________________
છે. બૈરૂતે તો આ દેશની ખૂબ સેવા કરી છે. મહાત્માએ કહ્યું. બૈરૂત એમનો પરમ સેવક હતો, આ સમાચારથી એમનું મન વ્યથિત થઈ ગયું.
| ‘મહાત્માજી ! વાત એવી બની કે બૈરૂતે સંજીવની રોશની આપે કહેલી કથા શહેનશાહને કહી સંભળાવી, અને છેલ્લે કહ્યું કે પ્રજાનો પ્રેમ એ જ રાજાની ખરેખરી સંજીવની છે, એટલે તો શહેનશાહ ભારે ખીજે બળ્યા. તેઓએ કહ્યું કે શું હું પ્રજાને પાળતો નથી ? ચોરને મારતો નથી ? તમે પરિચારકો આવી વાતો કહી પ્રજાને ચઢાવો છો. તું અને તારો રાજા આ રાજ લેવા માગો છો, પંચાણું શાહીઓ તમને મળી ગયા છે. તમે બધા એકત્ર થઈને બંડ જગાવવા માગો છો. પણ એ નહિ બને. એ પહેલાં તમારી બધાની હતી મિટાવી દઈશ.' શકરાજે વિગતેથી બધું કહ્યું. | ‘શકરાજ ! રાજા પોતે ખરાબ હોય છે, એના કરતાં એના સેવકો એને વધુ ખરાબ કરે છે. બૈરૂતની ખ્યાતિએ અન્ય સેવકોને ભારે ઈર્ષાળુ બનાવ્યા છે. શાંતિ રાખો શકરાજ !' મહાત્માએ કહ્યું, ‘રાજનીતિ વેશ્યાની જેમ અનેક રૂપ ધારણ કરનારી છે. જે થાય છે તે સારા માટે એમ સમજીને ચાલો.”
મહાત્માજી ! હવે આપે રાજમહેલમાં જ નિવાસ કરવો પડશે. કારણ કે પળેપળ મહત્ત્વની વાત છે. સાંભળ્યું છે કે મારા માટે અને મારા મિત્ર પંચાણું ખંડિયા શાહી રાજાઓ માટે હુકમો છૂટવાની તૈયારી છે.'
મહાત્માને આ માગણી યોગ્ય લાગી. મઘા સાથેના પ્રસંગ પછી એ ખંડ ભારે ભારે લાગતો હતો. માણસ સ્નેહથી પાપાચરણમાં જેટલો પ્રવૃત્ત થાય છે, તેટલો દેષથી થતો નથી ! મહાત્માએ વિનંતીને સ્વીકારી લીધી.
શકરાજ મહાત્માએ કહેલાં વાક્યોને ફરી ફરી ગોખી રહ્યો, ‘રાજનીતિ વેશ્યાની જેમ અનેકરૂપ ધારણ કરનારી છે. જે થાય છે તે સારા માટે થાય છે એમ સમજીને ચાલ.”
આ વખતે શકરાજે દૂર દૂર નજર નાખી. તેમણે જોયું કે એક ઘોડેસવાર વીજળીને વેગે આવી રહ્યો છે.
શકરાજ એને નીરખી રહ્યા. મહાત્મા નકલંક એના પગલામાં ભાવિના ભણકારા સાંભળી રહ્યા. ધડીમ ધડીમ ! જાણે કોઈ અદૃશ્ય ભાવિ એનાં પગલાંમાં ધડાકા કરતું હતું. આખરે એ નજીક આવી પહોંચ્યો.
અસવારે નખશિખ કાળો પોશાક પહેર્યો હતો. ફક્ત બે આંખો બહાર દેખાતી હતી.
342 | લોખંડી ખાખનાં ફૂલ
શહેનશાહ તરફથી કોઈ તાકીદનો હુકમ લઈને ક્વચિત્ આવતો આ કાળો અસવાર હતો, પણ એ જ્યારે આવતો ત્યારે ભયંકર ફરમાન કે હૃદયદ્રાવક વર્તમાન લઈને આવતો. પાણીના પેટાળમાં રહેલ વડવાનલ જેવો એ હતો.
આ અસવારને પસાર થતો જોતાં જ શકસુંદરીઓ મુગલીની જેમ ફફડી ઊઠતી, એ દોડીને ઘરના અંધારા ઓરડામાં ભરાઈ જતી, ને આગામી આફતથી બચાવવા પોતાના ઇષ્ટદેવને પ્રાર્થના કરવા લાગતી.
બાળકો આ કાળા અસવારને નીરખી રડતાં છાતાં રહી જતાં. ને દોડીને ઘરમાં જઈ માતપિતાની ગોદમાં છુપાઈ જતાં.
રાજના ધનુર્ધર યોદ્ધાઓનાં હૈયાં પણ આ અસવારના દર્શનથી સ્પંદન અનુભવતાં. તેઓ પોતાનાં શસ્ત્રાસ્ત્ર તૈયાર કરતા અને આવી રહેલી કપરી ઘડીની રાહ જોતા બેસતા.
જે રસ્તેથી કાળો અસવાર ઉતાવળો પસાર થતો, એ રસ્તા પરથી ખેતરોમાંથી ખેડૂતો ઉતાવળા ઉતાવળા ઘર ભણી ચાલ્યા આવતા. લોકો કંઈક અજબ-ગજબની નવાજૂનીની આશંકામાં ચોરે ને ચૌટે ટોળામાં એકઠાં મળતાં. ખેતી સૂની પડતી; ઢોરઢાંખર હરાયાં બનતાં.
કોઈ જુવાનનું અકાળ મોત થયું હોય અને બધા ડાઘુ એકઠા થઈને બેસે, એમ ચોરે ને ચૌટે ઠેરઠેર આવાં દૃશ્યો જોવા મળતાં.
વેપારીઓ આફતના અવતાર સમા કાળા અસવારને જોતાં જ ટપોટપ દુકાનો બંધ કરી દેતા અને સોનું, રૂપું કે રોકડ લઈ જઈને ભોંમાં ભંડારી દેતા.
કાળા અસવારનો શીરીન નદીના જળમાં પડછાયો પડ્યો કે નૌકાના સ્વામીઓ ને નાવિકો બધું મૂકીને ગામ તરફ દોડી જતા.
કાળા અસવારને જોઈને આખા પ્રદેશમાં એક સન્નાટો પ્રસરી જતો.
મીનનગરની શેરીઓ વચ્ચેથી કાળો અસવાર પસાર થઈ ગયો. સહુના જીવ તાળવે બંધાઈ ગયા.
લોકોને યમરાજનો આટલો ડર ન લાગતો. કારણ કે યમરાજ માંદાને, રોગીને, દમહેલને લઈ જતાં પણ આ તો સાજાંતાજાને અને જીવતાજાગતાને ઉપાડી જવાના આદેશ લઈને આવતો.
મધુર રવે ટહુકાર કરતાં પંખી જેમ બિલાડાને જોઈ ચૂપ થઈ જાય એમ, રાજમહેલના કર્મચારીઓ આ કાળા ઓછાયાને જોઈ ચૂપ થઈ ગયા હતા. કોઈ યંત્રકારે હાલતાં-ચાલતી કીકીઓવાળી પ્રતિમાઓ ઘડી હોય એમ બધા સ્તબ્ધ ઊભા રહી ગયા હતા.
કાળો અસવાર 343