________________
પડી રહેશે ને આત્મા ઊડી જશે. અરે ! પ્રાણનો પોપટ ઊડીને પાંખો પ્રસારીને અનંતમાં ચાલ્યો જશે, ને કાયાનું પિંજર રવડતું-રઝળતું અહીં પડ્યું રહેશે !
ચંદનાના મુખ પર એક સુંદર સ્મિત ફરકી રહ્યું. તે વિચારવા લાગી : “જગત કેવું મૂર્ખ છે ! એ સમજે છે, કે હું કારાગારમાં છું, પણ એ બધા જોયા કરશે ને હું એવી નાસી છૂટીશ કે પછી શોધી નહિ જડું !”
ચંદના હસી પડી. ને એ જાણે એ સ્મિતનો સામે જવાબ વાળતું હોય તેમ, કિચૂડાક કરતું કોટડીનું દ્વાર ખુલ્યું.
દ્વાર ખુલતાં જ “ચંદના ! મારી પ્રાણ !રે બેટી !” એવો પોકાર ગાજી રહ્યો ને થોડી વારમાં ધનાવહ શેઠ આવીને ચંદનાને ભેટી પડ્યા. એમણે ચંદનાના દેહ પર હાથ ફેરવ્યો, માથું સૂંધ્યું, હાથે-પગે જડેલી બેડીઓને દાંતથી કરડી.
બેપળ સુધી બેમાંથી કોઈ કશું ન બોલ્યું. ચંદના શાન્ત-સ્વસ્થ હતી. ભર્યાં વાદળ જેવાં નયનોમાંથી એક પાણીનું ટીપું પણ પડતું નહોતું. શેઠ ચોધાર આંસુએ રડી રહ્યા હતા.
“મારી દુઃખિયારી ચંદના !”
“પિતાજી, દુ:ખે મને ડાહી બનાવી છે. હવે હું સમજી છું કે શરીરના સુખથી આત્મા સુખી થતો નથી, તેમ શરીરના દુઃખથી આત્મા દુઃખી થતો નથી. દુઃખ અને સુખ એ તો માત્ર શરીરનો ધર્મ છે, આત્માનો નહીં.”
“બેટી, તારા દુઃખનું કારણ હું બન્યો !”
“કોઈ કોઈના સુખદુઃખનું કારણ બનતું નથી. પુરુષાર્થ ને પ્રારબ્ધની ઘટમાળમાં અન્યને શો દોષ દેવો, પિતાજી ?”
“ચંદના, તું ખરેખર ચંદના છે. અરે, મને એ રાંડ પર ક્રોધ આવે છે, એવું મન થાય છે, કે..."
“સંસારનું રહસ્ય જો જાણી લઈએ તો પિતાજી, કોઈ પણ ક્રોધ કરવાનું મન જ ન થાય. સહુ પોતપોતાની રીતે સાચું સમજીને જ સમાચરે છે. પછી ભલે એ બીજાની નજ૨માં જૂઠું હોય. સહુ સહુની રીતે સાચાં છે. શેઠાણી એમની રીતે સાચાં હતાં. હું મારી રીતે અને તમે તમારી રીતે સાચા હતા. આપણે આપણી દ્રષ્ટિથી જોઈએ તે કરતાં બીજાની દૃષ્ટિથી જોઈએ, તે વધુ ઠીક છે.” ચંદનામાં આપોઆપ જ્ઞાનઝરણ ફૂટ્યું હતું, જે સંસારની કોઈ પણ મહાશાળાના મહાપંડિતો પણ એને આપી શક્યા ન હોત.
“ચંદના, તારી વાણીમાં જ્ઞાનીના બોલ ગાજે છે...”
“પિતાજી, દિવસે પેટ ભરીને ચરેલી ગાય, જેમ રાતે બધું વાગોળીને એકરસ 38 – પ્રેમનું મંદિર
કરે છે એમ મેં પણ આ ભયંકર એકાંતમાં જીવનનાં સઘળાં સત્યો વાગોળ્યાં છે, ને નવું નવનીત પામી છું.”
