________________
મરવાનો કંઈ અર્થ નથી. પરાક્રમ મરવામાં નથી, જીવીને કર્તવ્ય પૂરું કરવામાં છે.’ શ્રીકૃષ્ણે પોતાનો વ્યૂહ કહ્યો.
અમે પીછેહઠ માટે મંજૂરી આપતા નથી.' યાદવ સત્રાજિતે ઊભા થઈને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો ‘અમે જાણીએ છીએ કે કૃષ્ણ તાજાં લગ્ન કર્યાં છે; એનાથી લડાશે નહિ; અને જીવ વહાલો થઈ ગયો છે.'
‘આપ ખાતરી રાખો કે હું તો અહીં જ રહેવાનો છું.’ શ્રીકૃષ્ણે એક મહારથી નેતાને છાજે તે રીતે જરા પણ ગુસ્સે થયા વગર ગંભીરતાથી કહ્યું.
‘અહીં રહીને શું કરશો ?' યાદવ સત્રાજિતે પૂછ્યું,
સત્રાજિત યાદવની ખ્યાતિ બે રીતે હતી : એક તો એની પાસે સ્યમંતક નામનો મણિ હતો; ને બીજી, મણિના તેજને ઝાંખું પાડે તેવી સત્યા નામની પુત્રી હતી. એ મણિ અને પુત્રી માટે દરેક યાદવ તલસતો હતો.
બધા રાજા પાછા ફરશે, પણ કાલયવન તો આપણને ભરખી જવા આવ્યો છે, એટલે એ પાછો નહિ જાય. એને પાછો કાઢવાની વેતરણ મારે કરવી પડશે.’ શ્રીકૃષ્ણે એ જ ધૈર્યથી કહ્યું.
એટલે તમે એકલા એ કામ કરશો ?'
‘હા. યાદવસભા મંજૂરી આપે તો.’
‘કેવી રીતે કરશો ?’ સત્રાજિતના વાદે બીજા યાદવો પણ પ્રશ્નોત્તરીમાં રસ લઈ રહ્યા.
‘એ વાત અત્યારે ન પૂછો તો સારું. યુદ્ધ ચર્ચાનું મેદાન નથી. યુદ્ધની કેટલીક રીતો ગોપનીય હોય છે.'
ન પૂછીએ, પણ જે વાત તમામ યાદવો એકત્ર થઈને નથી કરી શકતા એ તમે એકલા કરી શકશો એવો વિશ્વાસ કેવી રીતે બેસે ?’ એક યાદવે પ્રશ્ન કર્યો.
‘આખું સૈન્ય જે કામ નથી કરી શકતું, એ મુત્સદીની એક આંગળી કરી શકે છે.' બલરામે જવાબ વાળ્યો.
‘યાદવોમાં મુસદ્દીવટ માત્ર નમૂછીઓ પાસે જ રહી ગઈ લાગે છે !' સત્રાજિતે કટાક્ષમાં કહ્યું.
‘બહારનું યુદ્ધ સામે ખડું હોય ત્યારે હું ઘરનું યુદ્ધ જગાવવા માગતો નથી. યાદવમાત્ર મારો બંધુ છે, મને એક વાર આટલી તક આપો.'
‘શાબાશ કૃષ્ણ ! નેતૃત્વ માટે જ તારો જન્મ થયેલો લાગે છે.' રાજા સમુદ્રવિજયે કહ્યું, ‘તું સ્વયંસિદ્ધ નેતા છે. મારી ઇચ્છા છે કે યાદવમાત્ર એના ચીંધેલા રાહે ચાલે. 144 D પ્રેમાવતાર
કૃષ્ણ ! સૂચના આપો સહુને.’
શ્રીકૃષ્ણ બોલ્યા, ‘તમામ યાદવોએ આ દેશ તાકીદે છોડી દેવો, પછી શત્રુઓના ઘોડાઓ ભલે યાદવોની નિરર્થક શોધમાં આથડી આથડીને થાકી જાય.
‘તો કયા દેશમાં યાદવોએ જવું ? યાદવો તો ધરતીવિહોણા છે.'
‘એ દેશમાં જવું, જ્યાં સમુદ્ર આપણી રક્ષા કરતો હોય; જ્યાંનાં માનવી આપણને આદર-માન આપતાં હોય; જ્યાંના પર્વતો આપણને કિલ્લેબંધીની ખોટ પૂરી પાડતા હોય. યાદ રાખો, સિંહોને અને શૂરાઓને સ્વદેશ હોતો નથી, એ તો જ્યાં સંચરે છે ત્યાં સ્વદેશ રચીને રહે છે !'
અને સૌએ શ્રીકૃષ્ણની વાત સ્વીકારી લીધી. આકાશમાંથી વાદળ સરી જાય એમ યાદવો ઉત્તર આર્યાવર્તની ધરતી છોડીને સરી ગયા.
વતનનો ત્યાગ – 145