________________
પ્રકારથી તમે ધનલાભ કરવા ઇચ્છો છો ?”
વર્ધમાને કહ્યું, હે પ્રિયે, મનુષ્યોને છ ઉપાયોથી ધન મળે છે. એક ભિક્ષાથી, બીજુ રાજાની સેવાથી, ત્રીજું ખેતીથી, ચોથું વિદ્યાકલાથી, પાંચમું ધીરધારથી અને છઠું વેપારથી. આ બધામાં વેપારથી થતો ધનલાભ સર્વશ્રેષ્ઠ છે.”
ભદ્રા શેઠાણીએ કહ્યું, ‘એ વાત તમે મને વિગતે સમજાવો.”
વર્ધમાન કહે, “પ્રથમ ઉપાય તે ભિક્ષા . ભિક્ષા એ નીચ કર્મ છે. બીજો ઉપાય રાજાની સેવા, એમાં ભારે જોખમ છે. ખેતી અનાવૃષ્ટિથી કે અતિવૃષ્ટિથી બગડી જાય છે. વિદ્યાકલામાં પેટ ભરાય છે, પેટીઓ ભરાતી નથી. ધીરધારમાં ધન કાઢીને બીજાના હાથમાં આપવાનું હોય છે ને પાછું આવવાનો ભરોસો હોતો નથી; એટલે છઠ્ઠો વેપાર જેવો ધન કમાવાનો કોઈ બીજો ઉત્તમ પ્રકાર નથી. હવે વેપાર પણ સાત પ્રકારનો હોય છે.”
‘મા ! સાંભળ્યું કે ! રાજાની સેવામાં ભારે જોખમ રહ્યું છે ! હું તો વેપારી થઈશ.” બૈરૂતે કહ્યું.
| ‘જૈ થવું હોય તે થજે , પણ વચ્ચે ડબડબ ન કર. હાં, મહાત્માજી ! આગળ ચલાવો.’ મઘાએ બાળકને ચૂમી ભરતાં કહ્યું.
મહાત્માએ આગળ વાત ચલાવી. ભદ્રા કહે, ‘એ સાત પ્રકાર કયા તે મને જણાવો.”
વર્ધમાન કહે, “પહેલો પ્રકાર સુગંધી પદાર્થ વેચવાનો, બીજો નાણાવટીનો, ત્રીજો મંડળીનો, ચોથો આડતનો, પાંચમો ખોટી કિંમત કહેવાનો, છઠ્ઠો ખોટાં તોલમાપ વાપરવાનો ને સાતમો દેશદેશાવરથી માલની આયાત નિકાસનો.*
‘આમાં પહેલા અને છેલ્લા બે પ્રકાર ઉત્તમ છે. નાણાવટીનું મન કપટમાં રહે છે. એ હંમેશાં ઝંખે છે કે પૈસા મૂકી જનાર મૂકીને મરી જાય તો સારું.* મંડળીમાં જેનાં હાથમાં તેના મોમાં થાય છે. આડતિયાને વિશ્વાસુ ગ્રાહકને છેતરવામાં પુત્રજન્મ જેવો આનંદ થાય છે. ખોટી કિંમત અને ખોટા તોલમાપ એ ભીલ વેપારીઓનો નિજધર્મ છે. માત્ર પહેલો પ્રકાર - સુગંધી દ્રવ્યનો વેપાર એકગણાં દામની સો ગણી કિંમત ઉપજાવી દે છે. ને સાતમાં પ્રકાર દેશાવર સાથેનો વેપાર બમણું અથવા તમણું ધન મેળવી આપે છે.”
આ પછી વર્ધમાન દેશાવર જવા માટે, શુભ તિથિઓ ગુરુજનોની આજ્ઞા લઈ, ઉત્તમ રથમાં આરૂઢ થઈને નીકળ્યો. રથમાં સંજીવક અને નંદ નામના ઉત્તમ બળદો * મંડળી-સહકારી મંડળીઓ. જૂના વખતથી તે આજ સુધી સરખી સ્થિતિ છે. સહકારી મંડળીઓ એંશી ટકા નિષ્ફળ ગઈ છે.
