________________
59
બલમિત્ર અને ભાનુમિત્રા
કૂચ તો, જળના પ્રવાહની જેમ, વણથંભી આગળ ને આગળ જ વધતી
હતી,
અશ્વ આગળ વધ્યો. રણનાં નગારાં જોરજોરથી વાગી રહ્યાં. શંખ જોર જોર થી ફૂંકાઈ રહ્યાં. અશ્વોનો વેગ વધ્યો. એમની ખરીઓથી ઊડેલી ધૂળથી આકાશ છવાઈ ગયું.
એક મોટું ધૂળનું ધુમ્મસ વન-જંગલ ને ગ્રામ-નગર વટાવતું વહી જતું હોય તેવો દેખાવ થઈ રહ્યો.
માર્ગમાં આવતાં ગામોના લોકો વધામણે આવતા, અને તેઓ એકછત્રીધારી રાજાની માગણી કરતા. તેઓ કહેતા :
અમને એક રાજા આપો. આ અનેક રાજાઓથી થાક્યા. વનના એક વાઘને તો શિકારથી સંતુષ્ટ કરી શકીએ, પણ અનેક વાઘોને પૂરો પાડી શકાય તેટલો શિકાર અમારી પાસે નથી. અમે હાર્યા છીએ તનથી, મનથી, ધનથી !'
આર્ય કાલકે હસીને જવાબ દેતા : ‘તમને પણ મારા જેવું થયું લાગે છે. કપડામાં જૂ પડી તો કપડાં ફેંકી દઈને નીકળી પડ્યો છું, પણ વસ્તુ કોઈ ખરાબ નથી, માનવીની ખરાબ વૃત્તિ એને ખરાબ બનાવે છે. બાકી તો શું નરપતિ કે શું ગણપતિ, બધાય વૃત્તિના દોરે બંધાયેલા છે. કપડાં સાફ રાખતાં આવડે તો પછી જૂનો ડર નથી. તમે મક્કમ હશો, નિસ્વાર્થી હશો, વ્યક્તિ કરતાં સમષ્ટિમાં માનતા હશો, અર્પણશીલ સ્વભાવના હશો, તો પછી કોઈ તમારો નેતા કે કોઈ તમારો રાજા તમને દ્રોહ નહીં કરી શકે. આજે રામ-રાવણનું યુદ્ધ મંડાયું છે, મેદાને ઉતરી ચૂક્યા છીએ. સ્ત્રીના શીલમાં અમે દેશનું શીલ જોયું છે. અને એની રક્ષા કાજે અમે આ મહાકાર્ય ઉપાડ્યું છે. તમે એની કિંમત પિછાણતા હો તો તૈયાર થઈ જ જો !'
ગામલોકો આ વાતથી આકર્ષિત થતા, અને લડાયક લોકો સેનામાં ભરતી થવા પોતાનાં નામ લખાવતા.
વળી આર્ય કાલક ચેતવણીનો સુર ઉચ્ચારતા : ‘દરેક મહાયુદ્ધ પછી મહાદુષ્કાળ હોય છે. જેઓ પાછળ રહે છે, તેઓને કહું છું કે પાછળ રહીને નવાણ ગળાવજો, ખેતર ખેડજો, અનાજ ઉગાડજો. સંદેશો મળે એટલે તમારાં સ્ત્રી-બાળકોને એ બધાંની રખેવાણી ભળાવી શસ્ત્ર સજીને ઘોડે ચડી નીકળી પડશે.'
ધીરે ધીરે કૂચ કરતી સેના આ રીતે ઉજ્જૈનીની દિશામાં આગળ વધવા લાગી.
માર્ગમાં લાટ-પાંચાલ દેશ આવ્યા ,
અહીં આર્ય કાલકના બે ભાણેજો બલમિત્ર અને ભાનુમિત્ર મામાની મદદ તૈયાર ઊભા હતા. એમના હૈયામાં ગ્લાનિ હતી, મુખ પર લજ્જા હતી, કર્તવ્યનું પાલન ન કર્યાનો અફસોસ હતો.
ન્યાય અને સત્ય માટે મામાને દેશ છોડવો પડ્યો, પરદેશથી મદદ લાવવી પડી, આ વાત એમના હૈયામાં શુળની જેમ ખેટકી રહી હતી.
| ‘અરે ! સત્યની વેદી પર, સમય આવ્યે પણ, જો જાને કુરબાન કરતાં ન આવડે; તો એ જવાંમર્દીની કિંમત કેટલી ? ખરેખર, અમે ખરે વખતે અમારો સ્વધર્મ ચૂક્યા.” બલમિત્રે મામા આર્ય કાલકના પાદારવિંદને સ્પર્શતાં કહ્યું.
“કંઈ ફિકર નહીં. જાગ્યા ત્યાંથી સવાર, જોશી પણ જૂની તિથિને વાંચતો નથી.’ આર્ય કાલક બોલ્યા.
‘અમે આપનો મુનિવેશ છોડાવ્યો ! સાધુધર્મથી પાછા વાળ્યા. જળને અગ્નિનું કામ સોંપ્યું.” ભાનુમિત્રની આંખો આંસુ વહાવી રહી.
| ‘લલાટમાં લખાયેલ લેખ પર કોઈ મેખ મારી શકતું નથી. વિધિને એ મંજૂર હશે.’ આર્યગુરુએ ઉદાર દિલે કહ્યું, ‘વેશ તો કાલે ફરી ધારણ કરાશે અને ફરી પ્રાયશ્ચિત્ત પણ કરી લેવાશે. અત્યારે તો આજની ઘડી ઉજાળી લઈએ એટલે જગ જીત્યા. એટલા માટે તો ખડિયામાં ખાંપણ લઈ, દરિયો ડહોળી, આ બધાને લઈને નીકળ્યો છું.”
432 D લોખંડી ખાખનાં ફૂલ