે તો આપણે એ કન્યાઓ પર જુલમ ગુજારી તેમની શાન ઠેકાણે આણવાની, એમ ને ?” કુમાર ઊંડા રહસ્યમાં ઊતર્યો.
96 D સંસારસેતુ
હિતસ્વીઓ જવાબ ન દઈ શક્યા, પણ તેઓ એટલું બોલ્યા :
“એવું બન્યાના દાખલા આપણે ત્યાં નથી, બધે એવા સંબંધોએ અનેક લાભ કરી આપેલા છે.”
આ ચર્ચા આટલેથી અટકતી, પણ કુમાર તો કન્યાનું કહેણ મૂકવા આવનારને શાન્તિથી ઉપરનો જ જવાબ વાળતો.
અર્થ-કામની પ્રાપ્તિ માટે નીકળેલ કુમાર મેતાર્ય આલંભિકા, સ્વેતાંબિકા, વારાણસી, મિથિલા ને વિશાલા વગેરે પ્રદેશોમાં ફરતો ફરતો આગળ વધતો હતો. ત્યાં અચાનક એને કૌશાંબીના રાજા શતાનિકનું તેડું આવ્યું. મોટા અરબી અશ્વ પર. આરૂઢ થયેલો સંદેશવાહક ઊગતે પ્રભાતે હાજર થયો ને તેણે નમ્રતા પૂર્વક કહ્યું :
રાજ ગૃહીના સર્વશ્રેષ્ઠ વ્યાવહારિકને કૌશાંબી-પતિ મહારાજ શતાનિક અને મહારાણી મૃગાવતી સહર્ષ સાદર આમંત્રે છે.”
“કૌશાંબીપતિની સેવામાં અમો સહર્ષ ઉપસ્થિત થઈશું ને એ પળને અમે અમારા જીવનની ધન્ય પળ સમજીશું.” કુમારે જવાબ વાળ્યો.
મેતાર્યનો વિવેકભરેલો પ્રત્યુત્તર સંદેશવાહકે કૌશાંબીપતિને જઈને કહ્યો. બીજે દિવસે વાજતેગાજતે મેતાર્યનો નગરપ્રવેશ થયો. મહારાજ શતાનિકે આ વિખ્યાત વ્યાવહારિકને અત્યંત માન આપ્યું. મેતાર્ય પણ અમૂલ્ય મણિ, મોતી ને ધનકર્તકની ભેટ ધરી, મહારાણી મૃગાવતીએ પણ પોતાના અંતઃપુરમાં રખા કુમાર વ્યાવહારિકને તેડાવ્યો ને તેની પાસે પોતાની બેન ચલ્લણાના કુશળવર્તમાન પૂછવા.
‘આપ મહારાજ ચેટકનાં પુત્રી ? જ્ઞાતપુત્રનાં ઉપાસિકા ?”
હા, યુવાન વ્યાવહારિક, મારી બેન સુજ્યેષ્ઠાએ તો વૈરાગ્યભાવ સ્વીકાર્યો. વારુ, રાણી ચેલ્લણા પર મગધરાજનો કેવો ભાવ છે ?'
“કમળ ઉપર ભમર જેવો !” ચતુર મેતાર્યો દ્વિઅર્થી વાક્ય કહ્યું.
ચલ્લણાને બોલાવવાનું ઘણું મન થાય છે, પણ આ રાજ કાજ ! એમાં કાવતરાં, દગો, વિશ્વાસઘાત ડગલે ને પગલે ભર્યા છે ! મેતાર્યકુમાર, થોડા દિવસો પહેલાં મેં મારી બેન ધારિણીને તેડું મોકલ્યું હતું; પણ પછી ન જાણે શું થયું ? ધારિણી તો ન આવી, પણ અમારું સૈન્ય ત્યાં ગયું. ચંપાનગરી ૨ણમાં રોળાઈ. મારી બેનનો સૌભાગ્યતિલક ભૂંસાયો, ને બેન-ભાણેજનો કંઈ પત્તો જ નથી !”
“જર, જમીન ને જોરુ, ત્રણે કજિયાનાં છોરુ” એ શાસ્ત્રની વાત સાચી છે, રાણીજી !
“ના, ના, કુમાર મેતાર્ય ! ત્યાં તું ભૂલે છે. જ્ઞાતપુત્રનું તો કહેવું છે કે કજિયાનું મૂળ માનવી પોતે છે, કજિયાનું કારણ માણસનું મન છે અને મન આ બધું મેળવવા ઘેલું છે. અરેરે, સાતપુત્ર !” રાણી મૃગાવતીએ પુનઃ લાંબો નિસાસો નાખ્યો.
ધરતી અને મેઘ 97