________________
ચક્રવર્તી રાજા જરાસંધ
અનંત ભૂમંડળ અને અખંડ ભારતનો એકમાત્ર ચક્રવર્તી રાજા જરાસંધ સપ્તભૂમિ પ્રાસાદના ગવાક્ષામાં બેસીને દૂર દૂર સુધી નીરખી રહ્યો હતો.
આમ તો એ પોતે મગધનો સ્વામી હતો, પણ એની હાક આખી પૃથ્વી પર વાગતી હતી. આજે આખા ભારતવર્ષમાં રાજા જરાસંધની સામે ઊંચા અવાજે બોલી શકે તેવો કોઈ માજણ્યો રાજવી નહોતો.
મગધની રાજધાની ગિરિવ્રજ માં હતી. પહાડોએ રચેલી એની કુદરતી કિલ્લેબંધીમાં શત્રુના પંખીને પણ પ્રવેશ પામવો મુશ્કેલ હતો. કહેવાતું કે રાજા જરાસંધની ગજ શાળાના હાથીઓના ચિત્કારથી દશ દિગૂપાળના હાથીઓ પણ ઊભી પૂંછડીએ ભાગી છૂટયો છે !
સવારનો બાલરવિ ધીરે ધીરે પોતાનો પ્રતાપ પૃથ્વી પર વિસ્તારી રહ્યો હતો, ને ગંગા નદીના નિર્મળ નીરમાં પોતાની તેજકિરણાવલિઓને રમાડી રહ્યો હતો.
નદીના નીરમાં રાજ હાથીઓ ક્રીડા કરી રહ્યા હતા અને સરિતાકાંઠાની રેતી પર મગધના જગવિખ્યાત સેનિકો મલ્લકુસ્તીનો આનંદ મેળવી રહ્યા હતા.
મગધપતિ મોટી મોટી મૂછો પર હાથ ફેરવતાં વિચારી રહ્યા હતા કે આ જરાસંધનું નામ સંભાળી કયા રાજાને જુવાનીમાં જરા પ્રાપ્ત થતી નથી ?
જરાસંધનો પ્રતાપ તો આ ઊગતા રવિ કરતાંય વિશેષ ! જરાસંધની આણ પૃથ્વી પર ! પૃથ્વીને મેં લાંબે ગાળે સનાથ કરી. પૃથ્વીનો બીજો કોઈ સ્વામી નહિ. જે કોઈ હોય તે જરાસંધનો સેવક, સામંત કે ખંડિયો રાજા !
અને ફરી રાજા જરાસંધે પોતાની મૂછોના આંકડાને વળ આપ્યો. જોનારને એ આંકડામાં વીંછીના ડંખમાં રહેલ કાતિલ ઝેર કરતાંય ભયંકર ઝેરની કલ્પના આવી જતી !
જ્યાં પોતાના રથનું પૈડું ફરે ત્યાંની પૃથ્વીને ચક્રવર્તી સનાથ કરે ! એ પૃથ્વીનો નાથ બીજો ન થઈ શકે, ન હોઈ શકે - ભલે પૃથ્વીના દાસ ગમે તેટલા હોય !
ક્ષત્રિયોમાં ચક્રવર્તીપદનો વિચાર નવો હતો. બ્રાહ્મણ યોદ્ધા પરશુરામે જ્યારે ક્ષત્રિય કુળોનું લગભગ નિકંદન કાઢવા જેવું કર્યું, અને જ્યારે ક્ષત્રિયોને પોતાના આંતરકલહનું અનિષ્ટ ખ્યાલમાં આવ્યું ત્યારે એકતા અથવા એકની આજ્ઞાધીનતાનું મહત્ત તેઓને સમજાયું !
સર્વનાશમાંથી શેષ રહેલ ક્ષત્રિય રાજાઓ એકત્ર થયા. તેઓએ પોતાનામાંથી પરાક્રમી અને પ્રતિભાશાળી પુરુષને પોતાનો નેતા ઠરાવ્યો, એના રથનું ચક્ર જ્યાં જ્યાં ફરે ત્યાં ત્યાં તેની સત્તા ચાલે !
આમ નેતાના રૂપમાંથી ચક્રવર્તીપદની કલ્પનાનો જન્મ થયો.
ચક્રવર્તીની એકમાત્ર ફરજ એ કે ક્ષત્રિય સિવાયનો કોઈ બ્રાહ્મણાદિ પોતાનું જોર જમાવી પૃથ્વી યા સ્વર્ગના રાજ્યમાં દખલ ન કરે ! રાજા તો ક્ષત્રિય જ થઈ શકે, આ માન્યતા અહીં દૃઢમૂળ થઈ.
થોડો વખત તો ચક્રવર્તીપદ બ્રાહ્મણાદિની સત્તાઓના નિયમનમાં વપરાયું, પણ પછી ખુદ ક્ષત્રિયોમાં જ ક્ષત્રિયો પર સત્તા જમાવવાનો અભિલાષ પેદા થયો. અને આત્મરક્ષણ માટેનું પદ આત્મભક્ષણ કરનારું બની ગયું. દરેક સમર્થ રાજાના ચિત્તમાં પોતે ચક્રવર્તી થવું અને બીજાઓને પોતાના તાબામાં રાખવા, ખંડિયા બનાવવા એવી પ્રબળ મહત્ત્વાકાંક્ષા જાગી !
મગધરાજ જરાસંધ એનો નાદર નમૂનો હતો. એણે નાના-મોટા, સારા કે ઉચ્છંખલ અનેક રાજાઓને વશ કર્યા હતા, અને જેઓ વશ થયા નહોતા તેઓને કેદ કરીને કારાગારમાં ધકેલી દીધા હતા.
કારાગારમાં આવા રાજ કેદીઓ માટે ઘણાં મોટાં કાષ્ઠપિંજર હતાં. કેટલાક રાજાઓ તો બિચારા વર્ષોથી એમાં પુરાયેલા હતા. રાજા જરાસંધે એક વાર ધમકી પણ આપી હતી કે અમુક વર્ષને અંતે રુદ્રયાગ કરવામાં આવશે, અને એમાં આ બધા રાજાઓનો નરબલિ અપાશે.
કેદી રાજાઓ આ વાત સાંભળી બિચારા અડધા થઈ ગયા હતા; ને રોજ રોજ આ અત્યાચારીનો વિનાશ કરવા ભગવાનને અવતાર લેવા વિનંતી કરતા હતા.
પણ ભગવાનના કાન હમણાં બહેરા થયા લાગતા હતા. રાજા જરાસંધના વિનાશ માટે એ રોજ જેમ જેમ પ્રાર્થના કરતા તેમ તેમ એ રાજાનું બળ દિનપ્રતિદિન વધતું જતું હતું ! જરાસંધને માટે કહેવાતું કે એને બે માતા હતી. એક માતાના અંગેથી અડધું
ચક્રવર્તી રાજા જરાસંધ 19