“ચંદના, ધન્ય છે તને અને તારાં માતપિતાને ! દુઃખને જાણે તું ઘોળીને પી ગઈ છે; અને વેદનાને જાણે વહાલથી આરોગી ગઈ છે. તારી વાણીમાં કડવાશ નથી, વર્તનમાં ક્રોધ નથી.”
“અરે, પણ આડીઅવળી વાર્તા છોડી એની ખાવાપીવાની તો ભાળ લો. ત્રણ દહાડાના કડાકા છે બિચારીને ! હું તો ઘણી વાર કહેતી કે બહુ પ્રેમઘેલા થવું સારું નહિ ! એમાંથી દુઃખ જ ઊભું થાય. વૃદ્ધ દાસીએ આવીને ભાવનાશીલ શેઠને સાવધ કર્યા. એણે જ, મૂલા શેઠાણીનો સખ્ત પ્રતિબંધ હોવા છતાં, ચંદનાની માહિતી શેઠને આપી હતી.
*
વૃદ્ધ દાસીએ કહ્યું : “શેઠ, મારા માથે મૂલા શેઠાણીના ક્રોધની તલવાર લટકે છે. ગુલામ છું, વૃદ્ધ છું. જીવવા કરતાં હવે મોતમાં મીઠાશ લાગશે. તમારી સેવામાં જિંદગી કાઢી. હવે મરણકિનારે બેઠી છું ત્યારે આટલું સુકૃત કરતી જાઉં છું, જેથી બીજે ભવે કંઈ સારો અવતાર ભાળું તો.”
“સાચી વાત છે દાસી, જે ખાવાનું હોય તે જલદી હાજર કર !"
દાસી ઘરમાં ગઈ, પણ રાંધેલા અડદના બાકળા સિવાય કંઈ તૈયાર નહોતું. એક સૂપડામાં એ લઈને દાસી આવી. શેઠ એ દરમિયાન પગે જડેલી બેડીઓ તોડવાનો નિષ્ફળ યત્ન કરી રહ્યા હતા. આખરે થાકીને એમણે દાસીને કહ્યું :
“તું ચંદનાને જમાડી લે. હું લુહારને બોલાવી લાવું છું.” ને શેઠ ઉતાવળા બહાર નીકળી ગયા.
મધ્યાહ્નનો સમય થઈ ગયો હતો ને સદાની જેમ આજે પેલા મહાયોગી ભિક્ષા માટે નગરમાં આવ્યા હતા. દ્વાર દ્વાર પર નરનારી ખડાં હતાં. કૌશાંબીના રાજવી શતાનિક ને પદ્મિની રાણી મૃગાવતી પણ હંમેશની જેમ આવીને ઊભાં હતાં. મંત્રીરાજ સુગુપ્ત ને દેવી નંદા પણ હાજર હતાં. વિજયા દાસી પણ ત્યાં ખડે પગે હાજર હતી.
હંમેશની જેમ એ મહાયોગી આવ્યા અને દ્વાર પછી દ્વાર, શેરી પછી શેરી વટાવતા આગળ ચાલ્યા. રે, શું સદાની જેમ આજે પણ યોગીવર રિક્ત હાથે પાછા ચાલ્યા જશે ? અરે ! શું આપણાં કોઈ અજાણ્યાં પાપનો ભાર આપણા અન્નને નિર્માલ્ય બનાવી બેઠો છે ? જે દેશમાં અતિથિ જેવા અતિથિ-યોગી જેવા યોગી-છ છ માસથી અન્નજળ વિનાના ઘૂમે, એના માથે આપત્તિના ભણકારા અવશ્ય સમજવા ! નિરાશાનું ઘોર મોજું સર્વત્ર પ્રસરી રહ્યું. પણ ત્યાં અચાનક મહાયોગી થોડે દૂર જઈને ક્ષણભર થોભ્યા. કદી સ્થિર ન થતા એમના પગ સ્થિર થયા, કદી ન લંબાતા મહાયોગી D 39