________________
6
અજબ પુરુષ
સાર્થવાહને દેવદત્તા ગણિકાના આવાસનો દ્વારદીપક બતાવીને નાવિક પાછો ફર્યો, ત્યારે રાતનો પ્રથમ પ્રહર સમાપ્ત થઈ ગયો હતો. થોડે દૂર આવેલા પાનગારમાં હજી હોહા સંભાળતી હતી; અને મિંદરાના ઘેનમાં ડોલતાં કેટલાંય સ્ત્રીપુરુષો ત્યાં અવરજવર કરતાં હતાં. એમના વેશ વિચિત્ર હતા ને વૈશીય વિચિત્ર એમનાં ચેષ્ટા અને હાવભાવ હતાં. કોઈ મૂછાળો મર્દ પોતાની સાથેની માનુનીનું ઉત્તરીય ઓઢીને સ્ત્રી જેવી ચેષ્ટા કરતો જતો દેખાતો, તો કોઈ સ્ત્રી માથે મોટી ઉષ્ણીષ પહેરી મોંમાંથી દુર્ગંધની વર્ષા કરતી જતી જોવાતી.
એ બધાંના મોંમાંથી છૂટતી દુર્ગંધ તો એમની ભાષા, ભૂષા ને ચેષ્ટા કરતાંય અસહ્ય હતી. આ યુવાન સાર્થવાહને એક વાર તો આવે સ્થળે આવવા માટે કંટાળો આવી ગયો. આ લોકો પ્રત્યે ઘૃણા કરવી કે દયા દાખવવી એની એને કંઈ સૂઝ ન પડી. એ વેગથી આગળ વધ્યો.
દેવદત્તાના આવાસ નજીક આવતાં જાણે કોઈ નવીન અનુભવ થતો હોય તેમ હવા મીઠી ને સુગંધભરી વહેતી લાગી. ચારે તરફનું વાતાવરણ પ્રશાન્ત અને ઉલ્લાસભર્યું થતું ભાસ્યું. આવાસના ઊંડા ઊંડા ખંડોમાંથી ધીરો ધીરો નૃત્યઝંકાર, વાઘોનો સુરીલો સ્વર ને ગાનારીઓની કંઠમાધુરી મૃદુ મૃદુ રીતે શ્રવણપટને સ્પર્શવા લાગ્યાં.
“શ્રીમાન્ સાર્થપતિ, આ વિનમ્ર દાસી આપનું સ્વાગત કરે છે. પધારો ને આ આવાસને શોભાવો !” દ્વાર પર ઊભેલી એક સુંદર દાસીએ યુવાન સાર્થવાહનું સ્વાગત કર્યું.
સાર્થવાહે સહેજ ઊંચે જોઈ, મસ્તક નમાવી, દાસીનું સ્વાગત સ્વીકાર્યું અને
પોતાના કમરબંધમાંથી કેટલીક મુદ્રાઓ કાઢી દાસીના હાથમાં મૂકી. સાથે સાથે પોતાનો એક બાજુબંધ છોડીને તેને ભેટ આપ્યો.
દાસી વિમાસણમાં પડી ગઈ. એની લાંબી પલકો અને નાના કોમળ હોઠ ચંચળ થઈ ગયાં. એ મુખ મલકાવતી યુવાન તરફ નીરખી રહી. પણ આ યુવાનની દૃષ્ટિ દાસીના સુંદર દેહ પર નહોતી; એ તો સ્વરોની દિશા તરફ જોઈ રહ્યો હતો. આ દીપકદ્વાર નીચેથી નાનામોટા કેટલાય માનવીઓ આવ્યા-ગયા હતા. એમાંના અનેક ઉદાર હતા, અનેક શ્રીમંત હતા, અનેક રૂપસુંદર હતા, પણ પહેલી જ પળે સૌન્દર્ય તરફની આટલી બેપરવાઈ, ધન આપવાની આટલી ઉદારતા દાસીએ બહુ ઓછામાં જોઈ હતી.
પાંગરતી તરુણાવસ્થા હતી, તોય આ સાર્થવાહનું આખું શરીર અત્યંત સુગઠિત હતું. રક્તવર્ણા એના દેહ પર પૌરુષની આકર્ષક આભા વિરાજતી હતી. એનું મસ્તક વિશાળ હતું, કેશ કાળાભમ્મર હતા અને આંખો તો વીજળીના ઝબકારા જેવી તેજ-વેરતી હતી. લાંબા હાથ આજાનબાહુ લાગતા હતા. મોહરાજ્યમાં વસી વીને નિર્મોહી બનેલી દાસીને પણ ક્ષણમાત્રમાં આ યુવાનની યુવાની પ્રત્યે માયા જાગી.
સાર્થવાહને દોરતી દોરતી દાસી આવાસના એક ખંડમાં આવી પહોંચી. આ ખંડનું એક દ્વાર નૃત્યવાળા ખંડમાં પડતું હતું. આ ખંડ નૃત્ય કરનારી સ્ત્રીઓને વેશભૂષા સજવા માટે રાખવામાં આવ્યો હતો. નૃત્યખંડમાં દેવદત્તા પોતાની ચાર નર્તકીઓ સાથે નાગનૃત્ય કરી રહી હતી.
દાસીએ અર્ધખુલ્લા દ્વારમાંથી સંકેત કરતાં કહ્યું : “મહાશય, પેલી વંસવીણા વગાડતી ચાર સ્ત્રીઓની વચ્ચે, દેહના ટુકડા કરી નાખ્યા હોય એમ, અર્ધી જમીન પર ને અર્ધી ઊંચી ઝૂમતી રહી નૃત્ય કરી રહેલી મારી સ્વામિની દેવદત્તા ! પૃથ્વી પરની પદ્મિની, સ્વર્ગમાં વસતી કોઈ પરી અને પાતાળની કોઈ પણ માયાવિની કરતાં એ વધુ સુંદર લાગે છે ને !”
“આ જ તારી સ્વામિની દેવદત્તા ?” સાર્થવાહે શબ્દ ઉપર જરાક ભાર આપતાં પૂછ્યું.
“હા, એ જ દેવદત્તા ! મગધની એકમાત્ર સુંદરી ! મહાશય, એનો સ્પર્શ પારિજાતક પુષ્પથીય કોમળ છે,” જાણે દાસી યુવાનને કામદેવના પ્રાસાદનાં પગથિયાં બતાવતી હતી.
“પુષ્પથીય કોમળ !” યુવાન હસ્યો. જાણે આ ઉપમા એને હસવા જેવી લાગી.
ચંચળ રીતે ફરી રહેલાં એનાં નેત્રો દેવદત્તાનાં અંગભંગ પર સ્તબ્ધ ન થઈ શક્યાં. એ તો રંગસભાના પુરુષો તરફ જ નીરખી રહ્યો હતો. અજબ પુરુષ – 37