________________
“ધર્મલાભ !' મેઘગર્જના જેવો અવાજ આવ્યો. ભૂમિસરમાં ઝૂકેલાં ભાઈ બહેનને ભાસ થયો કે મેઘ ગાજ્યો. એમણે ઊંચા થઈને જોયું તો એ શબ્દો મુનિના મુખમાંથી સર્યા હતા.
અરે ! કેવો ક્ષીણ દેહ અને એમાંથી આવો તાકાતવાન સ્વરદેહ ! ખીણવાળા મુનિની પૂરેપૂરી બીજી આવૃત્તિ જેવા આ મુનિ હતા. એમનું હાડકહાડકું ગણી શકાય તેમ હતું. માથું ધીરૂં ધીરું ધૂણી રહ્યું હતું. આ દેહમાંથી આવા સ્વર ! જાણે રણભેરી બજી !
કાલક આશ્ચર્યમાં પડી ગયો, સરસ્વતી બે હાથ જોડીને ઊભી રહી.
મુનિ અધૂરું હસ્યા. એ હાસ્યમાં અજબ આકર્ષણ હતું. મુનિવરની નિર્દોષતા બાલકને પણ ભુલાવે તેવી હતી.
ધર્મવીર કાલક !' વગર પિછાણે જૂની પિછાણ હોય એમ મુનિ બોલ્યા. ક્ષત્રિયને કોઈ રણક્ષેત્રે પહોંચી જવા સાદ પાડતો હોય, એવો રણકાર આ શબ્દોમાં હતો. માતા વર્ષોથી વિદેશ ગયેલા પુત્રને આમંત્રતી હોય એવો મમતાભાવ એમાં ભર્યો હતો.
કાલક મુનિનાં દર્શન કરીને વિચારી રહ્યો. સંસારમાં અદ્ભુત સિદ્ધિવાળા માણસો દેહમાં જીવતા નથી, માત્ર ભાવનામાં જીવે છે ! જે દેહનો સંસારમાં ભારે મહિમા છે અને દેહના જે મહિમાને જાળવવા જગત લાખ લાખ સારા- ખોટા, ઉચિત-અનુચિત પ્રયત્ન કરે છે, એ દેહના મહિમાને જાણે અહીં અવગણવામાં જ આવ્યો હતો.
સુકાયેલા તુંબડા જેવો આ દેહ કહેતો હતો કે તપત્યાગથી દેહને સુકાવવામાં ન આવે, તો આત્મા આદ્ગ થતો નથી !
| ‘ગુરુદેવ ! શી આજ્ઞા આપો છો ?' કાલ ક લાગણીભીનો બની ગયો. એના એ બોલમાં હૃદયની સૌરભ મહેકતી હતી.
“ક્ષત્રિય ધર્મરણે સંચરવાની તૈયારી કરીને આવ્યો છે ને ? સંદેશો મળી ગયો છે ને ?” મુનિ બોલ્યા. એમના અવાજ માં જાણે સત્યનો રણકો અને દઢતાના બંધ હંતા.
- “સંદેશો ? ના, કોઈ સંદેશ મળ્યો નથી.’ કાલકે કહ્યું. એને યાદ આવ્યું કે મહાગુરુ મહામઘ મનસંકેતથી સંદેશ મોકલી શકતા, પણ આ સાધુઓ તો એવી વિદ્યાશક્તિ વાપરતા નથી. તેઓ તેમાં થોડી સિદ્ધિ ને વધુ અસિદ્ધિ કલ્પતા હોય છે.
સ્વપ્નસંદેશ, કાલક ! આ તો દિલભર દિલની વાત છે : મનનો સાચો રણકો બધે રણકાર જગવે છે. એ માટે કંઈ નિર્જીવ સંદેશો મોકલવાનો હોતો નથી.
130 D લોખંડી ખાખનાં ફૂલ
ચોમાસાની હરિયાળી જેમ આપોઆપ ઊગે છે, એમ મનની વાત આપોઆપ મારગ કરી લે છે.” મુનિ સહજભાવે બોલ્યા.
‘સ્વપ્ન અવશ્ય લાધ્યું હતું, મહારાજ ! પણ મારી હૈયા-હોડી હજી રાગ અને વિરાગના ભરતી-ઓટમાં ઝોલાં ખાય છે.' કાલકે કહ્યું.
‘કાલક ! હું જાણું છું અને એ ખાતર જ અહીં આવ્યો છું. આજ ધર્મક્ષેત્રે તારી જરૂર પડી છે.'
‘મારી જરૂર ? મહારાજ ? હું તો સામાન્ય માનવી છું.' કાલકે નમ્રતા દાખવી.
‘સોનું પોતાનું મૂલ્ય જાણે કે ન જાણે, સુવર્ણકારને ખબર હોય છે, કે કયું સોનું સાચું ને કયું ખોટું ! કાલક, સાધુ તો અનેક છે : અનેક થયા અને વળી થશે, પણ તને તો નિશ્ચિત કર્તવ્યસંદેશ લઈને સાધુતાનો અંચળો ઓઢાડવાનો છે. માટે જ તને ધર્મવીરનું બિરુદ મેં આપ્યું છે.' મુનિએ વાત શરૂ કરી. અત્યાર સુધી જે મૌનના અવતાર લાગતા હતા, એ હવે બોલવામાં બૃહસ્પતિ જેવા ભાસ્યા. એમની વાણી આગળ ચાલી :
‘અમે ધર્મસેનાના સૈનિકો છીએ. તમારી રણે સંચરતી સેના માટે જેવા શિસ્તના અને સંયમના નિયમો હોય છે, એવા અમારા માટે કડક નિયમ છે. સેનાના નિયમોમાં સેનાપતિ ફેરફાર કરી શકે, પણ અમારા માટે એ શક્ય નથી. અમે જોયું છે કે દેશભરમાં અધર્મની એક ભયંકર શત્રુસેના કબજો જમાવી રહી છે. નરવી માનવતાને માથે ભય તોળાઈ રહ્યો છે.
મુનિજન બોલતાં થોભ્યા. એમના અવાજ માં રણે સંચરતા યોદ્ધાનું જોશ હતું.
ચાતક જેમ સ્વાતિનાં જળ મૂંગે મોંએ પીએ, એમ કાલક અને સરસ્વતી મુનિની વાણીને પી રહ્યા.
મુનિ આગળ બોલ્યા :
‘આજ ધર્મને નામે ચામાચાર ને અનાચાર પ્રસરી ગયા છે. ધાર્મિક આડંબરોએ અને કલહોએ આખા સમાજને આવરી લીધો છે. પૂજા કરતાં પાખંડ વધી ગયું છે. સદાચાર સંતાઈ ગયો છે. મંત્ર-તંત્રની બોલબાલા છે. નર-મેધ, પશુબલિ, નગ્ન સુંદરીની પૂજા ને મઘ-માંસાહાર ધર્મનાં અંગ લેખાયાં છે. ધર્મના ઓઠા નીચે અધર્મનો આવિષ્કાર થઈ ગયો છે.'
મુનિ થોડીવાર થોભ્યા ને વળી આગળ ચલાવ્યું :
‘ભારતમાં પરદેશી જાતિઓ પ્રવેશી રહી છે. એ જાતિઓ લડવામાં અને લૂંટવામાં પાવરધી છે, પણ એમનાં મન હજી કોરી પાટી જેવાં છે. એમની બર્બરતાને કોઈ ટાળી શકે તો એકમાત્ર ધર્મ જ ટાળી શકે એમ છે.’ મુનિ માત્ર
કાલક ! કુહાડીનો હાથો થા !! 131