________________
તેમના સંખ્યાબંધ વાર્તાસંગ્રહોમાં ‘માદરે વતન’, ‘કંચન અને કામિની', યાદવાસ્થળી’, ‘પારકા ઘરની લક્ષ્મી’, ‘પ્રેમપંથ પાવકની જ્વાલા’, ‘શૂલી પર સેજ હમારી’ વગેરે સંગ્રહો ધ્યાનપાત્ર છે. જેમાંની ઉત્કૃષ્ટ વાર્તાઓનો સંચય હવે પ્રસિદ્ધ થઈ રહ્યો છે. તેમની ટૂંકી વાર્તા લખવાની પદ્ધતિ સીધી, સચોટ અને કથનપ્રધાન હોય છે.
વાર્તાકાર તરીકેની તેમની બીજી વિશિષ્ટતા જૂની પંચતંત્ર શૈલીમાં તેમણે લખેલી જૈન, બૌદ્ધ અને હિંદુ ધર્મની પ્રાણીકથાઓમાં પ્રતીત થાય છે. દીપક શ્રેણી અને રત્નશ્રેણી પણ લોકપ્રિય થયેલી છે. જથ્થો અને ગુણવત્તા બંનેમાં ‘જયભિખુ’નું બાળસાહિત્યક્ષેત્રે પ્રદાન માતબર છે. સચોટ સંવાદો, સુંદર તખ્તાલાયકી અને ઉચ્ચ ભાવનાદર્શનને કારણે એમણે લખેલાં નાટકો રેડિયો અને રંગભૂમિ ઉપર સફળ પ્રયોગ પામેલ છે.
તેમણે શ્રમણ ભગવાન મહાવીરનું ‘નિગ્રંથ ભગવાન મહાવીર’ નામનું ચરિત્ર આપેલું છે. શૈલીની સરળતા, વિગતોની પ્રમાણભૂતતા અને વસ્તુની ભવ્યોદાત્ત પ્રેર તાને કારણે એ કૃતિ ઉચ્ચ કોટિની સાહિત્યિક પ્રતિષ્ઠા પામેલી છે. જયભિખ્ખના વિપુલ સાહિત્યસર્જનમાંથી ચયન કરીને એમનું ઉત્કૃષ્ટ સાહિત્ય નવા રૂપે પ્રકાશિત થાય છે, તેનો આનંદ છે.
ધર્મ જીવનવ્યાપી હવા છે, તેને કલાની મોરલીમાંથી ફૂંકવાની ફાવટ બહુ થોડા લેખકોમાં હોય છે. ‘જયભિખુ' એ કાર્ય પ્રશસ્ય રીતે બજાવી શક્યા હતા. અનેક સાંપ્રદાયિક સંકેતોને તેમણે પોતાની સૂઝથી બુદ્ધિગમ્ય બનાવી આપ્યા છે. ધર્મકથાના ખોખામાંથી લેખકની દીપ્તિમંત સૌષ્ઠવભરી કલ્પના વૃત્તિઓના સંઘર્ષથી ભરપૂર પ્રાણવંતી વાર્તા સર્જે છે અને વિવિધરંગી પાત્રસૃષ્ટિ ઊભી કરે છે. આપણું ધર્મકથાસાહિત્ય પ્રેરક અને રસિક નવલકથા માટે કેટલા મોટા પ્રમાણમાં કાચો માલ આપી શકે તેમ છે તેનું નિદર્શન મુનશીની નવલકથાઓની માફક જયભિખુની પૌરાણિક નવલકથાઓ પણ કરી રહી છે.
‘જયભિખુનું વ્યક્તિત્વ લોહચુંબક જેવું અને સ્વભાવ ટેકીલો હતાં. તે નર્મદની પરંપરાના લેખક હતા. વારસામાં મળતી પૈતૃક સંપત્તિ ન લેવી, નોકરી ન કરવી અને લેખનકાર્યમાંથી જે મળે તેમાંથી ગુજરાન ચલાવવું એ નિર્ણયો તેમણે એ જમાનામાં
જ્યારે લેખકનાં લેખ કે વાર્તાને પુરસ્કાર આપવાની પ્રથા બંધાઈ ન હતી ત્યારે ક્ય હતા. સાહસ, ઝિંદાદિલી, નેકી અને વફાદારીની વાતો એમની પાસેથી કદી ખૂટે નહિ. તેમના વ્યક્તિત્વમાં પણ એ ગુણો હોવાથી તેમનું સ્નેહી વર્તુળ મોટું હતું. તેમનો સ્વભાવ પરગજુ હતો. દુખિયાંનાં આંસુ લૂછવામાં તેમને આનંદ આવતો. માનવતાના હામી જયભિખુ સમર્થ સાહિત્યકાર હતા પણ વ્યક્તિ તરીકે સવાઈ સાહિત્યકાર હતા. ૨૦૦૮
- ધીરુભાઈ ઠાકર
પ્રાકથન દ્વાપર અને કલિયુગના સાંધિકાળની આ વાત છે. દેશની અને આત્માની આઝાદીની આ કથા છે.
