________________
41
અકારું અમરપદ
રાજા દરાયસ ઉત્સુકતામાં સિંહાસન પરથી ઊભો થઈને દૂર દૂર રાજમાર્ગ પર નજર ઠેરવી રહ્યો હતો. એનું મન સારા-ખોટા અનેક વિચારોથી ભરાઈ ગયું હતું. સંજીવની પોત તરીકે એક ગ્રંથ લખવામાં આવ્યો છે, આ સમાચારથી એણે બાહ્ય રીતે હર્ષ પ્રગટ કર્યો હતો, પણ એના અંતરમાં કંઈક નિરાશા વ્યાપી હતી. ગ્રંથથી તે કંઈ અમર થવાતું હશે ?
અને આ કારણે એલચી બૈરૂત માટે એ ઉપરથી આદર બતાવતો હતો, પણ અંતરમાં એ ખીજે બળી રહ્યો હતો. શું મંગાવ્યું અને શું ઉપાડી લાવ્યો. મૂરખ નહીં તો !
છતાંય એક યોગી સાથે આવ્યા છે, એ સમાચારે એને કંઈક આશ્વાસન આપ્યું હતું. પહાડ પર રહેતા હિંદના યોગીઓ માટે એણે ઘણું ઘણું સાંભળ્યું હતું. એ ધારે તો માણસને અમર બનાવી શકે તેમ કહેવાતું. રાજાએ વિચાર કર્યો કે આ મહાત્મા પાસે મારે પહેલી મુલાકાતે જ મનનું ધાર્યું માગી લેવું. માત્ર પુસ્તકથી રાજી ન થવું અને મનનું ધાર્યું ન થાય તો એમને અહીંથી જવા ન દેવા.
ત્યાં રાજકુમારને ખોળામાં લઈને આવતા મહાત્મા નકલંક દેખાયા. સહેજ શ્યામળી, અશ્વારૂઢ એ માનવપ્રતિમાએ એના દિલને સહસા ખેંચી લીધું. પ્રકાશના પુંજથી દીપ્તિમંદ લાગતું એમનું મસ્તક જાણે નભને ટેકો દેતું હતું. વીજળીમાંથી બનાવેલી હોય તેવી તેજ વેરતી બે આંખો, ભાલાના ફળામાંથી બનાવેલું હોય એવું અણીદાર નાક અને પરવાળામાંથી બનાવેલા હોય એવા કંકુવર્ણા ઓષ્ટને એ તો નીરખી જ રહ્યો. આખા શકદ્વીપમાં પાણીદાર લેખાતો અશ્વ મહેમાનને ઊંચકીને આજ્ઞાંકિત સેવકની જેમ આગળ વધતો હતો. આ વાત તો ન બનવાની બની હતી.
ન
રાજા થોડો આગળ વધ્યો.
બૈરૂતે પહેલાં રાજાની અને પછી મહાત્માની જય બોલાવી. રાજા તરત બૈરૂતને રોકતાં બોલ્યો,
મહાત્મા મોટા છે. ગમે તેવા ચક્રવર્તીથી પણ એમની જય પહેલાં જ બોલાવવી જોઈએ. પહેલો ધર્મ પછી રાજ.’
રાજા દરાયસે પોતાની પાસે રહેલ મોટું દાડમ મહાત્માની આગળ ભેટ ધરતાં કહ્યું, ‘મહાત્માજી ! મારે ડહાપણ પણ જરૂર શીખવું છે, પણ તે પહેલાં અમર બનવું છે.”
‘અમર બનવું છે, રાજનું ?' મહાત્માએ અશ્વથી નીચે ઊતરતાં રાજવીના ખભે હાથ મૂક્યો અને પ્રશ્ન કર્યો.
‘હા.’ રાજાએ વિનીત ભાવે કહ્યું.
‘ભલે રાજન્ ! તમને અમર બનાવું’ અને એમ કહેતાં યોગીએ રાજાના અંગૂઠા પર પોતાનો પગ મૂક્યો. એ પગ નહોતો, પણ કોઈ યોગનિદ્રાનો સ્પર્શ હતો. રાજા ત્યાં ને ત્યાં સ્થિર થઈ ગયો અને કોઈ અગમ્ય અનેરી સૃષ્ટિમાં સરી પડ્યો. ઓહ ! આ શું જોઉં છું !
જાણે પોતાની સાથે મહાત્મા હતા અને વનજંગલ અને કંદરાઓ વટાવતા બંને આગળ વધતા હતા.
બંને મૌન હતા. છતાં બંને જણા જાણે વાતો કરતા હતા. રસ્તાઓ હવે પૂરા થયા. કેડાઓ પણ પૂરા થયા. નાની નાની કેડીઓ પણ ખતમ થઈ. રાજાએ ચારેતરફ જોયું તો બધું ભારેખમ હતું. હવા પર જાણે વજન હતું. દિશાઓ પર પણ વજન હતું. અરે, સૂર્ય પણ વજનદાર લાગતો હતો.
રાજાએ ચાલતાં ચાલતાં યોગી તરફ જોયું અને બોલ્યા, ‘આપણે આપણા માર્ગે જ છીએ ને ?’
રાજાના આ પ્રશ્નનો મહાત્માએ જવાબ આપ્યો, ‘હા, આપણે અમર યાત્રાના રાહ પર જ છીએ.’
અને બંને આગળ વધ્યા.
હવે તો પગદંડીઓ પણ પૂરી થઈ હતી; જનનો અવરજવર પણ નહોતો અને જાનવર પણ દેખાતાં નહોતાં.
સંસારની જાણે ઇતિશ્રી થઈ ગઈ હતી. ધરતીનો જાણે છેડો આવી ગયો હતો. બંને જણા આ શૂન્ય જગતમાં સજીવ હતા અને આગળ રાહ કાર્યે જતા
અકારું અમરપદ D 311