________________
આ પ્રચંડ સ્વર માતંગનો હતો. આ સ્વર સાંભળી મરતો મરતો રોહિણેયનો દાદો એક વાર બિછાનામાં બેઠો થઈ ગયો. દાઢીમૂછના કાતરા ઠીકઠાક કરતો એ મોટા ડોળા ફેરવવા લાગ્યો. શ્વાસની ધમણ વધતી હતી. બધાં માણસો પણ બે ભાગમાં વહેંચાઈ ગયાં.
વાતાવરણ ઉગ્ર બન્યું. સામસામાં હથિયારો નીકળી પડે તેવી ક્ષણ હતી ! અને પછી ઉશ્કેરાયેલું આ ટોળું રક્તપાત વિના શાંત નહીં થવાનું.
જુવાન રોહિણેય દાદાના મૃત્યુના શોકમાં નીચું માથું કરીને અત્યાર સુધી ખાટલા પાસે શાન્ત ઊભો હતો. એણે સમય જોયો. હાથીના ગંડસ્થળ જેવા પોતાના મસ્તકને એણે ઊંચું કર્યું; આંખના ખૂણા પરનાં બે આંસુને લૂછી નાખ્યાં, ને એ વચ્ચે આવી ઊભો.
ભાઈઓ, શાન્ત થાઓ ! અત્યારે પૂજ્ય દાદાની આ ક્ષણે આપણને આમ વર્તવું ન શોભે !''
ટોળું એકદમ શાન્ત બની ગયું.
રોહિણેય વૃદ્ધ દાદાની પાસે ગયો. એમના શરીરને એણે બે બાહુ વચ્ચે લઈને ધીરેથી પથારીમાં સુવાડવું, અને દાદાના ચરણ પાસે ઊભો રહી બોલ્યો :
દાદા, ઓ આખો સમૂહ તમે મને સોંપતા જાઓ છો ને ? દાદાજી, શાન્ત થાઓ ! જીવનની આ અંતિમ પળે શા માટે અકારણ ક્રોધ કરો છો ? આ પલ્લી, આ આખું જૂથ, આ ધનમાલનો માલિક તો તમે મને જ ઠરાવ્યો છે ને ?”
હા બેટા !''
તો મને જ પ્રતિજ્ઞા આપો ને ! અને એ રીતે આપ મને પલ્લીપતિ તરીકેનો અભિષેક કર ! આ બધાની વતી હું જ આપની પાસે પ્રતિજ્ઞા સ્વીકારું, એ જ ઉચિત છે. દાદાજી, મારા ડહાપણમાં ને બાહુબળમાં તો આપને વિશ્વાસ છે ને ?” - “મારો રોહિણેય તો લાખોમાં એક છે !"
તો દાદા, આપો મને પ્રતિજ્ઞા ! આપના ચરણને સ્પર્શ કરીને અંજલિ જોડું હું : જીવ અને જાતને સાટે !”
બેટા, ભૂલેચૂકે પણ એ જ્ઞાતપુત્રનાં દર્શન કરીશ નહિ. કદાચ દર્શન થઈ જાય તો એનો એક પણ શબ્દ શ્રવણ કરીશ નહિ. એનું દર્શન-શ્રવણ આપણને અધોગતિએ લઈ જનારું, ધંધોધાપો ભુલાવનારું અને માયાજાળ પ્રસારનારું છે.”
“દાદાજી, ઇષ્ટદેવની સાખે, આટલા મારા શુરવીર સાથીદારો અને પલ્લીજનોની સાખે હું પ્રતિજ્ઞા કરું છું કે, એ જ્ઞાતપુત્રનાં દર્શન કે એની વાણીનું શ્રવણ નહીં કરું ! બીજા કરતા હશે તો એમને એમ કરતા અટકાવવા યત્ન કરીશ. અને એ રીતે આપે
32 D સંસારસેતુ
સોંપેલ આ પલ્લી, આ પલ્લીની શોભા અને આપની કીર્તિને ચોગુણી વધારીશ !”