સ્વર્ગમાંથી આવેલા દેવો યાદવકુળમાં જન્મ લેતા. યાદવકુળ દેવકુળ હતું. અન્ય જાતિઓની જેમ યાદવકુળનો ઇતિહાસ ભવ્યતાથી ભરેલો ભારતવર્ષનો ઇતિવૃત્ત છે.
પૃથ્વી, પાણી, વાયુ વગેરે પંચ ભૂત વર્તમાન હોવા છતાં, આત્મા વગર જેમ ફ્લેવર નકામું પડ્યું રહે છે તેમ યાદવોનો મહાન સમુદાય નેતા વગરનો નિ»ણ હતો. રામરાજ્યના પ્રવર્તક રાજા રામચંદ્રના કાળમાં યાદવોની જાહોજલાલી હતી, પણ પછી યાદવરાજાઓની ચડતી અને યાદવપ્રજાની પડતીના શ્રીગણેશ મંડાયા હતા. યાદવગણને ઉદાર નેતા ખપતો હતો, મહાન ચિંતક જોઈતો હતો, કોઈ ત્યાગમૂર્તિની આવશ્યકતા હતી. આ ત્રિમૂર્તિ વિના સુરાજ્યના પાયા સ્થિર થાય તેમ નહોતા.
યાદવો આર્યાવર્તના મહાન પ્રદેશો પર યત્રતત્ર વિખરાયેલા હતા. એ વખતે શુરસેન કહેવાતા મથુરાથી ગુજરાત સુધીનો પ્રદેશ પર કેટલાક યાદવો નાનાંમોટાં રાજ્યો વસાવીને વસતા હતા..
યમુનાના દક્ષિણ પ્રવાહ પર આવેલા ચેદિ દેશ - આજે જેને બુંદેલખંડ કહે છે, કેટલાક ત્યાં પણ રહેતાં હતાં; અવન્તિ અને દશાર્ણ -માલવાનો આજનો પૂર્વ ને પશ્ચિમ ભાગ-ત્યાં પણ યાદવો પોતાનું વર્ચસ્વ ધરાવતા, દશાર્ણા (આજની ધસાન) એ વખતની પ્રસિદ્ધ નદી હતી. માલવાની દક્ષિણમાં આવેલ વિદર્ભ દેશ-જેને વરાડ કહે છે, ત્યાં પણ યાદવ હોત્રનાં ગોડાં ફરતાં.
નર્મદા નદીના એક બેટ પર આવેલી માહિષ્મતી નગરી યાદવોની પ્રસિદ્ધ નગરી હતી, પણ આજ તો ત્યાંના તેજ પ્રભાહીન યાદવો પાસે અસ્મિતા જેવું કંઈ નહોતું; બલ્ક કેટલી કપરી વેળાએ અસ્તિત્વ ખોવાની ઘડી આવીને ખડી રહેતી.
આજે તો મથુરાના અંધક-યાદવવંશના રાજા કંસની ફેં ફાટતી હતી. ખુદ અંધક યાદવો પોતાના રાજા કંસથી કંટાળ્યા હતા, અને વૃદ્ધિા યાદવોને પોતાની ભેરે તેડતા હતા. વૃષ્ણિ યાદવોના નેતા કૃષ્ણ વાસુદેવ હતા.
આમ યાદવપક્ષ અનેક શાખાઓમાં વહેંચાયેલું હતું. કોઈ પોતાને અન્ધક તો કોઈ વૃણિ, કોઈ ચેદિ તો કોઈ માગધી કહેતું. કુકકુર અંધક, વૃણિ, સાત્વત, ભોજ , મધુ ને શૂર એ એની જાણીતી શાખાઓ હતી.
યાદવો આ દેશથી પેલે દેશ ગાયોનાં વ્રજ લઈને ફરતા. યાદવ સ્ત્રીઓ જ્યાં વસતી ત્યાં ગોકુલ વસી જતાં. એ સ્ત્રીઓ દૂધ-દહીં વેચવા જતી. રૂપાળી મહિયારીઓનાં મહીનાં મૂલ ભારે થતાં. પ્રજાપીડક રાજાઓનાં રાત્રિ-ભોગમાં ધરવા તેમનાં હરણ થતાં.