________________
તો પછી આપ મને શું કહેવા માગો છો ?' દર્પણ પૂછી રહ્યો. ‘સરસ્વતીને નિર્ભય બનાવ. અહીંથી સત્વર પાછો ફરી જા.' અવાજે કહ્યું. ‘શું હું એને મુક્ત કરું ? તો તો જગતમાં મારી હાંસી થાય. મારા જ કર્મચારીઓ મને ખોટો ઠરાવે. મેં તેમને કહ્યું છે, કે સરસ્વતી મારા પર મોહીને અહીં આવી છે.'
દર્પણે શિષ્યભાવે ખુલાસો માગ્યો.
‘હું માત્ર એને નિર્ભય બનાવવા માટે કહું છું. બીજી વાત કરતો નથી.’ અવાજ બોલ્યો.
‘ગુરુદેવ ! આપના તો ધ્યાનમાં જ હશે કે કાલક આપનાથી રિસાઈને ચાલ્યો ગયો છે.' સરસ્વતીએ વચ્ચે પ્રશ્ન કર્યો. એ કોઈ જગદંબાની છટાથી ઊભી હતી. ‘જાણું છું.'
‘ગુરુદેવ ! એ પાગલ થઈ ગયો હતો, એ જાણો છો ?'
દરેક મહાશક્તિ પરાજયમાં પાગલ બને છે.'
એટલું પૂછું છું કે એ ક્યાં હશે ? જ્યાં હશે ત્યાં સુખી તો હશે ને ?' ‘વધુ તો નહીં કહું. સુખી અને દુઃખી બંને હશે.'
‘ગુરુદેવ, અંબુજાને સ્વસ્થ કરો.'
‘સ્વસ્થ જ છે. અંબુજા તો મારી લાડકવાયી પુત્રી છે. આનંદભૈરવી છે. મારા ધર્મનો સ્તંભ છે. સો દર્પણ પણ એને કંઈ કરી શકે નહિ.’
સરસ્વતીએ જોયું તો અંબુજા સ્વસ્થ હતી. લોહી વહેતું બંધ થઈ ગયું હતું. સરસ્વતી અને અંબુજા બંને ગુરુદેવના નેત્રોને નમી રહ્યાં.
થોડીવારે બંનેએ નમેલાં મસ્તક ઊંચાં કર્યાં. ત્યારે ન ત્યાં ગુરુદેવનું મોં હતું, ન ત્યાં દર્પણ હતો.
માત્ર પાછળ વહેતી ક્ષિપ્રાની જલધારા મીઠો મધુરો અવાજ કરતી હતી. ‘બહેન, હીરો દૂર કરી દે ! મને ડર છે, કે કોઈકવાર તું દુ:સાહસ કરી બેસીશ! બહેન ! તમારું સાધુનું વ્રત તો અપરિગ્રહનું. તો પછી તારી પાસે આ હીરો આવ્યો ક્યાંથી ?' અંબુજાએ પ્રશ્ન કર્યો.
વહાલી અંબુજા ! ઉજ્જૈનીમાં અમે આવ્યાં, ત્યારથી મને અપશુકન થયા કરતા હતા. જમણું અંગ વારંવાર ફરકતું, રાત્રે સૂતી હોઉં ત્યારે કાનમાં રુદનના ભણકારા સંભળાતા. મેં ભાઈને બે-ચાર વાર વાત કરી. એણે કહ્યું, તને દર્પણને જોઈને મહામઘ ગુરુનો આશ્રમ અને છેલ્લી ભૈરવીચક્રની વિધિ યાદ આવતી લાગે 266 – લોખંડી ખાખનાં ફૂલ
છે. બાકી સાધુને ભય કેવો ને વાત કેવી ? રાજા રાજાને હરાવી શકે, મારી શકે, સંહારી શકે, પણ રાજાની તાકાત નથી કે સાધુ સામે આંગળી ચીંધી શકે. સાધુ તો સંસારની અમૂલખ દોલત !'
‘સાધુ તો સંસારની અમુલખ દોલત ! સરસ કહ્યું બહેન !' વચ્ચે અંબુજાએ કહ્યું. એના શબ્દોમાં આર્ય કાલક તરફ છુપાયેલું હેત ડોકિયાં કરી રહ્યું હતુંઃ ‘પણ બહેન, આ ધર્મની હરીફાઈઓએ ઘાણ કાઢવો. મારું ચાલે તો ધર્મમાત્રને મિટાવી દઉં.’
‘બહેન ! ધર્મ-અધર્મ ભેગા થઈ ગયા છે - દૂધ અને પાણી ભળી જાય તેમ. પણ એ માટે જરા તાવડે તપાવીએ તો અધર્મની તરત કસોટી થઈ જાય.' અંબુજાએ મૂળ વાતનો દોર પકડતાં કહ્યું, ‘પણ બહેન, પેલી હીરાની વાત તો બાકી રહી.'
‘ભાઈ કાલકે વાત કરી એથી મન કંઈક આશ્વાસન પામ્યું; પણ વળી એક વાર રાજા દર્પણ ઘોડો ખેલાવતો મારા વાસસ્થાન પાસેથી નીકળ્યો. હું સાધ્વી હતી. શત્રુને મિત્ર ગણવાનો મારો ધર્મ હતો. મારા ધર્માચાર પ્રમાણે હું હંમેશાં નીચું જોઈને વાત કરતી, પણ એ દિવસે અચાનક મારી આંખો ઊંચી થઈ. મેં દર્પણ સામે જોયું. એની નજર વાંચી. મને એમાં ડર લાગ્યો. કલ્યાણમલ પાસે ખડો હતો. મેં એને વાત કરી. એણે કહ્યું, રાજા શક્તિનો પૂજક છે. સ્ત્રીનો શિયળભંગ એનો શોખ છે. એનું કંઈ કહેવાય નહીં. ચેતતાં રહેજો ! મેં કહ્યું, મને તો કશો ડર નથી, પણ આ દેહને જરૂર ડર છે. માટે જરૂર પડે દેહને ટાળી શકાય તેવી વસ્તુ મને આપો ! એણે મને આ વિષમિશ્રિત હીરો આપ્યો. પેટમાં ગયો કે આંતરડાના કટકે કટકા. ત્યારથી હું હીરો સાથે રાખું છું.'
‘ક્યાં રાખતાં ?’
મારા ગળામાં. જો, આ ખાનું રહ્યું.' સરસ્વતીએ મોં ફાડીને, હીરો રાખી શકાય એવો ગળામાં પાડેલો ખાડો બતાવ્યો.
‘આ કરામત તું ક્યાંથી શીખી ?
‘એક જાદુગર પાસેથી. એ ત્યાં લોઢાના મોટા મોટા ગોળા રાખતો. નાનપણમાં એવા પ્રયોગનો મને ખૂબ શોખ હતો. રાજમહેલમાં એવા એવા જાદુ કરી હું સહુનું મનોરંજન કરતી.'
દર્પણ હવે બહાર ચાલ્યો ગયો હતો. એનો અવાજ પણ સંભળાતો બંધ થઈ ગયો હતો.
અંબુજા બોલી, ‘આજ એવો દાખલો બન્યો છે કે ભાઈ હવે કોઈપણ સ્ત્રીને છંછેડવાનું ભૂલી જશે. પણઆ કામમાં આપણને હોંશપૂર્વક મદદ કરનાર સુનયનાને સ્ત્રીશક્તિનો પરચો D 267