________________
ખોટા માટે થાય છે. કરુણતા એ છે કે એ પોતે રાજા થવા ઇચ્છે છે. એ કહે છે કે મૌર્ય રાજાને મારી એનો બ્રાહ્મણ મંત્રી પુષ્યમિત્ર શુંગ રાજા થયો. શુંગે રાજ કર્યું. એણે અને એનો ટેકો આપનાર મહામુનિ પતંજલિએ સ્પષ્ટ શાસ્ત્રાધાર સાથે કહ્યું કે રાજ્ય પહેલું, રાજા પછી, રાજા ખરાબ હોય તો એને ખતમ કરી શકાય: એમાં સ્વામીદ્રોહ નથી; પણ એ રાજાના શબ્દો એના મોંમાં રહ્યા, અને એને એના સેનાપતિએ જ હણ્યો. હાથે તે સાથે વાળો ઘાટ થયો. આ ભૂમિ પર આવો મત્સ્ય-ગલાગલનો ખેલ ચાલે છે. મોટું માછલું નાનાં માછલાને ગળી જાય છે.
“સડી ગયેલી પૃથ્વી પર સંગ્રામ જ સ્વર્ગ ઉતારે છે. બ્રહ્મા ને વિષ્ણુ આ પૃથ્વી પરથી પલાયન થઈ ગયા છે, હવે રુદ્રનાં ડમરુ વાગે એની રાહ છે. નાશમાંથી નિર્માણ એ અહીંનું ભાવિ લાગે છે. હું અહીં જ છું. ચડાઈના સમાચાર તો અહીં મળી ગયા છે, પણ કોઈને એ ખબર નથી, કે આર્યગુરુ કાલક સાથે છે. લોકો બધું મશ્કરીમાં લે છે. તેઓ કહે છે કે સો ચકલીઓ એકઠી મળીને પણ એક બાજને હરાવી ન શકે. સરસ્વતીના હરણની વાત જૂની થઈ ગઈ. હવે એવી જરીપુરાણી વાતને યાદ કરવામાં કોઈને રસ નથી !
‘છેલ્લે છેલ્લે મહત્ત્વની વાત કહી દઉં. કામી રાજાઓનું અંતઃપુર પોલું હોય છે. હું એના અંતઃપુરમાં પણ જઈ આવી, આપનાં બહેન સરસ્વતીને સદેહે જોયાં. સૂકાં, રૂપ વગરનાં, અસ્થિકંકાલ બન્યાં છે, માત્ર મુખ પર તેજ ઝળહળે છે. કદી એક ટેક લૂખું-સૂકું જમે છે. આપે સીતાની વાત મને કહેલી. રાવણ એને હરી ગયેલો. સીતા લંકાની કેદમાં કેવાં હશે, એની કલ્પના બહેન સરસ્વતીને જોવાથી આવી. પણ એક વાત સાંભળી આનંદ થયો. રાવણ જેવો રાજા દર્પણ એમની સામે જોઈ શકતો નથી. છોડી દેવાનો વિચાર કરે છે, પણ એને લાગે છે કે લોકો મને નિર્બળ કહેશે.'
‘હવે તરતમાં પ્રસ્થાન કરશો. અહીંનું હું સંભાળી લઈશ.”
આર્યગુરુએ કાગળ એક વાર વાંચ્યો, બીજી વાર વાંચ્યો. શકરાજે વાંચ્યો, ફરી વાર વાંચ્યો. બંને જણાએ વાસુકિ સાથે સુદીર્ઘ મંત્રણા કરી.
અને બીજે દિવસે રણનાં નગારાં ગાજી ઊઠડ્યાં. શૂરાઓ શસ્ત્રો સજી રહ્યા . શક દેશની બૃહકળા પ્રમાણે સૈન્ય ગોઠવાઈ ગયું
કૂચ શરૂ કરવાની શુભ ઘડી આવી પહોંચી.
