________________
બધા વિદ્વાનો બોલ્યા, ‘જ્ઞાન એ કંઈ કોઈ વાડ પર થતી વેલ નથી, કે વાટીને પાઈ દેવાય.’
મંત્રીને થયું કે આ બધા કેવળ પોથી પંડિતો છે અને વાત કરવામાં જ શૂરા છે. એટલે એમનાથી કંઈ નહીં વળે.
આ પછી મંત્રીએ અતિવૃદ્ધ એવા પંડિત વિષ્ણુશર્માને તેડી મંગાવ્યા. રાજાએ બધી વાત એમને વિસ્તારથી કહી. આ વાત સાંભળીને પંડિત વિષ્ણુશર્માએ કહ્યું, રાજન, હું છ માસમાં તમારા પુત્રોને નીતિપુરાણ ને વિદ્વાન બનાવીશ.”
રાજાએ શુભ દિવસે પોતાના ત્રણે પુત્રો મહાપંડિત વિષ્ણુશર્માને સોંપ્યા. પંડિત વિષ્ણુશર્માએ જોયું કે રાજકુમારોના સંસ્કારો સાવ નબળો છે. તેઓને પશુપક્ષીમાં જેટલો રસ છે, તેટલો માણસોમાં નથી. વળી કોઈ ધર્મશાસ્ત્રની નીતિવાર્તા કે ઉપદેશ સાંભળવો તેમને અકારો લાગે છે, માટે એમને રુચે તેવી વાતો કહેવી ને એ દ્વારા ઉપદેશ આપવો. તેઓએ પશુ-પંખીઓની કથાઓ કહીને રાજ કુમારોને કેળવવો માંડ્યા. એમ કરતાં કરતાં એમણે એક ગ્રંથ રચી કાઢ્યો અને એને પાંચ તંત્રમાં-પાંચ ભાગમાં વહેંચ્યો. એ પંચતંત્ર કહેવાયો.
પંચતંત્રનો પહેલો વિભાગ મિત્રભેદ નામ આપ્યો. એમાં રાજાએ કાચા કાનના ન થવું જોઈએ. તે વાત પિંગલક સિંહ, સંજીવક બળક અને દમનક-કરટક નામનાં શિયાળોની વાત કહીને સમજાવ્યું.
બીજો વિભાગ મિત્રસંપ્રાપ્તિનો કહ્યો. એમાં સાચો સ્નેહ અને સંપ હોય તો કેવી રીતે સંકટને તરી જવાય છે એની કથા કહી.
કોઈ પારધીએ જાળ બિછાવેલી અને દાણા વેરેલા. કબૂતરો દાણા ખાવાની લાલચે એમાં ફસાઈ ગયાં. એ વખતે કબૂતરોના રાજાએ પ્રજાના બળને સત્કાર્યું, ને કહ્યું કે રાજનો ઉદ્ધાર રાજા-પ્રજાના સંગઠનમાં છે. રાજા ચિત્રગ્રીવ સાથે બધાં કબૂતર એક સાથે ઊંડ્યાં. ઊડતાં ઊડતાં કહૂતરોનો રાજા પોતાના મિત્ર ઉદર પાસે પહોંચ્યો. ઉંદરે એને જાળ કાપીને મુક્ત કર્યા. એક કાગડો આ બધું જોતો હતો. એ કાગડાએ ઉદરને પોતાનો મિત્ર થવા કહ્યું. ઉદર કહે કે નાના અને મોટાની મિત્રાચારી સારી નહીં. પણ કાગડાએ આગ્રહ કર્યો આખરે બંને મિત્ર બન્યા. પછી આ બે જણા ફરતા ફરતા એક સરોવરને કાંઠે આવ્યા. ત્યાં કાચબો અને મૃગ રહેતા હતા. તેઓ કાગડાના અને ઉદરના મિત્ર બન્યા. ચારે જણા નિષ્કપટ ભાવે એકબીજાના દુ:ખમાં મદદ કરતા અને સુખે રહેવા લાગ્યો. આનો સાર એ કે રાજાએ સાચો મિત્રો મેળવવા.
