________________
‘શ્રી જનપદાનાં શાંતિર્ભવતુ’
‘શ્રી રાજાધિપાનાં શાંતિર્ભવતુ’ શ્રી રાજસંનિવેશાનાં શાંતિર્ભવતુ’
‘શ્રી ગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ’
‘શ્રી પૌરમુખ્યાણાં શાંતિર્ભવતુ’
શ્રી પૌરજનસ્ય શાંતિર્ભવતુ'
શ્રી બ્રહ્મલોકસ્ય શાંતિર્ભવતુ’
ઓમ્ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ'
મુનિરાજના આ સ્વરો ચંદનચોળાં બનીને ગર્દભી નાદવિદ્યાએ સંતપ્ત કરેલી સૃષ્ટિ પર છંટાતા હતા. આહ !એક તરફ બ્રહ્મલોકને આગમાં ઝબોળનાર શક્તિમંત્ર અને બીજી તરફ બ્રહ્મલોકને શાંતિ પમાડનાર ભક્તિમંત્ર !
મુનિના મુખમાંથી નીકળેલા શબ્દો જાણે સ્વયં પરિચારક અને પરિચારિકાઓ હોય તેમ અંબુજા અને સરસ્વતીની શુષા કરી રહ્યા. બંને સુકુમાર સ્ત્રીઓ અનુભવી રહી હતી કે કોઈ તેમના ધમધમતા દેહ માથે શીતળ જળની ધારા રેડી રહ્યું છે, દુઃખતાં અંગો પર કોઈનો મીઠો હાથ ફરી રહ્યો છે, ગરમ તવા જેવા તપેલા ભાલ પર કોઈ વહાલસોયી માતા ચંદનની અર્ચા કરી રહી છે.
‘ઓ મા...’ સરસ્વતી બૂમ પાડી ઊઠી.
સરસ્વતીની બૂમ સાંભળી સ્વસ્થ થયેલો કાલક ઊભો થયો ને બહેન પાસે ગયો, માથે હાથ મૂકી આશ્વાસન આપ્યું.
‘ભાઈ ! મને આ વીંઝણો કોણ ઢોળે છે ? તું ?' સરસ્વતીએ પ્રશ્ન કર્યો. ‘ના બહેન ! હું પણ તારા જેવો જ સંતપ્ત હતો.' કાલકે કહ્યું. એના શબ્દોમાં પરિસ્થિતિની સ્પષ્ટતા હતી.
‘અને મારા તપેલા ભાલ પર ચંદનની અર્ચા કોણ કરતું હતું ? મહાગુરુ હતા?' ‘ના, સરસ્વતી ! એમની દશા પણ સાવ આપણા જેવી તો નહિ, પણ કંઈક ખરાબ તો હતી જ.
‘હૈં, તો દર્પણ તો નહોતો ને ! એણે મને સ્પર્શ કરવા તમને સહુને અમને સહુને મૂર્છામાં તો નહોતાં નાખ્યાં ને ?' સરસ્વતીની મનની શંકા એકદમ બહાર નીકળી આવી.
સરસ્વતીને સ્પર્શ કરવાનું ગજું દર્પણનું નથી. એની વિદ્યાએ એનેય હેરાન કર્યો. થોડીઘણી એની દશા પણ આપણા જેવી જ હતી.' કાલકે કહ્યું.
34 D લોખંડી ખાખનાં ફૂલ
‘તો મદ્ય જેવી આ વિદ્યા છે ? બીજાને ત્રાસ પમાડે અને જાતને પણ કેફ ચડાવે.' સરસ્વતી એકદમ વાસ્તવિક્તાના વિશ્લેષણમાં પડી.
‘એ વિશ્લેષણની અત્યારે જરૂર નથી. પણ જેમ મૂર્છા પેદા કરનાર દર્પણના ગર્દભી નાવિદ્યાના સ્વરો હતા, તેમ આપણ સહુને શાંતિ પહોંચાડનાર આ સાદા સીધા મુનિરાજના સ્વરમંત્રો છે.' કાલકે ખુલાસો કર્યો.