શાબાશ બેટા રોહિણેય ! મારી શિક્ષા આજે ફળી. તારો પિતા તો તારા જન્મ પછી તને જોવા લાંબો વખત ન જીવ્યો. તારી મા પણ ન જીવી, પણ બેટા, આજ મારા જીવને શાન્તિ થઈ. હવે મારો વિદાયનો વખત નજીક આવતો જાય છે. સહુને છેલ્લા જુહાર છે !”
અને એ વૃદ્ધ તદ્દન શાન્ત થઈ લાંબી સોડ તાણી પડખું ફેરવીને સુઈ ગયો. બધાં ચારે તરફ વીંટળાઈ વળ્યાં. વૃદ્ધની એક એક નસ તૂટી રહી હતી. શરીરનું દૈવત ધીરે ધીરે ઓછું થઈ રહ્યું હતું.
મોતની પળ તો મીઠાશની હોય, માતંગને લાગ્યું કે પોતે જરા ઉતાવળ કરી. અને જો આ જુવાન રોહિણેયે વિવેકબુદ્ધિ ને સમયસૂચકતા ન વાપરી હોત તો આજે જ અહીં રણમેદાન જામી ગયું હોત ! માતંગને રોહિણેય તરફ માનબુદ્ધિ જાગતી ચાલી. એ ધીરેથી વૃદ્ધના ખાટલા નજીક ગયો, મરતા જીવને શાતા આપવાનો કોઈ માનવધર્મ એને હાકલ કરી રહ્યો હતો. એ લાગણીભર્યા સ્વરે બોલ્યો :
“દાદા, શાન્તિ રાખજો. હવે આ લોકની મમતા છોડી ઇષ્ટદેવમાં ધ્યાન જોડી દેજો ! રોહિણેય જેવો તમારો એવો અમારો ! એની ચિંતા ન કરશો.”
માતંગના આ શબ્દોએ દાદાના મોં પર એક આછું હાસ્ય જગાવ્યું. પણ એ હાસ્ય છેલ્લું હતું. જીવનભરનો જોદ્ધો છેલ્લી ઊંઘમાં પોઢી ગયો. રોહિણેયના આક્રંદથી આખી પલ્લી ગાજી ઊઠી. તસતસતી યુવાનીવાળા રોહિણેયને વૃદ્ધ દાદાનો વિયોગ ક્ષણભરને માટે બેબાકળો બનાવી રહ્યો.
સહુએ એકઠા મળીને દાદાનો ઉત્તરસંસ્કાર કર્યો.
દુ:ખનું ઓસડ દહાડા ! ધીરે ધીરે વખત જતો ચાલ્યો તેમ તેમ ગમગીની ઓછી થતી ચાલી.
રોહિણેય હવે પોતાના ધંધાના પ્રસ્થાન માટે તૈયારી કરી રહ્યો હતો. એને કોઈ અજબ પરાક્રમ કરવાની તાલાવેલી લાગી હતી. પણ ઘણા દિવસથી એને દેશની કોઈ માહિતી મળી નહોતી. વૈભાર પર્વતની ગિરિમાળાઓ અભેદ્ય હતી, અને એથીય અભેધ હતી એની કિલ્લેબંધી ! એ તરફના માર્ગ ઉજજ ડે હતા. સાર્થવાહો ત્યાંથી કદી નીકળતા નહિ, અને નીકળતા તો સહીસલામત ભાગ્યે જ પહોંચતા. એમને પણ આ વનના બેતાજ બાદશાહોને નજરાણું ધરવું પડતું. રાજા બિમ્બિસારના અનેક યોદ્ધાઓ પણ અહીં આવી જીવ જોખમમાં મૂકી નાસી છૂટેલા.
આટઆટલી કિલ્લેબંધી છતાં રોહિણેયને ઓછી ચિંતા નહોતી. એક પણ લૂંટ કે એક પણ ધાડ પાડતાં પહેલાં એને રાજ્યના બધા સમાચારોથી વાકેફ બનવું પડતું. નવા સમાચારો માટે આજે એ એકલો જ બહાર નીકળવાનો હતો. એની આખી
રોહિણેય 33