થોડી વારમાં આર્યગુરુ અશ્વ પર સવાર થઈને આવી પહોંચ્યા. આ રૂપમાં આજે એ પહેલવહેલા દેખાયા હતા. એમના પગ અવશ્ય પૃથ્વીને અડતા હતા, પણ મસ્તક જાણે ગગનને ભેદવા ઊંચું ઊઠયું હતું. હાથે લોઢાના ચાપડા હતા. ખભે લોઢાની ઝાલર હતી. બાલચંદ્ર જેવું મોં,
430 | લોખંડી ખાખનાં ફૂલ
દાઢીના ભરાવાથી દીપતું હતું. મોટી આંખોમાં જાણે સત્યનો અગ્નિ ભભૂકતો હતો. છૂટા કેશ અને મોંની ફાડ કેસરીસિંહની યાદ આપતાં હતાં. એમની રાંગમાં પંચકલ્યાણી અશ્વ ખૂંખાર કરી રહ્યો હતો, મેઘગર્જના જેવો એમનો સ્વર ચારે તરફ ગુંજી રહ્યો.
વાહ ગુરુ વાહ !' શકરાજ થી સ્વાભાવિક રીતે બોલાઈ ગયું.
ગુરુએ સેનાને ઉદ્દેશીને કહ્યું, ‘સત્યને ખાતર, ન્યાયને ખાતર સમરાંગણે ચઢવા તૈયાર છો ને ?'
‘તૈયાર છીએ ! તૈયાર છીએ !” ચારે બાજુથી અવાજો આવ્યા.
‘કદાચ પીછેહઠ કરવાનો કે પીઠ ફેરવવાનો વખત આવે ત્યારે દુશ્મનને પીઠ દેખાડવાને બદલે પ્રાણ-ન્યોછાવર કરવા તૈયાર રહેશો ને ?” ગુરુએ વિશેષ ખાતરી કરવા અને સૈન્યને પાણી ચડાવવા પૂછવું.
‘આપના એક બોલ પર અમે અમારા પ્રાણોની આહુતિ આપવા તૈયાર છીએ.” બધાએ ગગનભેદી સ્વરે કહ્યું.
‘દુશ્મનનું બળ અને સૈન્ય વધારે જોઈને પાછા તો નહીં પડો ને ?” ગુરુને જાણે હજીય વધુ ખાતરી જોઈતી હતી.
‘નહીં, કદી નહીં !”ના નાદોથી આકાશ ગુંજી ઊઠયું.
આર્યગુરુનો આત્મા સંતુષ્ટ થયો હોય એમ એમના મુખ ઉપર સંતોષ અને આનંદની રેખાઓ ઊપસી આવી.
આર્યગુરુને પોતાનો અથાક પ્રયત્ન આજે સફળ થયો લાગ્યો, સેના કૂચને માટે થનગની રહી.
સૌ પ્રસ્થાનની ઘડીની પ્રતીક્ષા કરી રહ્યા.
યુદ્ધના વિજયપ્રસ્થાનની ધન્ય ઘડી પણ આવી પહોંચી, અને શકરાજાએ કૂચનું રણશીંગું બજાવ્યું.
પ્રસ્થાનની આજ્ઞાના પડઘા ચારેકોર ગાજી રહ્યા, અને પાણીનો મોટો પ્રવાહ પૂર ઝડપે ધસતો હોય એમ, સૈન્યની કૂચ શરૂ થઈ. સૈન્યની એકધારી કૂચના પાટાઘાતથી ધરતી ધણધણી ઊઠી.
આર્યગુરુ એક તેજી અશ્વ ઉપર સૌથી મોખરે ચાલતા હતા. એક એક કદમ ઉજ્જૈની ભણી ભરાતો જતો હતો; અને એમનું અંતર જાણે કંઈ કંઈ વિચારોમાં વધુ ને વધુ ઊંડું ઊતરી જતું હતું. એમને થતું હતું, ‘ન જાણે નસીબમાં હજી શું શું લખાયું હશે ? શું શું જોવાનું હશે ? રે જીવ ! હવે તો આગળ વધ! પાછળ નજર ન કર ! પાછળ નજર કરવાનો ધર્મ તો મુનિનો ! આજે હું મુનિ નથી, માનવ નથી, પશુ નથી, માત્ર લાગણીનું પ્રેત છું ! પ્રેતને વળી પુણ્ય-પાપની શી તમા ?”
વિજય-પ્રસ્થાન B 431