પછી મહાપંડિત વિષ્ણુશર્માએ કાગડા અને ઘુવડનો કાકોલકીય નામનો ત્રીજો ભાગ કહ્યો. એની વાર્તા કહેતાં કહ્યું,
326 | લોખંડી ખાખનાં ફૂલ
બે દુર્ગ હતા. એક કાગડાનો અને બીજો ઘુવડનો. બંને જણા સમય મળતાં એકબીજાના દુર્ગમાં પેસી જઈને ઘણું નુકસાન કરતા.
છેલ્લા વખતથી ઘુવડોએ ભારે ઉપાડો લીધો હતો. છેવટે કાગડાનો મહામંત્રી એક વૃદ્ધ કાગડો પોતે તૈયાર થયો અને નિરાશ્રિત તથા અન્યાયથી દેશનિકાલ થયેલા કાગડા તરીકે ઘુવડના દરબારમાં આશરો માગવા ગયો.
ઘુવડના રાજાએ એને આશ્રય આપ્યો.
મંત્રીઓ કહે, “જે જાતિની સાથે વિરોધ હોય એવા શત્રુના કોઈ જણનો વિશ્વાસ ન કરવો, કાગડાને આશ્રય આપવો જોઈએ નહીં.'
છતાં મોટા મનવાળા રાજાએ નિરાશ્રિત કાગડાને આશ્રય આપ્યો. આખરે કાગડો એક દહાડો ગુપ્ત રીતે દુર્ગમાં રહી, દુર્ગ સળગાવી મૂકે છે. ઘુવડનું રાજ નાશ પામે છે.
મહાપંડિત વિષ્ણુશર્માએ ઉપસંહાર કરતાં કહ્યું, ‘વિરોધી લોકોનો કદી વિશ્વાસ ન કરવો.”
આ પછી ચોથો વિભાગ ‘લબ્ધપ્રણાશ'નો કહ્યો. એની વાર્તા આ પ્રકારે છે :
એક વાંદરો હતો. એક મગર હતો. વાંદરો જાંબુના ઝાડ પર રહેતો. મગરને ખાવા મીઠાં મીઠાં જાંબુ આપતો. મગર એક વાર પોતાની પત્ની માટે જાંબુ લઈ ગયો. મગરીએ મીઠાં મધ જેવાં જાંબુ ખાઈને કહ્યું, ‘અરે ! આ જાંબુ આટલાં મીઠાં છે, તો રોજે રોજ એ જાંબુના ખાનારનું કાળજું કેવું મીઠું હશે ! મગર ! તું જા અને મારા માટે એ લાવે !?
મગર કહે, ‘પણ એ તો મારો મિત્ર છે.” મગરી કહે, ‘તો ભૂંડા માણસ ! શું હું તારી કંઈ જ નથી ?”
મગર લાચાર બની ગયો અને સ્ત્રીનું કહેલું કરવા તૈયાર થયો. એ એક દિવસ વાંદરાને લલચાવીને પોતાને ઘેર લઈ આવ્યો. મગરીએ એની પાસે કાળજું માગ્યું. વાંદરો બધી હાલત સમજી ગયો. એણે કહ્યું,
- “અરેરે ! મને શી ખબર કે તમારે કાળજું જોઈતું હશે ! એ તો હું ઘેર મૂકીને આવ્યો છું. ચાલો, લઈ આવીએ.”
મગર અને વાંદરો કાળજી લેવા પાછા ફર્યા. કાંઠે આવીને વાંદરો કૂદીને ઝાડ પર ચડી ગયો, ને બોલ્યો, ‘મગરભાઈ, રામ રામ ! જે માણસ સ્ત્રીના કહ્યામાં આવી જાય છે, એનો વિશ્વાસ કરવો યોગ્ય નથી.'
મગર પોતાની મૂર્ખતા સમજ્યો, ને પસ્તાયો.
પંચતંત્રનો પરિચય | 327