________________
17
કાલક ! કુહાડીનો હાથો થા !
પરાક્રમ અને પ્રતિભા સ્વયં માનવદેહ ધારીને પૃથ્વી પર આવ્યાં ન હોય, તેમ રાજકુમાર કાલક અને રાજકુમારી સરસ્વતી અશ્વારોહી બનીને બહાર નીકળ્યાં.
સૂરજ પશ્ચિમના આકાશમાં ઊતરતો હતો, નવવસંતનો મંદ મંદ વાયુ રાજઉદ્યાનોમાંથી માદક સુગંધ લઈને વાતો હતો. એવે સમયે આ ભાઈ-બહેનની જોડીએ નગરના ઉપવન ભણી પ્રયાણ કર્યું.
સરસ્વતીએ પુરુષનો પોશાક સજ્યો હતો. બદન પર કીમતી કુરતક, નીચે પાયજામો (ધોતીનો સીવેલો પ્રાચીન પ્રકાર) અને માથે ઉષ્ણીષ મૂકી હતી. ગળાનો હાર એણે કુરતક નીચે છુપાવ્યો હતો. પણ કાનનાં કુંડળ ઝગમગાટ કરતાં હતાં. જો કે સૌંદર્યભર્યા દેહને તમામ વેશ શોભે છે, પણ આ વેશમાં રાજકુમારી ઓર દીપતી હતી.
રાજકુમાર કાલકે એ જ પ્રકારનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં, પણ ઊંચો અને પડછંદ દેહ, લાંબી ભુજાઓ ને મોટું મસ્તક એને સરસ્વતીથી જુદો પાડતાં હતાં. બંને જણાં એકબીજાને જોતાં, ને વળી ભૂંગાં મૂંગાં વિચારમાં પડી આગળ વધતાં. બંનેના અશ્વોની ગતિ જેમ એક દિશામાં હતી, તેમ બંનેની વિચારસરણી એક જ દિશામાં વહેતી હતી.
મંદ મંદ ગતિએ અશ્વ ચલાવતાં બંને જણાં ઉપવન નજીક આવી પહોંચ્યાં. વનપાલક વધામણી લાવ્યો હતો કે આ ઉપવનમાં મુનિરાજ આવ્યા છે અને એ પહેલાં રાજકુમારને સ્વપ્નમાં આવીને મુનિના આગમનની વાત કોઈ કહી ગયું હતું. એટલે બંને જણાં ઉપવનની બહાર અશ્વ પરથી નીચે ઊતર્યાં અને ધીરે ધીરે ચાલતાં અંદર ગયાં.
સૃષ્ટિ સોહામણી બની રહી હતી. આકાશમાં કેસરવર્ણો ચંદરવો બંધાતો હતો.
પંખીઓ ચારેતરફ મીઠા ટહુકા કરતાં ફરી રહ્યાં હતાં. હરણાં મનભર છલાંગો મારી ઉપવનની શોભા વધારતાં હતાં.
કોકિલો આંબાડાળે બેસીને ટહુકા કરતી હતી : અને દેવદારુનાં વૃક્ષોમાં પેસીને પવન પાવો વગાડતો હતો.
‘કેટલી રમ્ય પ્રકૃતિ છે અહીં ! મનના થાક ઊતરી જાય છે.’ રાજકુમાર કાલકે કહ્યું, એની ગૂંચવાયેલી મનઃસૃષ્ટિમાં આ વાતાવરણ ખૂબ આહ્લાદક લાગ્યું.
‘મને તો એમ થાય છે, કે આપણે આ કોકિલાઓના કુળમાં જન્મ્યાં હોત તો... કેવી મજા પડત ! સદા કેવું મીઠું ગીત ગાયાં કરત !' સરસ્વતી બોલી. હૈયા પર પણ કંઈ બોજો દેખાતો હતો.
‘કોકિલકુળમાં જન્મ્યાં હોત તો...' કાલકકુમાર બોલ્યો. ત્યાં સામેની આંબાડાળે બેઠેલી એક કોકિલાને ખૂની બીજે ઝપટમાં લીધી. ગીત ગીતને ઠેકાણે રહ્યું, ને એ બિચારી જીવ બચાવવાની જંજાળમાં પડી.
કાલકે ત્યાં પડેલો પથ્થર ઉઠાવ્યો, ને ઘા કર્યો. બાજ કોકિલાને હણે, એ પહેલાં એ જખમી થયો અને નીચે પડ્યો.
સરસ્વતી દોડી. એણે પાસેની વાવમાંથી જળ લઈને બાજના દેહ પર છાંટટ્યું. થોડીવારે બાજને કળ વળી. એણે પોતાની ગોળ ગોળ આંખો ખોલી, ને આશ્ચર્ય તથા ભયની લાગણીથી સરસ્વતીને જોઈ રહ્યો.
સરસ્વતી બાજને ઉદ્દેશીને કહેતી હોય તેમ બોલી : ‘તોફાની બાજ ! મારા ભઈલા ! આવી રીતે કોઈ ભોળી કોકિલાને હવે પછી હેરાન ન કરીશ. તું સુખ જીવજે અને બીજાને સુખે જીવવા દેજે !'
કાલક હસ્યો, એ બોલ્યો : ‘રે ઘેલી મારી બહેનડી ! આમ જો ગુનેગાર બાજોને જિવાડતી ફરીશ, તો તારા હાથે જ કોકિલાઓના કુળનો સંહાર કરાવી નાખીશ.’
આટલી વારમાં બાજ સ્વસ્થ થઈ ગયો હતો. એ થોડીવારમાં મોટો અવાજ કરતો ઊડી ગયો. એને નજીકથી પસાર થતો જોઈને કેટલીય કોકિલાઓનાં ગળાં રૂંધાઈ ગયાં, એના પડછાયે આખું વન ત્રસ્ત થઈ ગયું.
દયા અને દાનમાં પણ વિવેક ઘટે,' કાલકે કહ્યું અને બંને આગળ વધ્યાં. થોડીવારમાં બંને અશોકવૃક્ષની ઘટામાં આવી પહોંચ્યાં. એ છાયામાં એક મુનિ પદ્માસને બેઠા હતા.
ફરી વાતાવરણ પલટાતું લાગ્યું. મનને શાંતિના સમીર વાયા. આત્માને આપોઆપ પ્રસન્નતા પ્રાપ્ત થઈ. બંને હળવાં ફૂલ બની મુનિના ચરણમાં જઈને ઝૂકી પડ્યાં !
કાલક ! કુહાડીનો હાથો થા ! – 129