286 | લોખંડી ખાખનાં ફૂલ
જોડ્યા. આ બળદોને એણે સુંદર રીતે કેળવ્યા હતા.
ચાલતાં ચાલતાં યમુનાના કિનારા ઉપર સંજીવક બળદનો પગ કીચડમાં સરી ગયો અને ભાંગી ગયો. વર્ધમાન ત્રણ દિવસ ત્યાં રોકાયો, પણ સંજીવક કંઈ સાજો થયો નહિ.
આ વખતે સાથેના સલાહકારોએ કહ્યું,
‘એક બળદના જીવની ખાતર આ વાઘ-વરુવાળા વનમાં હજાર જીવોનું જોખમ માથે ન લેવું જોઈએ, બુદ્ધિમાન પુરુષે અલ્પ વસ્તુ ખાતર મહત્ વસ્તુનો નાશ કરવો નહિ. અલ્પ વડે બહુનું રક્ષણ કરવું એનું નામ ડહાપણ છે.”
‘અજબ ગ્રંથ છે. સાવ નવો વિચાર. અમારે ત્યાં તો બહુ વડે અલ્પનું રક્ષણ થાય છે. સંજીવની રોપ શોધીએ આપણે , એમાં હજાર જીવો હેરાન થાય ને સુખ ભોગવે એકલો રાજા.’ મધા બોલી.
મહાત્માએ મઘાની વાતને એક મંદ સ્મિતથી વધાવી ને બોલ્યા, ‘વર્ધમાનને આ સલાહ ઠીક લાગી. એણે કેટલાક માણસોને બળદની રક્ષા માટે મૂક્યા અને આગળ વધ્યો. એકનું પ્રિય તે ઘણીવાર બીજાનું અપ્રિય હોય છે. પાછળ રહેલા લોકોને વનનો વાસ દુષ્કર લાગ્યો. તેઓ બીજે દિવસે ચાલી નીકળ્યા; ને વર્ધમાન શેઠ પાસે પહોંચી ગયા અને બોલ્યા, ‘તમારા ગયા બાદ સંજીવક તરત મરણ પામ્યો. આપના પ્રિય વૃષભનો અમે સારી રીતે અગ્નિસંસ્કાર કર્યો.”
વર્ધમાન દુઃખી થયો ને આગળ વધ્યો. આ તરફ વનવગડામાં સંજીવક એકલો રહ્યો. છતાં કહ્યું છે, કે ભલે દુનિયા આખી પ્રાણીમાત્રની દુશ્મન બની રહે, પણ દેવ જો રક્ષા કરે તો એ પ્રાણી જીવે છે; એનો વાળ પણ વાંકો થતો નથી. જેની સહુ રક્ષા કરે, પણ દૈવ વિપરીત હોય તો તે નાશ પામે છે. સંજીવકનું પણ એમ બન્યું. એ ધીરે ધીરે યમુના તટે ગયો. ત્યાં લીલાં કોમળ તૃણ ચરવા લાગ્યો. થોડા દિવસમાં તો મહાદેવના પોઠિયા જેવો, મોટી ખૂંધવાળો એ મહાબલવાન જીવ બની ગયો. એની ગર્જનાથી જંગલ ગાજવા લાગ્યું.
‘એક દિવસ પિંગલક નામનો વનનો રાજા સિંહ ત્યાં પાણી પીવા આવ્યો. તેણે સંજીવકની ગર્જના સાંભળી અને ડર્યો. એ જીવ લઈને જાય ભાગ્યો.”
‘એ પિંગલક સિંહ ગામ, નગર, પાન, અધિષ્ઠાન, ખેટ, ખર્વટ, ઉદ્યાન, અગ્રહાર, કાનન, વન અને ખીણોમાં વસતાં તમામ ચતુષ્પદોનો સ્વામી હતો. એણે પોતાનું ચતુર્મડલ બોલાવ્યું ને અગત્યની સભા ભરી. આ ચતુર્મડલમાં સિંહના સ્વજનો, અનુયાયીઓ, મંત્રીઓ અને સેવકો હતા.' એ સમાચાર જાણી બે મંત્રીપુત્રો પણ ત્યાં આવ્યા. એ જાતનાં શિયાળ હતાં.
મહાત્માએ કહેલી નીતિવર્તા | 287