હા, હજી એ શાંતિમંત્રો શ્રવણમાં પ્રવેશે છે ને ચિત્તમાં, મનમાં, દેહમાં અનહદ શાંતિના સમીર લહેરાય છે. જાણે મા હાલરડાં ગાય છે, બહેની પંપાળે છે, પિતા બચીઓ ભરે છે. કેવો સુખાનુભાવ ! ભઈલા, હું આ મંત્ર જરૂર શીખી લઈશ. મુનિની ચરણસેવા કરીશ. તાપ ને સંતાપ પેદા કરનાર ગર્દભી નાવિદ્યા મને ગમતી !' સરસ્વતી બોલી.
‘છોકરી ! ગર્દભી નાવિદ્યા માટે તારું ગજું પણ નથી. કોઈક દર્પણ જ એ સાધી શકે. નાને મોઢે મોટી વાત ન કરીએ !' મહાગુરુ પાસે આવતાં બોલ્યા.
ગુરુની પીંગળી આંખોમાં સિંદૂરિયા વર્ણની જ્વાલાઓ ભભૂકી રહી હતી. આ જ્વાલાઓથી એ પેલા મુનિને દઝાડવા માગતા હતા : ને આ છાત્રોને રક્ષવા માગતા હતા. આવા સાદા મુનિઓનો સંપર્ક મંત્રધરોને સુખદ હોતો નથી, એવો મહાગુરુને જૂનો અનુભવ હતો.
રાજકુમાર દર્પણ હવે પૂરેપૂરો સ્વસ્થ થઈ ગયો હતો, ને એ આ હાડ-ચામના માળખા જેવા મુનિને નીરખી રહ્યો હતો. એકેએક હાડકું ગણી શકાય તેવું હતું અને જુદી પાડીને બતાવી શકાય તેવી તમામ પાંસળીએ પાંસળી એ દેહમાં સ્પષ્ટ હતી.
પોતાના હાથની એક થપાટ વાગતાં ભૂમિ ભેગો થઈ જાય એવો આ મુનિ આટલો સ્વસ્થ કાં ? નાદવિદ્યાથી અસ્પૃશ્ય કાં ? વધુમાં વધુ પ્રસન્ન કાં ? શું એણે ગર્દભી નાવિદ્યાના સ્વરો નહિ સાંભળ્યા હોય ? શું એની પાસે એ સ્વરોને મહાત કરે તેવું મંત્રબળ હશે ?
અરે ! જે નાદશક્તિથી ઘાયલ હાથી હજી ઊભા થઈ શકતા નથી, એ નાદશક્તિ પાસે હાડપિંજર જેવો આ સાધુ આટલો સ્વસ્થ કાં ? જળમાં કમળની જેમ સાવ મુક્ત કાં ? જ્યારે મને, ખુદ મંત્રવેત્તાને પણ એ સ્વરો પીડી રહ્યા છે !
રાજકુમાર દર્પણ ક્ષણભર ઢીલો પડી ગયો. અરે, એની શક્તિના દર્શનની સાથે એની અશક્તિનું પણ પ્રદર્શન ભરાઈ ગયું. દર્પણ દોડ્યો. મહાગુરુ મહામથના ચરણ ચાંપી રહ્યો ને બોલ્યો : ‘મહાગુરુ ! શું આ સાધુ પાસે કોઈ ગજબનો મંત્ર છે?”
મહાગુરુ કંઈ જવાબ આપે, એ પહેલાં તો મુનિ તેની પાસે ગયા ને બોલ્યા : ‘વત્સ ! આટલું ગોખી લે. સંસારમાં એક શબ્દ એવો નથી જે મંત્રાક્ષર નથી. શક્તિમાં વસતી અશક્તિ – 35